ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની 93 બેઠકો પર 5 ડિસેમ્બર 2022, સોમવારના રોજ મતદાન યોજાયુ હતુ, જો કે ખેડા જિલ્લાના એક ગામમાં મુસ્લિમ મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. હકીકતમાં, ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા ગામના યુવાનોને જાહેરમાં માર મારવામાં આવતા લઘુમતિ જાતિના લોકોમાં રોષ ફેલાયો હતો. આથી મનોમન આક્રોષની લાગણીવશ આ ગામના લોકોએ વોટિંગ ન કરીને મતદાનના બહિષ્કારનો નિર્ણય લીધો હતો.
યુવકને થાંભલા સાથે બાંધીને માર મારવાનો વીડિયો
તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓક્ટોબરમાં નવરાત્રિ દરમિયાન ઉંધેલા ગામના યુવકની માર મારવાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં માહિતી અનુસાર કેટલાક મુસ્લિમ યુવકોએ કથિત રીતે એક ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો કરાયો હતો. આ ઘટના બાદ પોલીસ દ્વારા કેટલાક મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેરમાં માર મારવા ઉપરાંત કેટલાક મુસ્લિમ યુવકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
તો બીજી બાજુ આ ઘટના અંગે, પોલીસ નાયબ અધિક્ષક વીઆર બાજપાઈએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે FIR નોંધાયા પછી પોલીસે 13 લોકોની અટકાયત કરી હતી. આ સાથે જ ઘટના બાદ ગામમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે 3 ઓક્ટોબરના રોજ મંદિરના પરિસરમાં ગરબા કાર્યક્રમ પર લગભગ 150 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો.

મારપીટ અંગે જે વીડિયો સામે આવ્યો છે તેમાં સાદા કપડામાં કેટલાક પોલીસકર્મીઓ જાહેરમાં થાંભલા સાથે બાંધી યુવકોને માર મારી રહ્યા હતા, જ્યારે ત્યાં એક્ઠી થયેલી લોકોની ભીડ તેમને ઉત્સાહિત કરી રહી હતી. મારપીટની આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. યુવકોની જાહેરમાં માર મારવાની ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો અને તેમણે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ શું ભાજપ નવો રેકોર્ડ બનાવશે? વાંચો ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલઃ
અંતિમ તબક્કામાં કેટલું મતદાન થયું
ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટેની ચૂંટણીના આજે બીજા તબક્કાના મતદાનમાં કુલ 58.08 વોટિંગ થયુ છે, જે વર્ષ 2017ના બીજા તબક્કાના 70.77 ટકાની તુલનાએ 11.97 ટકા ઓછું મતદાન છે. હવે આ ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બર 2022 ગુરુવારના રોજ જાહેર કરવામાં આવશે.