Gujarat lags Maharashtra, Karnataka, Delhi in FDI : ગુજરાત ઉદ્યોગ-ધંધાની દ્રષ્ટિએ પ્રગતિશીલ રાજ્ય છે પરંતુ વિદેશી સીધા મૂડોરોકાણના (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ / FDI) મામલે અન્ય રાજ્યો કરતા પાછળ છે. સપ્ટેમ્બર 2022માં બહુ ચર્ચિત મહત્વપૂર્ણ 1.54-લાખ કરોડ રૂપિયાનો વેદાંત-ફોક્સકોનનો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ હાંસલ કરવા છતાં ગુજરાત એફડીઆઇના મામલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીથી પાછળ છે, એવું પાછલા નાણાકીય વર્ષમાં સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ઇનફ્લો ધરાવતા રાજ્યોના આંકડાથી ફલિત થાય છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા વિવિધ રાજ્યોમાં નાણાંકીય વર્ષ 2022-23ના એફડીઆઇ ઇનફ્લોના આંકડા જાહેર કર્યા છે.
ગુજરાતમાં 37,059 કરોડનું FDI આવ્યું
DPIITના આંકડા અનુસાર વર્ષ 2022-23 દરમિયાન સૌથી વધુ એફડીઆઈનો મૂડીપ્રવાહ મેળવનાર રાજ્યોમાં ગુજરાત ચોથા ક્રમે છે. વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતમાં રૂ. 37,059 કરોડનું એફડીઆઈ આવ્યુ છે અને પાછલા વર્ષ કરતા સીધા વિદેશી મૂડીરોકાણમાં 83 ટકાનો વધારો દર્શાવે છે. અલબત્ત વર્ષ 2022-23માં સૌથી વધુ એફડીઆઇ મેળવનાર રાજ્યોની યાદીમાં ગુજરાત ચોથા ક્રમે છે. તો વર્ષ 2021-22માં 20,169 કરોડ અને વર્ષ 2020-21માં 1,62,830 કરોડ રૂપિયાનું વિક્રમી સીધું વિદેશી મૂડીરોકાણ આવ્યુ હતુ. આમ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન ગુજરાતમાં 2,39,025 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું છે.
તો ડોલરમાં વાત કરીયે તો ગુજરાતમાં વર્ષ 2020-21માં 2189 કરોડ ડોલર, વર્ષ 2021-22માં 270 કરોડ ડોલર અને વર્ષ 2022-23માં 471 કરોડ ડોલરનું એફડીઆઇ આવ્યું છે. આમ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન ગુજરાતમાં 3190 કરોડ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે.
વર્ષ 2022-23માં ગુજરાતના 33 માંથી માત્ર 15 જિલ્લાઓએ જ FDIને આકર્ષવામાં સફળ થયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગર , વલસાડ અને સુરતમાં વિદેશી રોકાણ આવ્યું છે.
ગુજરાતમાં વર્ષ 2020-21માં વિક્રમી 1.62 કરોડ રૂપિયાનું FDI આવ્યું હતું
ગુજરાતે વર્ષ 2020+21માં વિક્રમી 1.62 કરોડ રૂપિયાનું એફડીઆઇ હાંસલ કરીને સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવનાર રાજ્યોમાં ટોચનું સ્થાન મેળવ્યુ હતુ. જો કે ત્યારબાદના વર્ષ 2021-22માં માત્ર 20169 કરોડ રૂપિયાનું એફડીઆઇ આવતા આ યાદીમાં છઠ્ઠા ક્રમે આવી ગયુ હતુ.
ગુજરાતના ધોલેરામાં વેદાંત-ફોક્સકોનનો સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થપાશે
ગુજરાતમં અમદાવાદ નજીક ધોલેરા SIR ખાતે વેદાંત-ફોક્સકોનનો સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થાપવાનું નક્કી કરાયુ છે, જે ભારતનો પ્રથમ ચીપ પ્લાન્ટ હશે. આ સેમીકન્ડક્ટર પ્લાન્ટ એ વેદાંત-ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે અને તેમાં 1.54 કરોડ રૂપિયાનું રોકાણ થવાની અપેક્ષા છે.
ભારતમાં FDI ઘટ્યું 22 ટકા ઘટ્યું
ભારતમાં વર્ષ 2022-23 દરમિયાન એફડીઆઇમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022-23 દરમિયાન ભારતમાં 4603 કરોડ ડોલરનું એફડીઆઇ આવ્યુ છે જ્યારે તેની અગાઉનાવ વર્ષ 2021-22માં 5877 કરોડ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યુ હતુ. જો ભારતીય ચલણમાં વાત કરીયે તો વર્ષ 2021-22ના 4,37,188 કરોડ રૂપિયાના FDIની તુલનાએ વર્ષ 2022-23માં 3,67,435 કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ આવ્યુ છે, આમ તેમા વાર્ષિક ધોરણે 16 ટકાનો ઘટાડો થયો છે.
ક્યા રાજ્યમાં સૌથી વધુ FDI આવ્યું
DPIITની યાદી અનુસાર સૌથી વધુ એફડીઆઇ હાંસલ કરનાર રાજ્યોમા ટોપ-3 રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી છે. વર્ષ 2022-23 દરમિયાન મહારાષ્ટ્રમાં 1,18,422 કરોડ રૂપિયા, કર્ણાટકમાં 83,628 કરોડ રૂપિયા અને દિલ્હીમાં 60,119 કરોડ રૂપિયાનું એફડીઆઇ આવ્યું છે.





