Gujarat high court suicide attempt :ગુજરાત હાઇકોર્ટમાં ગુરુવારે કેસની સુનાવણી દરમિયાન 4 ફરિયાદીઓએ જજ સામે જ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની ગંભીર ઘટના બની હતી. ગુજરાત હાઇકોર્ટમાં એક લોન ફ્રોડ કેસમાં આરોપીઓને જામીન મળતા કોર્ટરૂમમાં જ ફરિયાદ કરનાર 4 વ્યક્તિઓએ ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોર્ટરૂપમાં હાજર રહેલા પોલીસ કર્મીઓ અને અદાલતના સ્ટાફે સમય સચૂકતા વાપરી ફિનાઇલ પીનાર ચારેય વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હાલ આ ચારેય વ્યક્તિઓની તબિયત સ્થિર છે.
ભરી કોર્ટમાં ફિનાઈલ ગટગટાવનાર 4 ફરિયાદીઓના નામ
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી વખતે જ ફિનાઇલ પી આત્મહત્યા કરનાર 4 ફરિયાદીઓના નામ આ મુજબ છે
- શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ – 52 વય, નિકોલ
- જયશ્રીબેન પંચાલ (પત્ની) – 50 વય, નિકોલ
- મનોજભાઈ વૈષ્ણવ – 41 વર્ષ, ચાંદખેડા
- હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ – 24 વર્ષ, ઘાટલોડિયા
1 કરોડની લોન કૌભાંડનો કેસ
આ કેસ 1 કરોડ રૂપિયાની લોન કૌભાંડ સંબંધિત છે. સમગ્ર કેસની વાત કરીયે તો ફિનાઇલ પીનાર નિકોલના રહેવાસી શૈલેષ પંચાલ અને તેમના પત્ની જયશ્રીબેન પંચાલે કલર મર્ચન્ટ્સ બેંકની ખાડિયામાં આવેલી બેંક બ્રાન્ચ લોન માટે અરજી કરી અને તેમની 1 કરોડ રૂપિયાની લોન મંજૂર થઇ અને તેના નાણાં જયશ્રી બેન પંચાલના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા. જો કે આ નાણાં તેમની સહી કે સહમત વગર જ તેમના એકાઉન્ટમાંથી ઉપાડી લેવામાં આવ્યા. તેમણે બેંક મેનેજર અને લોન એજન્ટ પર લોન કૌભાંડ કરવાનો આરોપ મૂક્યો હતો. આ લોન કૌભાંડના કેસની ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન અદાલતે કૌભાંડ અને છેતરપિંડી કરવાના ત્રણ આરોપીઓએ આગોતરા જામીન માન્ય રાખી હતી. આ કેસની સુનાવણી ન્યાયધીશ નિર્ઝર દેસાઈ કરી રહ્યા છે.
ફિનાઈલ પીનાર ચારેય હોસ્પિટલમાં દાખલ
અદાલતે આરોપીઓને આગોતરા જામીન અરજી માન્ય રાખતા ચારેય ફરિયાદીઓએ ભરી કોર્ટમાં ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચારેય વ્યક્તિઓને સોલા સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે ફિનાઇલ પીનાર પંચાલ દંપતિનો પુત્ર અભિષેક પણ કોર્ટરૂમમાં હાજર હતો પરંતુ તેણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તે તેના માતા-પિતાની આ યોજનાથી અજાણ હતો.
આ ઘટના બાદ આ કેસની સુનાવણી કરનાર ન્યાયમૂર્તિ દેસાઈએ બપોરના લંચ બ્રેક પછીના નિર્ધારત કેસની સુનાવણી તે માટે મુલતવી રાખી હતી. આ વિશે પૂછવામાં આવ્યુ ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસને જાણવ્યું કે, તેઓ ન્યાયિક કામકાજમાં વ્યસ્ત છે અને કોઇ જાણકારી આપી શકશે નહીં.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો





