(અવિનાશ નાયર) ગુજરાતના જુનાગઢ જિલ્લામાંથી જુહી ચાવલા, જયા બચ્ચન, મહિમા ચૌધરી જેવી હિરોઇનના નામે વેક્સીન સર્ટિફિકેટ ઇશ્યૂ થયા છે. આવી ગંભીર બેરદકારી સામે ગુજરાત સરકારે કડક વલણ અપનાવી બોલીવુડ હિરોઇનના નામે કથિત રીતે બોગસ કોવિડ વેક્સીન સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાના મામલે તપાસના આદેશ આપ્યા છે.
સોમવારે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકારે જણાવ્યું હતું કે, પ્રાથમિક મૂલ્યાંકન કર્યા બાદ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાસભાના પ્રશ્નકાળ દરમિયાન બોગસ વેક્સીન સર્ટિફિકેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યમાં આપવામાં આવતા કોવેક્સિનના બૂસ્ટર ડોઝ અંગે પ્રશ્ન પૂછતી વખતે ખેડાવાલાએ ગૃહને જણાવ્યું કે, “જૂનાગઢમાં જયા બચ્ચન, મહિમા ચૌધરી અને જુહી ચાવલા જેવી સેલિબ્રિટીઓને વેક્સીન સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિઓ ગુજરાતમાં રહેતા નથી. શું સરકાર આ મામલે કોઈ પગલાં લેવાની યોજના ધરાવે છે?
રાજ્ય સરકારે ધ્યાન દોર્યું હતું કે તેણે “પ્રોટેક્શન ડોઝ” ધરાવતા લોકોને રસી આપવા માટે સ્પેશિયલ કેમ્પનું આયોજન કર્યું હતું જ્યાં ઓળખ કાર્ડ વગર પણ લોકોને રસી આપવામાં આવી હતી. આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં જવાબમાં રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું કે, સરકાર છેલ્લા એક વર્ષથી કોવિડ -19 સામે સાવચેતીના ભાગરૂપે “પ્રોટેક્શન ડોઝ” આપી રહી છે અને હાલ ગુજરાતમાં કોરોના સંક્રમણના માત્ર 68 એક્ટિવ કેસ છે.
તો વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઇમરાન ખેડાવાલાએ પૂછેલો પ્રશ્ન ફરી પુછ્યો ત્યારે આરોગ્ય મંત્રીએ કહ્યું કે, “નિરિક્ષકની ટીમ દ્વારા પ્રાથમિક ચકાસણી હાથ ધરવામાં આવી છે અને તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આવી કેવી રીતે થયું?”
ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા પૂછવામાં આવેલા પૂરક પ્રશ્નોના જવાબમાં આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે “26 ફેબ્રુઆરી, 2023 સુધીમાં ગુજરાતને કોવિશિલ્ડ વેક્સીનના 9.45 કરોડ ડોઝ, કોવેક્સિનના 1.86 કરોડ ડોઝ અને કોવોવેક્સના 43 લાખ ડોઝ મળ્યા હતા.