/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/helmet.jpg)
Gujarat : રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે (ફાઇલ ફોટો)
Gujarat : રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે.
રાજ્ય સરકારે પરિપત્રમાં શું કહ્યું
આ અંગેના રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં વધતાં જતાં માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઈજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજિયાતપણે ઉપયોગ કરે આવશ્યક છે.
આ પણ વાંચો - અમદાવાદમાં બપોર પછી વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ
મોટર વાહન અધિનિયમ 1988 મુજબ નિયમ-129 હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
- સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજીયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.
- આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
- ઉક્ત વ્યવસ્થા માટે, જરુર જણાય તો, પોલીસ ખાતા/સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us