કોવિડ 19 : રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ, ડરવાની જરૂર નથી પણ કાળજી રાખવી જરૂરી : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

Covid Variant BF.7: 27મી ડિસેમ્બરે હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે, ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે

Covid Variant BF.7: 27મી ડિસેમ્બરે હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે, ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી (તસવીર - સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને તે માટે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. આ બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સ્થિતિનો તાગ મેળવવાની સાથે આરોગ્ય મંત્રીઓના સુઝાવ પણ સાંભળ્યા હતા.

Advertisment

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે ત્યારે કોઇએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ 33 ટકા નાગરિકોએ જ કોરોના પ્રિકોશનના ડોઝ લીધા છે તે વધારીને 100 ટકા વેક્સિનેશન થાય તે માટે મહાનગરો સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે.

તેમણે કહ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે કોરોનાના તમામ વેવમાંથી હેમખેમ પસાર થવામાં સફળતા મેળવીને દેશને કોરોનાના પ્રકોપથી બચાવ્યો છે. દેશમાં તૈયાર થયેલી કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીના બંને ડોઝ લેવાથી ભારતીયોમાં રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. આગામી 27મી ડિસેમ્બરના રોજ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે. જેમાં હોસ્પિટલની ક્ષમતા ચકાસવી, ઓકસિજન સુવિધા અને બેડની એવેલીબીલીટી તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ ચકાસવામાં આવશે. મોકડ્રીલ બાદની સંકલિત માહિતી COWIN INDIA PORTAL ઉપર મુકવામાં આવશે.

આ પણ વાંચો - આયુષ્યમાન ભારત કાર્ડ પર વીમા કવચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

Advertisment

અમદાવાદ- સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે

આરોગ્ય મંત્રીએ કહ્યુ હતું કે ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના દિશાનિર્દેશન મુજબ એરપોર્ટ ઉપર 2% રેન્ડમ ચેક કરવામાં આવશે તેમજ સ્વૈચ્છિક RTPCR માટેની વ્યવસ્થા પણ યાત્રિકોનો સમય ન બગડે તે રીતે કરવામાં આવશે. તજજ્ઞોના મતે BF 7ના સંક્રમણના દર મુજબ 1 વ્યકિત 16 વ્યકિતને સંક્રમિત કરી શકે તેવી સંભાવના છે. પરંતુ તે માટેનો મૃત્યુદર દરેક દેશ અને ખંડ મુજબ અલગ અલગ છે. અત્યાર સુધીમાં આ વેરિયન્ટના ભારતમાં કુલ 4 કેસ નોંધાયા છે. જેમાંથી ગુજરાતમાં જુલાઇ, સપ્ટેબર અને નવેમ્બર–2022માં કુલ ત્રણ કેસ નોધાયા હતા. જેમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. આ તમામ કેસ હોસ્પિયલમાં દાખલ થયા વિના હોમ આઇસોલેશનમાં જ રીકવર થયા છે.

હાલ દૈનિક 10 હજાર ટેસ્ટીંગ થાય છે જરૂર પડે તો ક્ષમતા વધારાશે

હાલ રાજયમાં કોરોનાના અંદાજે દૈનિક પાંચ જ કેસ નોંધાય છે. ગુજરાતમાં હાલ દૈનિક 10 હજાર ટેસ્ટીંગ થાય છે જરૂર પડે તો ક્ષમતા વધારાશે. આરોગ્ય મંત્રીએ ગુજરાતની જનતાને અપીલ કરતાં કહ્યું હતું કે જેને કોરોના વેક્સિનના બે ડોઝ અને પ્રિકોશન ડોઝ લીધો છે તેને કોરોનાના આ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી પણ કાળજી લેવી જરૂરી છે. રાજ્યમાં વખતોવખત કોરોના અંગે જરૂરી તમામ ગાઇડલાઇન જાહેર કરાશે. એટલું જ નહીં કેન્દ્ર સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનું પણ યોગ્ય રીતે અનુસરણ કરાશે. કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જનતાને અનુરોધ કર્યો હતો.

કોવિડ ગુજરાત