Gujarat Gaurav Yatra: કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ઝાંઝરકાથી સોમનાથ ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ગુજરાતની ચૂંટણી અંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તામાં આવશે અને બે તૃતીયાંશ બહુમતીથી સરકાર બનાવશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે સંત સવૈયાનાથજી ઝાંઝરકાથી સોમનાથ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતાં કહ્યું કે, સવૈયાનાથની પવિત્ર ભૂમિથી સોમનાથ સુધી ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ કરાયો છે. પાંચ યાત્રાઓ રાજ્યની 182 બેઠક વિસ્તારમાં ફરશે અને સરકારની વિકાસ યાત્રાનો હિસાબ આપશે.
ગુજરાત ગૌરવ યાત્રા અંગે તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતાએ જે વિશ્વાસ મુક્યો અને પહેલા નંબરે લઇ ગયા એના ગૌરવની આ યાત્રા છે. ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો કર્યો છે એ ધન્યવાદ કરવાની આ યાત્રા છે. ભરોસાની સરકાર ફરી એકવાર બનવાની છે એના ભરોસાની આ યાત્રા છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, એવું નથી કે અહીં બીજાઓ રાજ નથી કર્યું. કોંગ્રેસીયાઓના રાજમાં જનતા ત્રસ્ત હતી. કોંગ્રેસીઓએ ન વીજળી આપી, ન પાણી આપ્યું , ન ઉદ્યોગ આપ્યા. આપ્યા તો માત્ર કોમી રમખાણ આપ્યા. એ માનતા હતા કે જ્યાં સુધી જનતાની અંદર ખટરાગ ચાલુ રહે ત્યાં સુધી એમની સત્તા ચાલુ રહે. પરંતુ મોદી સરકાર આવ્યા પછી ગુજરાતમાં કરફ્યૂનું નામોનિશાન નથી.
વધુમાં તેમણે કહ્યું કે, તમે કોઇએ સ્વપ્નમાં પણ વિચાર્યું હતું કે, એ જ જગ્યાએ મંદિર બનશે. હું કોંગ્રેસીયાઓને કહેવા માગું છું કે, તિથિ પણ આવી ગઇ અને ગગનચૂંબી મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે.
વિકાસ યાત્રાને યાદ અપાવનાર
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે આપણા સૌનું સૌભાગ્ય છે કે, ગુજરાત ગૌરવ યાત્રાના પ્રારંભે કેન્દ્રિય ગૃહ મંત્રી આજે આપણી વચ્ચે છે. આ ગૌરવ યાત્રા નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ચાલી રહેલી વિકાસ યાત્રાને યાદ અપાવનારી છે. ગરીબ વંચિત અને જરૂરીયાતને સરકારની મળવાપાત્ર સહાય મળે એ જ સરકારની નેમ છે. જન સેવા એ જ પહેલો ધર્મ છે.
કામ નહીં કારનામા બોલે છે
ઝાંઝરકાથી સોમનાથ ગૌરવ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે ઉપસ્થિત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે, ચૂંટણી શરૂ થઇ ગઇ છે, બ્યૂગલ ફૂંકાઇ ગયા છે. તૈયારી પૂરજોશ છે. કોંગ્રેસ નિષ્પ્રાણ થતી જાય છે પરંતુ આપણા કાર્યકર્તાઓ અતિ ઉત્સાહમાં નથી આવી જવાનું. કોંગ્રેસ પર હલ્લાબોલ કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તામાં નથી એવા લોકો કહે છે કોંગ્રેસનું કામ બોલે છે. પરંતુ મારે અહીં એ કહેવું છે કેમ કામ નહીં પરંતુ એમના કારનામા બોલે છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly elections) ના પડઘમ વાગી ચુક્યા છે. રાજ્યની મુખ્ય પાર્ટી ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) સહિત આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ વિધાનસભા ચૂંટણી જીતવા જોર શોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે. બીજેપી તરફથી ફરી એકવાર ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની મુલાકાતે (JP Nadda Gujarat Visit) છે. તેમણે બહુચર માતાના ધામ બહુચરાજીથી માતાના મઢ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું અને જનસભા સંબોધી હતી. અહીં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
કેન્દ્રિય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ઝાંઝરકાથી સોમનાથ ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાત ગૌરવ યાત્રા અંગે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ ગુજરાતમાં વિકાસના ઐતિહાસિક કામો થયા છે. જેના ભાગરૂપે આ યાત્રા શરૂ કરવામાં આવી છે.