ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે રેકોર્ડ બ્રેક બહુમતી સાથે પોતાની સત્તા યથાવત રાખ્યુ છે. વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે વિધાનસભાની કુલ 182 માંથી 156 બેઠકો જીતી ગુજરાતના રાજકારણમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસને આ વખતની ચૂંટણીમાં માત્ર 17 અને આપ પાર્ટીને માત્ર 5 બેઠકો મળી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનના આંકડાઓના વિશ્લેષ્ણથી જાણવા મળ્યુ છે કે, ભાજપને ગુજરાતમાં તમામ હિંદુ સમુદાયો તેમજ મુસ્લિમ મતદારો તરફથી પણ મતો મળ્યા છે.
તમામ સમુદાયમાં ભાજપ પ્રત્યેનું સમર્થન વધ્યું
વર્ષ 2017ની સરખામણીમાં મુસ્લિમો સમુદાયોને બાદ કરતા તમામ જાતિ અને ધર્મના સમુદાયોમાં ભાજપ પક્ષ પ્રત્યેનું સમર્થન વધ્યું છે. CSDS-લોકનીતિના પોસ્ટ પોલ સર્વે અનુસાર OBC, પાટીદારો અને ઉચ્ચ જાતિના મતદારોએ ભાજપને જબરજસ્ત મત આપ્યા છે. પાટીદારો અને ઉચ્ચ જાતિના મતદારોની સરખામણીમાં પાર્ટીને ઓબીસી સમુદાયનું થોડુંક ઓછું સમર્થન મળ્યું છે.
‘ધ હિંદુ’માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, ભાજપને ઉચ્ચ જાતિના 62%, પાટીદાર જ્ઞાતિના 64 ટકા, કોળી જ્ઞાતિના 59 ટકા, દલિત મતદારો તરફથી 44 ટકા અને આદિવાસી સમુદાય તરફથી 53 ટકા મત મળ્યા છે. ઉપરાંત 14 ટકા મુસ્લિમ મતદારોએ પણ ભાજપને વોટિંગ કર્યું છે. જો કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે મુસ્લિમ સમુદાયના લોકોએ ભાજપને 13% ઓછા મત આપ્યા છે. આપ પાર્ટીને ઉચ્ચ જાતિ અને પાટીદાર વોટ બેન્કમાંથી અનુક્રમે 12 ટકા અને 15 ટકા મત મળ્યા છે જ્યારે કોળી સમાજના 16 ટકા મતદારોએ મત આપ્યા હતા.
ભાજપને આટલા જંગ મત કેવી રીતે મળ્યા?
ભાજપ તેના સોશિયલ એન્જિનિયરિંગ માટે જાણીતું છે. પાછલી ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળના OBC સંગઠનો, હાર્દિક પટેલની આગેવાની હેઠળના પાટીદાર આંદોલન અને જિજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળના દલિત આંદોલન સહિત અનેક જ્ઞાતિ સમર્થિત સામાજિક સંગઠનોએ એ વાતની ખાતરી કરી છે કે જાતિ સુસંગત રહે. આ આંદોલનોએ વર્ષ 2017ની વિધાનસભામાં ભાજપ ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 100થી બેઠકો મળી હતી. પરંતુ આ વખતે ભાજપે ખાતરી કરી કે જે પણ સામાજીક અને જાતિગત આંદોલનો ચાલી રહ્યા છે, તે નેતાઓ પક્ષને ટેકો આપે. મોટા ભાગના કિસ્સાઓમાં આવું બન્યું છે. આંદોલન શરૂ કરનારા વિવિધ સમુદાયોના નેતાઓએ માત્ર ભાજપને જ સમર્થન આપ્યું ન હતું, પરંતુ ભાજપે આપેલી ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી. તેમાંથી ઘણા ઉમેદવારો ચૂંટણી જીત્યા પણ છે. ભાજપની આ રાજકીય રણનીતિથી વિવિધ સામાજીક અને જાતિ-જ્ઞાતિગત આંદોલનના રોષનો ભોગ બનવાથી રક્ષણ મળ્યુ છે અને રેકોર્ડ બ્રેક જીત મેળવવામાં સફળતા મળી છે.