ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની હવે ગમે ત્યારે ઘોષણા થઇ શકે છે. આ વખતનો ચૂંટણી જંગ ભાજપ અને આપ પાર્ટી વચ્ચે હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે અને કોને કઇ બેઠકની ફાળવણી કરવી તે અંગે ચર્ચા-મંત્રણાઓ શરૂ થઇ ગઇ છે. આ અનુસંધાને દેશના ગૃહ મંત્રી અને ભાજપના નેતા અમિત શાહ હાલ ગુજરાતમાં છે અને આજે કમલમ્ ખાતે બેઠક યોજી રહ્યા છે.
આજે કમલમ્ ખાતે યોજાનારી બેઠકમાં અમિત શાહ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત ભાજપના મોટા નેતાઓ હાજર રહેશે અને તેમાં ચૂંટણીની રણનીતિ અંગે મંત્રણા થશે તેવું ચર્ચાઇ રહ્યુ છે.
અમિત શાહે અમદાવાદમાં થલતેજ સ્થિત તેમના નિવાસ સ્થાનેથી ભાજપના કાર્યકરોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
ઉલ્લેખનિય છે કે, મંગળવારે અમિત શાહે ગીર સોમનાથ ખાતે સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પક્ષના સંગઠનના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સૌરાષ્ટ્રના ઘણા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતો. તો તે અગાઉ સોમવારે પાલનપુર, ઉત્તર ગુજરાત અને કચ્છના અગ્રણી નેતાઓ સાથે મંત્રણા કરી હતી.