ગુજરાત વિધાનસભાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસ પક્ષના સભ્યોનો અસંતોષ ધીમે ધીમે સામે આવી રહ્યો છે. જેમાં ટિકિટ ન મળવાથી નારાજ થયેલા એક પછી એક સભ્યો કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામાં આપી રહ્યા છે. આ વખતે કોડિનારમાં ટિકિટ ન મળતા કોડીનારના હાલના ધારાસભ્ય મોહન વાળાએ રાજીનામું આપ્યું છે. તો પૂર્વ ધારસભ્ય ધીરસિંહ બારડે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. તો પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, પૂર્વ ધારાસભ્ય હાલના ડેલિગેટ સભ્ય છે. ટિકિટ ન મળવાથી અત્યાર સુધીમાં 5થી 6 મોટા નેતાઓએ કોંગ્રેસને રામ-રામ કહી દીધા છે.
મેવાણીના કારણે વાળાની ટિકિટ કપાઇ હોવાનો મત
કોડિનારના સિટિંગ ધારાસભ્યને મોહન વાળાને કોંગ્રેસે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી, જેને લઇને ભારે નારાજગી જોવા મળી છે. આ મામલે મોહન વાળાએ કોડિનારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ધીરસિંહ બારડ સાથે એક બેઠક પણ યોજી હતી. મોહન વાળાનું પત્તુ કપાવા પાછળ જીગ્નેશ મેવાણીનો હાથ હોવાનું મનાય છે.
કોંગ્રેસ તો આ વખતે કોડિનારમાં મોહન વાળાને રિપિટ કરવા તૈયાર હતી જો કે જીગ્નેશ મેવાણીની દખલગીરીને કારણે હાલના ધારાસભ્યના બદલે મેવાણીના નજીકના મહેશ મકવાણાને ટિકિટ અપાઇ છે. તેની સામે મોહન વાળાના જૂથ અને કોડિનારના કોંગ્રેસ સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બોટાદથી ટિકિટ કપાતા મનહર પટેલ નારાજ
કોંગ્રેસે બોટાદ બેઠક પર રમેશ મેરને ટિકિટ આપવામાં આવતા પક્ષના નેતા પ્રવક્તા મનહર પટેલ નારાજ થયા છે. તેઓ આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ અને અશોક ગહેલોતનો પણ સંપર્ક કરીને ફેર વિચારણા કરવા જણાવ્યુ છે. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ થયેલા મનહર પટેલે આજે અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે અશોક ગહેલોત સાથે બંધબારણે બેઠક પર યોજી હતી.
અગાઉ વર્ષ 2002 અને વર્ષ 2017માં પણ મનહર પટેલને ટિકિટ મળતા મળતા રહી ગઇ હતી. હવે આ વખતે પણ ટિકિટ ન મળતા તેમના સમર્થકો અને કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.