Pakistanis Gets Indian Citizenship In Ahmedabad Gujarat : દેશમાં સીએએ લાગુ થવાની સાથે જ તેનો ગુજરાતમાં અમલ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં અમદાવાદમાં વસતા પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની થોડી મિનિટો પહેલાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતર કરીને અમદાવાદમાં સ્થાયી થયેલા 18 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા આપી હતી.
હર્ષ સંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું કે, આજનો દિવસ તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ દિવસ છે. આજથી તમે આ મહાન દેશ ભારતના નાગરિકો છો. નાગરિકો તરીકે, તમને સરકારી યોજનાઓના તમામ અધિકારો અને લાભો મળશે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં રહેતા 1,167 શરણાર્થી હિંદુઓને અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નાગરિકતા આપવામાં આવી છે.
2016 અને 2018ના ગેઝેટે અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના જિલ્લા કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓના લઘુમતી સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાનો અધિકાર આપ્યો છે. બાદમાં આણંદ અને મહેસાણા જિલ્લાના કલેક્ટરને પણ આ યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.
નોંધનિય છે કે, દેશમાં નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) લાગુ કરવામાં આવ્યો છે. સીએએ લાગુ કરવાથી ભારતના પડોશી દેશોના બિન મુસ્લિમ લોકોને ભારતમાં વસવાટ કરવાની અને ભારતીય નાગરિકતા મેળવવાની સુવિધા મળશે. માહિતી મુજબ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુ, શીખ,બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય નાગરિકતા મળશે. ઉપરોક્ત દેશોના ધાર્મિક અલ્પસંખ્યકોને ભારતીય નાગરિકતાનો લાભ મળશે,જે ડિસેમ્બર 2014ની પહેલા ધાર્મિક ઉત્પીડન કે ઉત્પીડનને કારણે પડોશી મુસ્લિમ બહુમતીવાળા દેશે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભાગ ભારત આવ્યા છે.
આ પણ વાંચો | CAA શું છે? દેશમાં નવા નાગરિકતા કાયદા સામે કેમ વિરોધ થઇ રહ્યો છે? અહીં વાંચો તમામ પ્રશ્નોના જવાબ
અલબત્ત, સીએએ માં પડોશી દેશોના મુસ્લિમ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સીએએ 2019 સંશોધન હેઠળ 31 ડિસેમ્બર 2024 સુધી ભારતમાં પ્રવેશ કરનાર અને પોતાના મૂળ દેશમાં ધાર્મિક ઉત્પીડન કે ઉત્પીડનનો સામનો કરનાર બિન મુસ્લિમ પ્રવાસીઓ નવા કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા પાત્ર બનશે.