Gujarat : ગુજરાતની કથળતી આર્થિક સ્થિતિ, 1 વર્ષમાં રાજકોષીય ખાધ 39 ટકા વધી 23493 કરોડ થઇ – CAG રિપોર્ટમાં ખુલાસો

Gujarat CAR Reports : ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા CAG રિપોર્ટ મુજબ વર્ષ 2023-24માં બાકી વેરાની વસૂલાત 72000 કરોડે પહોંચી છે. સરકારી કંપનીઓ અને નિગમોમાં કરેલા 6253 કરોડ રૂપિયાનું રોકાણ ખોટોનો સોદો સાબિત થયો છે.

Written by Ajay Saroya
September 11, 2025 11:16 IST
Gujarat : ગુજરાતની કથળતી આર્થિક સ્થિતિ, 1 વર્ષમાં રાજકોષીય ખાધ 39 ટકા વધી 23493 કરોડ થઇ – CAG રિપોર્ટમાં ખુલાસો
Gujarat Vidhan Sabha : ગુજરાત વિધાનસભા

Gujarat CAR Reports : ગુજરાત સરકારની આર્થિક સ્થિતિ વિશે કેગના રિપોર્ટના ચોંકાવનારી બાબતો સામે આવી છે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન વિરોધ પક્ષે CAG રિપોર્ટ દ્વારા શાસક સરકાર પર પ્રહાર કર્યા હતા. કેગના રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર બાકી વેરા વસૂલાતની રકમ 72000 કરોડે પહોંચી છે. દર વર્ષે બાકી વેરા વસૂલાતની રકમમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ઘણી સરકારી યોજનાઓની કામગીરી વર્ષો બાદ પણ અધુરી રહી છે. રાજ્ય સરકાર દેવાના ડુંગર તળે દબાતી જાય છે. ગુજરાત સરકારે વર્ષ 2023-24માં 27176 કરોડ રૂપિયા વ્યાજ પેટે ચૂકવ્યા હતા.

ગુજરાતની રાજકોષીય ખાધ વધી

ગુજરાતની રાજકોષીય ખાધ સતત વધી રહી છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા CAG રિપોર્ટ મુજબ વર્ષ 2022-23માં રાજકોષીય ખાધ 16,846 કરોડ રૂપિયા હતી, જે 2023-24માં વધીને રૂ. 23493 કરોડે પહોંચી છે. આમ એક જ વર્ષમાં ગુજરાતની રાજકોષીય ખાધમાં અધધધ 39 ટકાનો વધારો થયો છે.

નોંધનિય છે કે, રાજ્યમાં 2019-20માં મહેસુલી પુરાંત 1945 કરોડ હતી જે 2023-24માં 33477 કરોડ રૂપિયા થઈ હતી. ગુજરાત સરકારની મહેસૂલી આવક 11.71 ટકાના વધારા સાથે રૂ 2,22,763 કરોડ થઈ છે. તેની સામે કુલ ખર્ચ રૂ 2,47,632 કરોડ થયો છે. આમ આવક કરતાં ખર્ચ નોંધપાત્ર વધારે છે.

ગુજરાત સરકારની કુલ બાકી વસૂલાત 72000 કરોડ પાર

ગુજરાત સરકાર કર વસૂલાત કરવામાં ઉદાસીન છે. ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના વર્ષ 2023-24ના રિપોર્ટ મુજબ 31 માર્ચ 2024ના પુરા થયેલા વર્ષમાં ગુજરાત સરકારની કુલ બાકી વસૂલાત 72029.78 કરોડ થઇ છે. જેમા જીએસટી, વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અને વેચાણવેરા પેટે સૌથી વધુ 40288.49 કરોડની વસૂલાત કરવાની બાકી છે, જેમા ઘણા કેસ પાંચ વર્ષ કે તેનાથી પણ વધુ જુના છે. કોર્ટ કેસ, નાદારી, સરકારી રોક સહિત વિવિધ કારણોસર બાકી વેરાની વસૂલાત કરી શકાય છે. જો કે આ બાકી વસૂલાતની રકમમાં વીજ શુલ્કની વિગત સામેલ નથી.

ગુજરાત સરકાર 27176 કરોડ વ્યાજ ચૂકવ્યું

ગુજરાત સરકારે વિવિધ સ્ત્રોત મારફતે જંગી પ્રમાણમાં ઉધાર નાણાં લીધા છે. આ લોન પેટે રાજ્ય સરકારે વર્ષ 2023-24માં 27176 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. સરકારે વર્ષ 2023-24માં વેતન અને પેન્શન પેટે 96582 કરોડનો ખર્ચ કર્યો છે, તો બીજી બાજુ સરકારની મૂડી આવકમાં 10819 કરોડનો ઘટાડો નોંધાયો છે, જે ચિંતાજનક બાબત છે. નોડલ એજન્સીઓ પાસે 7743 કરોડ રૂપિયા વણવપરાયેલા પડ્યા છે.

કર ચોરીના 2.11 લાખ કેસ

CAG રિપોર્ટ મુજબ સ્ટેમ્પ ડ્યુટી, વાહન પરનો ટેક્સ તેમજ જીએસટી અને વેટ હેઠળ કુલ 2.11 લાખ કેસ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમા 97 હજાર કેસોમાં 1165.01 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ કરવામાં આવી છે. તો 1.33 લાખ ટેક્સ કેસને હજી સુધી પેન્ડિંગ છે.

ગુજરાત સરકારનું 6253 કરોડનું રોકાણ બિનનફાકારક

CAGના રિપોર્ટ મુજબ ગુજરાત સરકારે ખોટ કરતી સરકારી કંપનીઓ અને નિગમોમાં 6253 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે બિનનફાકારક છે અને કોઇ નફો મળ્યો નથી. વર્ષ 2019 થી 2024 દરમિયાન ગુજરાત સરકારના મૂડીરોકાણમાં રૂ. 34,835 કરોડ જેટલો વધારો થયો હતો, જો કે રોકાણ માંથી વળતર અત્યંત નહીવત્ત છે.

સરકારી અધિકારીની બેદરકારીથી સરકારને જંગી નુકસાન

સરકારી અધિકારી અને કર્મચારીઓની બેદરકારીના લીધે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કેગના રિપોર્ટ મુજબ 20 જેટલા સરકારી વિભાગોમાં 55 લાખની ચોરી, આગ અકસ્માતમાં રૂ. 1.95 કરોડનું નુકસાન, સરકારી માલિકીના માલસામાનને 174.36 કરોડનું નુકસાન સહિત કુલ 183 ઘટનાઓમાં 176.86 કરોડ રૂપિયાના સરકારી નાણાંની બરબાદી કરવામાં આવી છે.

204 વિકાસ યોજનાઓ અધુરી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઘણી વિકાસ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જો કે વિવિધ કારણોસર 204 સરકારી વિકાસ યોજનાઓ સમયસર પૂર્ણ થઇ શકી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ