(સોહિની ઘોષ) ગુજરાતના નિવૃત્ત આઇએએસ અધિકારી પ્રદીપ શર્માને ફરી જેલમાં ધકેલવામાં આવ્યા છે. પાંચ વર્ષ બાદ જામીન પર છૂટ્યા પછી ફરી તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી છે અને હાલ જેલમાં છે. નોંધનીય છે કે, પ્રદીપ શર્મા સામે છેલ્લા 15 વર્ષમાં 12 કેસ ફોજદારી કેસ નોંધાયા છે.
કચ્છના જમીન કૌભાંડ કેસમાં ધરપકડ
ગત રવિવારે જે કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી તે કચ્છ જિલ્લામાં કથિત રીતે ઓછા ભાવે અતિક્રમણ કરાયેલી જમીનને કાયદેસર કરવા અંગેનો લગભગ 20 વર્ષ જૂનો કેસ છે. શર્મા વર્ષ 2003થી 2006 દરમિયાન કચ્છના કલેક્ટર રહ્યા હતા.
ગુજરાતના આ નિવૃત્ત આઇએએસ ઓફિસર પ્રદીપ શર્મા સામેના મોટાભાગના કેસો ભ્રષ્ટાચાર સંબંધિત છે અને તેમની વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મની લોન્ડરિંગનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. બે કેસમાં ડિસ્ચાર્જની માંગ કરતી તેમની અરજીઓ હાલમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ચુકાદાની રાહ જોઇ રહી છે, જેની છેલ્લી સુનાવણી 22 ફેબ્રુઆરીએ થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદીપ શર્માએ તેમની વિરુદ્ધના વિવિધ કેસોમાં અત્યાર સુધીમાં કુલ 4 વર્ષ અને 7 મહિના ન્યાયિક કસ્ટડીમાં વિતાવ્યા છે.
પ્રદીપ શર્મા વિરુદ્ધના વિવિધ કેસોનો સંક્ષિપ્ત ઇતિહાસ
કેમિસ્ટ્રી વિષયમાં ગ્રેજ્યુએટ થયેલા પ્રદીપ શર્મા વર્ષ 1981માં ડેપ્યુટી કલેક્ટર તરીકે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જોડાયા હતા. 1994ની સિનિયોરિટી સાથે વર્ષ 1999માં તેઓ IAS માટે પસંદગી પામ્યા હતા.
તેમણે જામનગર અને ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે અને ત્યારબાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.
વર્ષ 2008માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ગુજરાત સરકાર સાથે પ્રદીપ શર્માનો સંધર્ષ શરૂ થયો હતો. તેઓ વર્ષ 2003થી 2006 સુધી કચ્છના કલેક્ટર તરીકે રહ્યા હતા. તેમની કચ્છના કલેક્ટર તરીકે નિમણુંક થઇ ત્યારે ભુજમાં જમીન ફાળવણીમાં કથિત ગેરરીતિ આચરવા બદલ CID ક્રાઈમે રાજકોટ ઝોનમાં તેમની વિરદ્ધ પ્રથમ પોલીસ FIR દાખલ કરી હતી. એક આરટીઆઈ કાર્યકર્તાએ ઓગસ્ટ 2007માં શર્મા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં 2001ના ભૂકંપ પછી ભુજ બજાર નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જમીનની ફાળવણીમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં તેમની 6 જાન્યુઆરી, 2010ના રોજ ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેઓ તે સમયે મ્યુનિસિપલ કમિશનર હતા. ધરપકડ થયાના બે દિવસ બાદ જ 8 જાન્યુઆરી, 2010ના રોજ, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વર્ષ 2008ની પોલીસ ફરિયાદ બાદ વર્ષ 2010માં સીઆઈડી ક્રાઈમ, રાજકોટ ઝોનમાં તેમની વિરુદ્ધ વધુ બે ફરિયાદ દાખલ થઇ અને 2011 અને 2012માં વધુ બે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. તે ઉપરાંત જમીન સંબંધિત ગેરરીતિઓના મામલે વર્ષ 2011માં ટંકારા પોલીસ સ્ટેશનમાં વધુ બે ફરિયાદ નોંધવામાં આવી હતી.
આજની તારીખે, વચગાળાની રાહત તરીકે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે કેસોમાં – 2011નો ટંકારા કેસ અને 2012ની CID એફઆઇઆરના કેસમાં તપાસ પર સ્ટે આપવામાં આવ્યો છે.
પ્રદીપ શર્મા જ્યારે વર્ષ 2011માં ભુજની પલારા જેલમાં બંધ હતા ત્યારે શર્મા તેની બેરેકમાંથી સિમ કાર્ડ સાથેનો મોબાઇલ ફોન “જપ્ત” કરવાને કારણે પણ મુશ્કેલીમાં મુકાયા હતા. શર્મા પર જેલની બહાર રહેલા ભૂતપૂર્વ જેલ સાથી પાસેથી ફોન મેળવ્યાનો આરોપ હતો. ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ અને જેલ એક્ટ હેઠળ સજાપાત્ર ગુના હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
એપ્રિલ 2011માં શર્માએ ગોધરા રમખાણોની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણુંક કરાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના વડાને તે સંબંધિત નવ સૌથી ગંભીર કેસોમાં તપાસ કરવા માટે પત્ર લખ્યો હતો. SITએ પાછળથી મોદી સરકારને વર્ષ 2002ના ગોધરા રમખાણો કેસમાં ક્લીનચીટ આપી હતી, જેને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
2014માં પ્રદીપ શર્માને બીજી એફઆઈઆરનો સામનો કરવો પડ્યો, જે આઈપીસી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કચ્છના ભૂજ સ્થિત એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ ફરિયાદમાં પણ તેમની વિરુદ્ધ જમીનમાં ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2014માં શર્મા જ્યારે કચ્છ કલેક્ટર હતા ત્યારે ભેદભાવપૂર્ણ ભાવે બિનખેતીની જમીનની પરવાનગી આપીને ખાનગી કંપનીને જમીનનો પ્લોટ ફાળવવાનો આરોપ મૂકાયો હતો. આના બદલામાં આ કંપનીએ પ્રદીપ શર્માની પત્ની શ્યામલને એક એવી પેઢીમાં ભાગીદાર બનાવવામાં મદદ કરી હતી જેની સાથે તેમના નજીકના સંપર્કો હતા, એવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
પ્રદીપ શર્મા પર તેમની પત્ની અને બાળકોના નામે બેન્ક એકાઉન્ટ સહિત વિવિધ દેશોમાં હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર કરવાનો અને સ્થાવર મિલકતોમાં રોકાણ કરવાનો પણ આરોપ છે. તેના આધારે EDએ શર્મા અને અન્યો વિરુદ્ધ 2016માં કથિત મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કર્યો છે.
માર્ચ 2018માં શર્માને 19 મહિનાની કસ્ટડી બાદ ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા ત્યારે ભાવનગરમાં તે જ દિવસની સવારે તેની સામે નોંધાયેલા નવા કેસમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદમાં પ્રદીપ શર્માએ ડિસેમ્બર 2008 અને મે 2009 વચ્ચે સરકારી માલિકીની કંપની આલ્કોક એશડાઉન (ગુજરાત) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવવા દરમિયાન ખાનગી પેઢી પાસેથી રૂ. 25 લાખની લાંચ લીધી હોવાનો આરોપ મુકાયો છે. થોડાક દિવસ બાદ ભાવનગરની અદાલતે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે અમેરિકામાં તેમના પુત્રના લગ્નમાં હાજર રહેવા માટે વચગાળાના જામીન આપવાની અરજી નકારી દીધી હતી.
ઓગસ્ટ 2018માં ગુજરાત હાઈકોર્ટે લાંચ કેસમાં શર્માને જામીન પર મુક્ત કરતા કહ્યું હતુ કે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, કથિત ગુનો 2008-09માં આચરવામાં આવ્યો હતો અને શર્મા પહેલેથી જ પાંચ મહિના જેલમાં રહી ચૂક્યા છે.
શર્માએ સતત એવું કહેતા આવ્યા છે કે, તેમના ભાઈ કુલદીપ શર્મા જે એક નિવૃત્ત IPS અધિકારી છે તેઓ ગુજરાત રાજ્ય વિરુદ્ધ લડાઇ લડી રહ્યા છે અને તેના લીધે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. કુલદીપ શર્મા તે સમયે અમદાવાદ રેન્જના જનરલ પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને પ્રદીપ શર્મા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર હતા.
કુલદીપ શર્માનું નામ ચર્ચીત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમા સંડોવાયેલુ છે. આ કેસમાં ગુજરાતના સંખ્યાબંધ પોલીસ અધિકારીઓ અને હાલના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેઓ તે સમયે ગુજરાતના ગૃહમંત્રી હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. નોકરીમાં નિવૃત્ત થયા બાદ કુલદીપ શર્મા વર્ષ 2015માં કોંગ્રેસમાં જોડાયા હતા અને હાલમાં તેઓ ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે.
જો કે કુલદીપ શર્મા તેમના ભાઈ વિરુદ્ધના કેસો અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તો પ્રદીપ શર્માના વકીલ ભરત ધોળકિયાએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં આરોપોને ધ્યાનમાં રાખીને, નિવૃત્ત IAS અધિકારીએ આચરેલા ભ્રષ્ટાચારથી સરકારને અંદાજે 2.10 લાખ રૂપિયાનું નુકસાન થયુ છે.
ધોળકિયાએ જણાવ્યું કે, “જ્યારે ભૂકંપ પછી જિલ્લાના પુનઃનિર્માણમાં વ્યસ્ત હતા એવા સમયે (તત્કાલીન) કલેક્ટરને આટલી નાની રકમ માટે જેલમાં ધકેલવા કેટલું યોગ્ય છે? જો કલેક્ટરના આદેશથી જમીનનો ભાવ ઓછો આંકવામાં આવ્યો હોવાનું જણાયું છે, તો મહેસૂલ વિભાગ પાસે તેને વધારવાની જોગવાઈઓ છે… શર્માને એક પાડી દેવામાં આવ્યા છે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે… જમીનના ભાવ નક્કી કરવા અને રેગ્યુલેશનને મંજૂરી આવા માટે એક સંપૂર્ણ સમિતિ હતી, જેના અધ્યક્ષ કલેક્ટર હતા. મહેસૂલ વિભાગે આ જમીનના આદેશને ક્યારેય પડકાર્યો નથી.”