Old Pension Scheme : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના લાખો કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય લેવાયો છે. 1/4/2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી.
60,245 કર્મચારીઓને થશે લાભ
મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ગુજરાતમાં સ્ટાફ નર્સની ભરતી કરાશે, આ તારીખથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ, ટ્રાવેલ ભથ્થાં અને દૈનિક ભથ્થાના દરોમાં સુધારો કરવાની રજૂઆતો પણ રાજ્ય સરકારે સ્વીકારી છે. ચાર્જ એલાઉન્સ હાલના 5% કે 10%ની જગ્યાએ સાતમા પગાર પંચ મુજબ અપાશે. તેમજ, વયનિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવશે.
રાજ્યની તિજોરી પર 200 કરોડ રૂપિયાનો બોજો પડશે
આ નિર્ણયો સિવાયની અન્ય લાભદાયક સુધારા રાજ્યના વહીવટના ભાગ રૂપે કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે, આ ફેરફારોને કારણે રાજ્યની તિજોરી પર વાર્ષિક 200 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. રાજ્યના કર્મચારીઓના ભથ્થાં અને પેન્શન સુધારાઓને લઈને આ નિર્ણય રાજ્ય સરકારે આવનારા દિવસોમાં પણ વધુ યોગ્ય પગલાં લેવાના સંકેત આપ્યા છે.





