દિવાળીના તહેવારોમાં આગ લાગવાની, રોડ અકસ્માતની ઘટનાઓ 55 ટકા વધી – સૌથી વધુ અમદાવાદમાં
ગુજરાતમાં સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે અકસ્માતની ઘટનાઓમાં 55 ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ સર્વિસ પૂરી પાડતી જીવીકે ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ઈએમઆરઆઈ)ના આંકડા અનુસાર રાજ્યમાં દિવાળીના દિવસ 24 ઓક્ટોબરના રોજ વાહન અકસ્માતની ઘટનાઓ સંબંધિત ઇમરજન્સી કૉલ્સમાં 55 ટકાનો વધારો થયો હતો તો બેસતા વર્ષના દિવસે એટલે કે 26 ઑક્ટોબરના રોજ માર્ગ અકસ્માતો સંબંધિત ઇમરજન્સી કૉલ્સની સંખ્યા બમણાથી વધારે વધી ગઇ હતી. .
દિવાળીના તહેવારોમાં દાઝી જવાની અને શારીરિક હુમલો જેવી બિન-વાહન અકસ્માતની ઘટનાઓ પણ મોટી સંખ્યામાં ઘટી છે. માહિતી અનુસાર, દિવાળી અને દિવાળી પછીના દિવસોમાં સૌથી વધુ રોડ અકસ્માતની ઇમરજન્સીની ઘટનાઓ ઘટી હતી, જેમાં સામાન્ય દિવસની 424 ઘટનાની તુલનાએ બેસતા વર્ષના દિવસે રોડ એક્સિડેન્ટ ઇમરજન્સીની 914 ઘટનાઓ ઘટી છે, જે સામાન્ય દિવસોની તુલનાએ 115 ટકા વધારે છે.
દિવાળીના ત્રણ દિવસ દરમિયાન દરરોજ સરેરાશ રોડ એક્સિડેન્ટની 734 ઘટનાઓ બની હતી જેમાં 82 ટકા અકસ્માત 82 ટુ-વ્હીલરના હતા. અમદાવાદમાં 26 ઓક્ટોબરના રોજ સૌથી વધારે 102 રોડ એક્સિડેન્ટના કેસ સાથે દિવાળીના ત્રણ દિવસમાં (24, 25 અને 26 ઓક્ટોબર) કુલ 271 અકસ્માત નોંધાયા છે જે સામાન્ય દિવસોની તુલનાએ અકસ્માતની ઘટનાઓમાં 40 ટકાનો વધારો દર્શાવે છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ડિવિઝન દ્વારા અપાયેલા આંકડા મુજબ, 21 થી 27 ઓક્ટોબર દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં IPC કલમ 283 (કોઈપણ જાહેર માર્ગ અથવા જાહેર માર્ગમાં કોઈ વ્યક્તિને ખતરો, અવરોધ અથવા ઈજા) હેઠળ 19 કેસ, કલમ 279 હેઠળ બેફામ ડ્રાઇવિંગના પાંચ કેસ અને જાહેર સેવક દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશના અનાદર બદલ કલમ 188 હેઠળ 10 કેસ નોંધાયા હતા. દિવાળીની પહેલા ગુજરાતના ગૃહ વિભાગે 21 થી 27 ઓક્ટોબર સુધી વાહન ચાલકોને ટ્રાફિક નિમયોના ઉલ્લંઘનના દંડમાંથી મુક્તિ આપવની જાહેરાત કરી હતી.
દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં દાઝી જવા અને શારીરિક હુમલો જેવી બિન-વાહન ઇમરજન્સીની ઘટનાઓમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો. 24 થી 26 ઓક્ટોબર દરમિયાન રોડ એક્સિડેન્ટ બાદ શારીરિક ઇજા માટે સૌથી વધુ ઇમરજન્સી કોલ મળ્યા હતા. દિવાળીના આ ત્રણ દિવસો દરમિયાન શારીરિક ઇજા સંબંધિત સેવા માટે સરેરાશ દરરોજ 246 ઇમરજન્સી કોલ આવ્યા હતા.
ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયા દાઝી જવાના 30 કેસો નોંધાયા હતા, જેમાં સૌથી વધુ દિવાળીના દિવસે 17 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. જ્યારે સમગ્ર રાજ્યમાં સામાન્ય દિવસોમાં આવા છ કેસ બનતા હતા. જીવીકે ઈએમઆરઆઈના વિશ્લેષણ અનુસાર મોટાભાગના ઈમરજન્સી કોલ સાંજના 4 થી 10 વાગ્યાના સમયગાળામાં આવ્યા હતા.