બોમ્બે રાજ્યના બે ભાગ પાડીને જ્યારે ગુજરાતની રચના કરવામાં આવી ત્યારે રાજનીતિમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. એવું કે ગુજરાતમાં સતત 15 વર્ષ સુધી કોંગ્રેસને કોઇ પાર્ટી પડકાર આપી શકી ન હતી. જોકે 1995 પછીના ગાળામાં બીજેપી ગુજરાતની બિગ બોસ બની હતી. પટેલોના ખભે બેસીને જે સમીકરણ બનાવ્યા તેના સહારે તે 27 વર્ષથી સત્તાનું સુખ ભોગવી રહી છે. કોંગ્રેસ તેના વર્ચસ્વને તોડી શકી નથી.
ગુજરાતમાં પ્રથમ વખત 1960માં ચૂંટણી થઇ હતી. 132 સીટો પર ચૂંટણી થઇ હતી. કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા 112 સીટો પર કબજો કર્યો હતો. કોંગ્રેસે પોતાના પ્રથમ મુખ્યમંત્રી મહાત્મા ગાંધીના અંગત ચિકિત્સક રહી ચુકેલા જીવરાજ મહેતાને બનાવ્યા હતા. આ પછી બળવંતરાય મહેતાને કમાન મળી હતી. પાકિસ્તાનના હવાઇ હુમલામાં 1965માં બળવંતરાય મહેતાનું મોત થતા કોંગ્રેસની રાજનીતિમાં ઉઠાપટક શરુ થઇ હતી. ઇમરજન્સીના કારણે કોંગ્રેસને થોડા સમય માટે ગુજરાતની સત્તાથી હાથ ધોવા પડ્યા હતા.
આ પછી માધવસિંહ સોલંકીનો યુગ આવ્યો હતો. તેમણે રાજનીતિના એવા સમીકરણ બનાવ્યા કે 1985માં કોંગ્રેસની સીટોની સંખ્યા 149 સુધી પહોંચી ગઇ હતી. હજુ સુધી આ રેકોર્ડ યથાવત્ છે. ગુજરાતમાં કોઇપણ દળને આટલી સીટો ક્યારેય મળી નથી. બીજેપીએ તેમના રાજનીતિક હથિયારને કાપવા માટે પટેલોનો સહારો લીધો હતો.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણી સર્વે: CBI દ્વારા મનીષ સિસોદિયાની પૂછપરછથી કઈ પાર્ટીને ફાયદો થશે?
1990માં કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી ગઇ હતી. બીજેપીએ જનતા દળ સાથે મળીને ચૂંટણી લડી અને સરકાર બનાવી હતી. બીજેપીએ કોંગ્રેસના સમીકરણના કાટ માટે કેશુભાઇ પટેલને આગળ કર્યા હતા. પાર્ટીને ખબર હતી કે તેમની નાવને પટેલ જ પાર કરાવી શકશે. પ્રયોગ સફળ રહ્યો અને 1995માં બીજેપી પોતાના દમ પર સત્તામાં આવી હતી. ત્યારે તેણે 182માંથી 121 સીટો પર જીત મેળવી હતી.
આ પછી આગળની કહાની એક ઇતિહાસ છે. 1995 પછી બીજેપી ગુજરાતની સત્તામાંથી બહાર થઇ નથી. થોડાક સમય માટે શંકરસિંહ વાઘેલાની સરકાર આવી હતી. 2001માં ગુજરાતની રાજનીતિમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઇ હતી. તે 13 વર્ષ સીએમ રહ્યા પછી દેશના પીએમની ખુરશી સુધી પહોંચ્યા છે. મોદી ગુજરાતની રાજનીતિમાંથી બહાર આવી ગયા છે છતા બીજેપી રાજ્યમાં અપરાજેય બની રહી છે.
ગુજરાતમાં પટેલોની વસ્તી લગભગ દોઢ કરોડ એટલે કે કુલ વસ્તીના લગભગ 15 ટકા છે. આંકડાને સીટોમાં વહેંચીને જોઈએ તો ગુજરાતની કુલ 182 સીટોમાંથી 70 સીટો પર પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. ગત વખતે 2017માં કોંગ્રેસને 77 સીટો મળી હતી. માનવામાં આવી રહ્યું હતું કે હાર્દિક પટેલે કોંગ્રેસ જોઇન કરતા કોંગ્રેસને લીડ મળી હતી.