Gujarat Gram Panchayat Election 2025: ગુજરાતમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. આજે ગ્રામ પંચાયતો માટે સવારે 7 વાગે મતદાન શરૂ થઇ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ ચાલશે. રાજ્યમાં લગભગ 81 લાખ મતદારો પોતાના મતદાન હકનો ઉપયોગ કરશે. આ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ 25 જૂન જાહેર થશે.
રાજ્યમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું મતદાન યોજાયું હતું.વરસાદના વિઘ્ન સાથે બે-ત્રણ ઘટના સિવાય સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયું છે.
મહિસાગરમાં મતદાન કરવા જતા અકસ્માત, બે લોકોના મોત
ગુજરાતના મહિસાગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા જતા મતદારોનેને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત અને 13 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. પ્રાપ્ત માહિતી મુજબ મતદારો પેસેન્જર વ્હિકલ તોફાનમાં બેસી ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન કરવા જઇ રહ્યા હતા. તે દરમિયાન સંતરામપુર બાયમાસ નજીક તુફાન અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ એક્સિડેન્ટમાં જીવ ગુમાવનાર દાહોદના રહેવાસી હોવાનું મનાય છે.
751 ગ્રામ પંચાયચ બેઠકો બિનહરીફ
ગુજરાતમાં 22 જૂને 8088 ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન યોજાયું છે. જો કે 751 ગ્રામ પંચાયત પહેલાથી જ બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જેમા કચ્છની 30, બનાસકાંઠાની 58, પાટણની 70, મહેસાણાની 90, સાબરકાંઠાની 21, ગાંધીનગરની 19, અમદાવાદની 16, સુરેન્દ્રનગરની 13, રાજકોટની 13, જામનગરની 60, પોરબંદરની 1, જુનાગઢની 11, અમરેલીની 27, ભાવનગરની 102, આણંદની 7, ખેડાની 4, પંચમહાલની 17, દાહોદની 18, વડોદરાની 32, નર્મદા 2, ભરૂચ 18, ડાંગર 16, નવસારી 10, વલસાડ 11, સુરત 13, તાપી 3, દેવભૂમિ દ્વારકા 15, મોરબી 20, ગીર સોમનાથ 3, બોટાદ 8, અરવલ્લી 16, મહિસાગર 3, છોટાઉદેપુરની 3 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર કરવામાં આવી છે.
2021ની ગ્રામ પંયાયત ચૂંટણીમાં 78.30 ટકા મતદાન થયું
તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ચૂંટણી માટે અંતિમ મતદાન 78.30 ટકા હતું, જેમાં 1.81 કરોડ લાયક મતદારોમાંથી 1.42 કરોડથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 47,000 થી વધુ પંચાયત વોર્ડમાં સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો અને સભ્યો પદ માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં હતા.





