/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Surya-Namaskar-Guinness-World-Record.jpg)
2024ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સામૂહિક સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો (તસવીર - પીએમ મોદી એક્સ)
Surya Namaskar Guinness Book of Records : ગુજરાતે વર્ષ 2024ના પ્રથમ દિવસે જ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ગુજરાતમાં એક સાથે 108 સ્થળોએ કુલ 50 હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા 2024ના વર્ષનો ભારતનો પ્રથમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઇ સવજીભાઇ, બીજા ક્રમે ગીર સોમનાથના અનિલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટાઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર, બીજા ક્રમે રાજકોટના વખારીયા દષ્ટી ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યક્ષાના વિજેતાઓને અનુંક્રમે 2.50 લાખ, 1.75 લાખ અને 1 લાખનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Gujarat welcomed 2024 with a remarkable feat - setting a Guinness World Record for the most people performing Surya Namaskar simultaneously at 108 venues! As we all know, the number 108 holds a special significance in our culture. The venues also include the iconic Modhera Sun… pic.twitter.com/xU8ANLT1aP
— Narendra Modi (@narendramodi) January 1, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થયું છે. તેમણે યોગની પ્રાચીન પરંપરાને વિશ્વસમક્ષ ઉજાગર કરીને 21મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી અને યોગ સાધનાથી વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે યોગ-પ્રાણાયામ- સૂર્ય નમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્ય વર્ધક વ્યાયામ અને કસરત પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે પણ જોડનારી આગવી સંસ્કૃતિ છે તેનું ગૌરવ કર્યું હતું.
આ પણ વાંચો - ઓળખો તમારા શહેરને : … અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ અમદાવાદને નવો આકાર આપ્યો
મુખ્યમંત્રીએ સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર સૂર્યમંદિર ખાતેથી પ્રાપ્ત થયો છે તે નવા વર્ષમાં નવી ઉર્જા અને ઉષ્મા સાથે દરેકના જીવનમાં આનંદ અને ઉન્માદ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સીએમે જણાવ્યું હતું કે, આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે બીમારીના ઇલાજ કરતાં બીમારી આવે જ નહીં તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમતપણે અપનાવી છે.
ॐ सूर्याय नमः
વર્ષ 2024 નો પ્રથમ દિવસ યોગ, આધ્યાત્મ, સંસ્કૃતિ અને સ્વાસ્થ્યના અદ્ભુત સંગમ સમો બની રહ્યો. ગુજરાતના ગૌરવ સમા મોઢેરા સૂર્યમંદિરના પરિસરમાં સૂરજનું પહેલું કિરણ મંદિર પર પડતાની સાથે જ સામૂહિક સૂર્યનમસ્કારનો દિવ્ય કાર્યક્રય યોજાયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી… pic.twitter.com/tWQcSjOKmn— Bhupendra Patel (@Bhupendrapbjp) January 1, 2024
મુખ્યમંત્રીએ વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈના સ્વપ્નને સાકાર કરવા યોગ-પ્રાણાયામ-સૂર્ય નમસ્કારને વધુ વ્યાપક બનાવીને અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટે સંકલ્પ લેવા આ તકે સૌને આહવાન કર્યું હતું.
રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં સામૂહિક સૂર્યનમસ્કારની પ્રથમ ઘટના મોઢેરા સહિત રાજ્યના 108 સ્થળોએ નોંધાઇ છે.આ સામુહિક સૂર્ય નમસ્કાર દેશ અને દુનિયાને નવિન દિશા દર્શન આપશે. સમગ્ર રાજ્યમાં છેલ્લા એક માસમાં 15 લાખથી વધુ નાગરિકો સૂર્યનમસ્કાર અભિયાનમાં જોડાયા છે જે સ્પર્ધા થકી આજે રાજ્ય કક્ષાના સન્માન સમારોહથી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છીએ.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 2024ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યના વિવિધ 21 સ્થળોએ વિશ્વ વિક્રમ નોંધાયો છે. સમગ્ર દેશમાં 2024ના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારની ગુજરાતની સિદ્ધીની ઐતિહાસિક નોંધ લેવાઇ છે. ભારતની સંસ્કૃતિ ઓળખ યોગ છે. આજે ગુજરાત યોગમાં રોલ મોડેલ બન્યું છે. તેમણે નવા વર્ષમાં નવા સંકલ્પ સાથે સૂર્યમસ્કારને અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ટેકનોલોજીની વ્યસ્તા વચ્ચે યોગને અપનાવી જીવનને સકારત્મકતા માટે પણ તેમણે ખાસ અપીલ કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us