Gir Lion Harassment Video : ગીર જંગલમાં સિંહની હેરાનગતિ અને પજવણી તેમજ લાયન શો જેવા વીડિયોની ઘણી બધી ઘટનાઓ સામે આવતા ગીર ફોરેસ્ટ વિભાગ એક્શનમાં આવ્યું છે. ગીર વન વિભાગે સિંહની હેરાનગતિના વીડિયો બનાવનાર અને તેમાં મદદ કરનાર વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
સિંહ પજવણીના વીડિયોને લઇ ગીર વન વિભાગ એક્શન મોડમાં
અમરેલી જિલ્લામાં વધતા જતા સિંહ દર્શન અને સિંહ પજવણીના બનાવને લઈ ધારી ગીર પૂર્વ ફોરેસ્ટ એક્સન મોડમાં આવી છે. અમરેલી ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં વનવિભાગની ટીમ એક્ટિવ મોડમાં રહી તમામ ગતિવિધિ વાહનો ઉપર નજર રાખી રહી છે. સમગ્ર ગીર વિસ્તારમાં સિંહ પજવણી, સિંહ દર્શન જેવી ઘટનાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ફોરેસ્ટ ઓફિસરો ગીર જંગલની તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રાખી રહ્યા છે. ગીર જંગલ આસપાસના વિસ્તારના વન્યપ્રાણીઓ ઉપર વીડિયો બનાવનાર અમુક ચોક્કસ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બહારના લોકોને સિંહ દર્શન કરાવતા યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત તેમની પૂછપરછમાં અન્ય કેટલાક લોકોના પણ નામ ખુલ્યા છે. અન્ય વાહનો પણ હોવાની માહિતીઓ મળી છે ત્યારે વનવિભાગની ટીમ દ્વારા મૂળ સૂત્રોધાર સુધી પોચવા અને અન્ય સિંહ દર્શન કરનારા લોકો સુધી પહોંચવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
ગીર ફોરેસ્ટ વિભાગની સોશિયલ મીડિયા પર અપીલ
ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ ૩૯ની જોગવાઈ મુજબ ગંભીર ગુન્હો બને છે. જે માટે ગુનેગારને ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. સિંહ દર્શન માટે સિંહની હેરાનગતિ, સિંહોને દોડાવવા, સિંહ પાછળ વાહન દોડાવવા ,ખોરાકની લાલચ આપી ચોકકચ જગ્યા ઉપર સિંહોને રોકી રાખવા, પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા માટેના પ્રયત્નો કરાવવા, મારણ ઉપર સિંહ હોય ત્યારે વીડિયો ઉતાવરવા જવી વિવિધ ઘટનાઓને લઈ લાયન શો જેવા ગુનાહિત કૃત્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી ન બનવા અપીલ કરવામા આવી. જ્યારે કોઈ સિંહ દર્શન કરતું હોય સિંહ પજવણીની ઘટનાઓ સામે આવે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.





