Love Marriage : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લવ મેરેજ અંગે મોટું નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જો બંધારણીય રીતે શક્ય હોય તો તેમની સરકાર લવ મેરેજમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવતી સિસ્ટમની શક્યતાનો અભ્યાસ કરશે. મુખ્યમંત્રીનું આ નિવેદન પાટીદાર સમાજના એક વર્ગ દ્વારા લવ મેરેજમાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત કરવાની માંગ બાદ આવ્યું છે.
પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા સરદાર પટેલ ગ્રુપે રવિવારે મહેસાણામાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેને સંબોધિત કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે મને કહ્યું હતું કે લગ્ન માટે છોકરીઓનું ઘરેથી ભાગી જવાની ઘટનાઓનું અધ્યયન કરવું જોઈએ. સાથે જ એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ જેમાં લવ મેરેજમાં માતા-પિતાની સંમતિ જરૂરી હોય.
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે રૂષિકેશ પટેલે મને કહ્યું હતું કે હું છોકરીઓના ઘર છોડી દેવાની ઘટના પર નવેસરથી અધ્યયન કરું , જેથી એ જોઇ શકાય કે શું લવ મેરેજમાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત બનાવવાની શક્યતા છે. તેમણે કહ્યું કે જો બંધારણીય રીતે તે શક્ય છે, તો અમે આ સંદર્ભમાં અભ્યાસ કરીશું અને વધુ સારા પરિણામો લાવવાનો પ્રયાસ કરીશું.
આ પણ વાંચો – ગુજરાત એસટી બસના ભાડા 25 ટકા વધ્યા, જીએસઆરટીસી એ 10 વર્ષ બાદ બસ ભાડામાં વધારો ઝીંક્યો
મુખ્યમંત્રી પટેલના આ નિવેદનને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે જો સરકાર આ પ્રકારનો કાયદો લાવશે તો તે તેનું સમર્થન કરશે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે જો સરકાર વિધાનસભા સત્રમાં આવો કાયદો લાવશે તો હું સરકારને સમર્થન આપીશ.
ભાજપ સરકારે વર્ષ 2021માં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમમાં સુધારો કર્યો હતો. જેમાં લગ્ન દ્વારા બળજબરીથી અને છેતરપિંડીથી ધર્માંતરણને સજાપાત્ર ગુનો બનાવ્યો હતો. જેમાં 10 વર્ષની જેલની સજાની જોગવાઈ હતી. જોકે હાઇકોર્ટે આ કાયદાની વિવાદિત કલમ પર રોક લગાવી દીધી હતી. આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.