ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને તમામ રાજકીય પક્ષો વધુમાં વધુ બેઠકો જીતવા પ્રયાસ કરી રહી છે અને તેની માટે પૂરજોશમાં પ્રચાર પ્રચાર પણ ચાલી રહ્યો છે. હાલ રાજકીય પક્ષો સમગ્ર ગુજરાતની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢ સહિતની આઠ મહાનગરપાલિકીની 44 શહેરી બેઠકો પર બાજ નજર રાખી રહ્યા છે.
8 શહેરી વિસ્તારની 44 બેઠકો ભાજપ માટે નિર્ણાયક
ગુજરાતના શહેરી વિધાનસભાની બેઠકો શાસક ભાજપ માટે હંમેશા મુખ્ય ગઢ રહ્યા છે, જે પક્ષને મતદાન બાદ ચૂંટણીમાં નિર્ણાયક જીત હાંસલ કરાવી આપે છે. જો કે આ વખતની ચૂંટણીમાં ભાજપે તેના જૂના હરીફ કોંગ્રેસ ઉપરાંત અન્ય બે રાજકીય પક્ષ – અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP Party) અને અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે, અને તેમણે પણ શહેરી વિસ્તારની કેટલીક બેઠકો પર જીતનો દાવો કર્યો છે.
વર્ષ 1995 બાદથી ગુજરાતમાં ભાજપ પાર્ટીની જીતમાં આ શહેરી બેઠકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વર્ષ 2012માં શહેરી વિસ્તારની 44માંથી 40 બેઠકો પર ભાજપની જીત
વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની કુલ 44 શહેરી બેઠકોમાંથી ભાજપે 40 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જેમાં અમદાવાદની 16 બેઠકોમાંથી ભાજપે 13 બેઠકો પર જીત મેળવી હતી. તો સુરતના શહેરી વિસ્તારોમાં તમામે તમામ 12 બેઠકો અને તેવી જ રીતે વડોદરાના શહેરી વિસ્તારોની તમામ પાંચ બેઠકો જીતી હતી. તેવી જ રીતે ભાવનગર અને ગાંધીનગર શહેરની 2-2 બેઠક, એમ કુલ ચાર બેઠકો તેમજ રાજકોટના શહેરી વિસ્તારોમાં ભાજપે ચારમાંથી ત્રણ બેઠકો પર જીત હાંસલ કરી હતી.

વર્ષ 2017માં અનામત અંદાલોન ભાજપને નડ્યું
જો કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ આઠ મુખ્ય શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ ઢીલી પડી હતી અને 44માંથી 38 બેઠકો જીત હતી, જે 1995 પછી સૌથી ઓછી બેઠક હતી. અલબત્ત ભાજપે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણમાં રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 99 બેઠકો પર જીતી હાંસલ કરી હતી. તે વખતની ચૂંટણી ઘણી રીતે મહત્વપૂર્ણ રહી હતી કારણ કે તે સમયે પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ – હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીના પડકારો વચ્ચે ચૂંટણીઓ યોજાઈ હતી. આ ત્રણેય નેતાઓના ઉદભવને કારણે ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપ પાર્ટીને નુકસાન પહોંચ્યું છે.
વર્ષ 2017માં ભાજપે મુખ્ય આઠ શહેરો વિસ્તારોની 44 બેઠકોમાંથી 38 બેઠકો જીતી હતી. જેમાં અમદાવાદમાં 12 બેઠક, સુરતમાં 12 બેઠક, વડોદરામાં પાંચ બેઠક, રાજકોટમાં ચાર બેઠક, ભાવનગરમાં બે બેઠક અને જામનગરમાં શહેરી વિસ્તારની તમામ બંને બેઠકો પર વિજય મેળવ્યો હતો.
સુરત અને અમદાવાદમાં ભાજપ- આપ વચ્ચે જંગ
આ વખતે ભાજપે કોંગ્રેસ ઉપરાંત આપ પાર્ટી તરફથી હરિફાઇનો સામન કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને સુરત અને અમદાવાદના શહેરી વિસ્તારોમાં ભાજપ અને AAP વચ્ચે જોરદાર જંગ જોવા મળી શકે છે. પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કેટલાક ટોચના નેતાઓ – ગોપાલ ઈટાલીયા, અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીના ઉમેદવાર તરીકે સુરતમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

17 નવેમ્બરના રોજ સુરત પૂર્વના આપ પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ચૂંટણીમાં પોતાનું નામાંકન પાછું ખેંચતા ભારે વિવાદ સર્જાયો છે, આ ઘટના પાછળ આપ પાર્ટીએ ભાજપ પર કથિત રીતે “અપહરણ” કરવાનો અને ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચવા માટે “બળજબરી” કરી હોવાનો આરોપ મૂકાયો છે. જો કે ભાજપે આ દાવાને “પાયાવિહોણા” ગણી નકારી કાઢ્યું હતું.
અમદાવાદમાં AIMIMની એન્ટ્રીએ ભાજપની મુશ્કેલી વધારી
આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટી ઉપરાંત ભાજપે AIMIMનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરની જમાલપુર-ખાડિયા, દરિયાપુર, દાણીલીમડા, બાપુનગર અને વેજલપુર જેવી નોંધપાત્ર મુસ્લિમ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારની કેટલીક બેઠકો પર અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા કર્યા છે. જો કે, 19 નવેમ્બરના રોજ, બાપુનગરથી AIMIMના ઉમેદવાર શાહનવાઝ ખાને પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું અને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. AIMIMએ 13 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
શહેરી બેઠકો ભાજપની કરોડરજ્જુ સમાન
શહેરી ગુજરાતના એક વરિષ્ઠ ભાજપના નેતાએ કહ્યું, “શહેરી બેઠકો અમારી પાર્ટીની કરોડરજ્જુ ગણાય છે. તે માત્ર વિપક્ષો પર નિર્ણાયક બહુમતી જાળવવા માટે જ નહીં, પરંતુ તે હકીકત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે પક્ષની હિંદુત્વની મુખ્ય રાજકીય વિચારધારાની આસપાસ ફરે છે.”

ભાજપના નેતાએ એવું પણ કહ્યું, “અમદાવાદમાં જમાલપુર-ખાડિયા, દરિયાપુર અને દાણીલીમડા જેવી લઘુમતી વર્ચસ્વ ધરાવતી શહેરી બેઠકો સિવાય, અમને શહેરી વિસ્તારોમાં કોઈ મોટો વિરોધ દેખાતો નથી. તેનું એક મોટું કારણ અમદાવાદ, સુરત અને વડોદરા શહેરોએ 1980 અને 1990ના દાયકામાં જોયેલી સાંપ્રદાયિક હિંસા છે. ત્યારબાદ જ ગુજરાતમાં ભાજપ સત્તામાં આવી છે અને લોકોએ ફરક જોયો છે. શહેરી મતદાતા માટે સાંપ્રદાયિક સલામતી એ મુખ્ય વિચારણા છે અને તે જ કારણસર શહેરી વિસ્તારોમાં કોઈપણ પક્ષ ભાજપની નજીક પણ નથી.”
વિપક્ષો શહેરી લોકોની મુખ્ય સમસ્યાઓને મુદ્દો બનાવશે
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, “અમે વર્ષ 2017માં શહેરી વિસ્તારોમાં ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ ઇચ્છિત પરિણામ મળ્યું ન હતું. પરંતુ 2022માં અમને પૂરો વિશ્વાસ છે કે અમારું પ્રદર્શન સુધરશે. તેમણે ઉમેર્યું કે, “શહેરી વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને કરવેરાના ચાર મુખ્ય મુદ્દાઓ હોય છે. અને લોકોને સમજાયું છે કે ભાજપથી વિપરીત અમે વાસ્તવિક મુદ્દાઓની વાત કરીએ છીએ. અમે શહેરી રોજગાર ગેરંટી યોજના લાવવાનું વચન આપ્યું છે. તેથી, અમે આશાવાદી છીએ. ”