scorecardresearch

પીએમ મોદીની ડિગ્રી જાહેર કરવાના CICના આદેશને પડકારવાનો મામલો, ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

PM Modi degree Issue : સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (CIC) દ્વારા પીએમ મોદીની ડીગ્રી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ને જાહેર કરવાના મામલે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં થયેલી અરજી પર આજે વકીલોની દલીલો થઈ, કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો.

પીએમ મોદીની ડિગ્રી જાહેર કરવાના CICના આદેશને પડકારવાનો મામલો, ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
પીએમ મોદીની ડીગ્રી જાહેર કરવાનો મામલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત મામલામાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હાઇકોર્ટે ગુજરાત યુનિવર્સિટીની અરજી પર સુનાવણી કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાર્વજનિક કરવાની માંગ કરી હતી.

ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ જસ્ટિસ બીરેન વૈષ્ણવની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી. સોલિસિટર જનરલે કહ્યું કે, વડાપ્રધાનની ડિગ્રી સોશિયલ મીડિયા વગેરે પર સાર્વજનિક છે અને તેમાં છુપાવવા જેવું કંઈ નથી, પરંતુ માહિતી સાર્વજનિક કરવા માટે અમને કોઈ દબાણ કરી શકે નહીં.

ચર્ચામાં SG તુષાર મહેતાએ શું દલીલ આપી?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે કોઈની બાલિશ અને બેજવાબદાર જિજ્ઞાસાને સંતોષવા માટે આવી માહિતી જાહેર કરી શકીએ નહીં. એ પણ નોંધવું જોઈએ કે, માંગવામાં આવેલી માહિતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન સાથે કોઈ લેવાદેવા નથી. કોઈપણ લોકશાહીમાં, આ પદ પર બેઠેલી વ્યક્તિ ડોક્ટરેટ છે કે અભણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જનતાને પણ આ બાબતમાં કોઈ રસ નથી અને તેની ગોપનીયતાને પણ અસર થઈ રહી છે. એસજી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓને પણ ટાંક્યા હતા.

કાલે કોઈ રાષ્ટ્રપતિનું બેંક બેલેન્સ પૂછવા માંડે તો?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ઉદાહરણ તરીકે, ધારો કે કાલે કોઈ વ્યક્તિ આરટીઆઈ હેઠળ રાષ્ટ્રપતિનું બેંક બેલેન્સ અથવા તેમની ઊંચાઈ જેવી વિગતો માંગવાનું શરૂ કરે? શું તે તાર્કિક છે? શું આમાં કોઈ જાહેર હિત સામેલ છે? આપણા બંધારણમાં ચૂંટણી લડવા માટે કોઈ ચોક્કસ શૈક્ષણિક લાયકાતનો ઉલ્લેખ નથી.

કેજરીવાલના વકીલે શું આપ્યો જવાબ?

બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પર્સી કવિનાએ કહ્યું કે, આમાં કોઈ બાલિશ કે બેજવાબદારીભરી જિજ્ઞાસા નથી, જેમ કહેવામાં આવી રહ્યું છે. મને સમજાતું નથી કે, ગુજરાત યુનિવર્સિટીએ શા માટે આ પડકાર ફેંક્યો છે, જ્યારે તે તેમના કોઈપણ અધિકારોને અસર કરી રહી નથી. એડવોકેટ કવિનાએ કહ્યું કે, મારા મિત્ર એસજી તુષાર મહેતાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની ડિગ્રી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે… તે યોગ્ય નથી. રાજીવ શુક્લા સાથે પીએમનો ઈન્ટરવ્યુ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે… તેમની પાસે કોઈ ડિગ્રી નથી, તેથી જ અમે તેની નકલ માંગી હતી.

તમારી પાસે ડિગ્રી હોય તો બતાવો, આ શ્રેષ્ઠ પુરાવો છે

એડવોકેટ પર્સી કવિનાએ કહ્યું કે, જો તમે વડાપ્રધાનનું નોમિનેશન ફોર્મ જોશો તો તેમાં તેમની શૈક્ષણિક લાયકાતનો ઉલ્લેખ છે. તેથી જ અમે ડિગ્રી માંગીએ છીએ, માર્કશીટ નહી. આ અંગે એસજી મહેતાએ કહ્યું કે, આખો દેશ આ મામલે કોર્ટનો નિર્ણય જાણવા માંગશે. કવિનાએ કહ્યું, તેથી શ્રેષ્ઠ માર્ગ એ બતાવવાનો છે કે, ડિગ્રી ઇન્ટરનેટ પર અસ્તિત્વમાં છે… તે શ્રેષ્ઠ પૂરાવો હશે, તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, હા બિલકુલ અસ્તિત્વમાં છે, પરંતુ અમે આ રીતે કોઈ રાજ્યની હાઈકોર્ટની મજાક ઉડાવવા માંગતા નથી.

Web Title: Gujarat high court reserves judgment on gujarat university challenging cic order declaring pm modi degree

Best of Express