ગુજારતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કના પદ માટેની પરીક્ષા 29 જાન્યુઆરી 2023ના રોજ રાજ્યભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર 11 કલાકે યોજવાની હતી. જો કે પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે એક યુવક પાસેથી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પ્રશ્નપત્રોની નકલ મળી આવતા તેની ધરપકડ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે, આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યભરમાં લગભગ 9 લાખ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા.
શંકાસ્પદ ઇસમ પાસેથી પરીક્ષાનું પેપર મળ્યુ, પોલીસે કરી ધરપકડ
પ્રાપ્ત માહિતી મુજબ એક શંકાસ્પદ ઇસમ પાસેથી ગુજરાતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર પંચાયત સેવા પંસદગી મંડળની ક્લાસ – 3ની જુનિયર ક્લાર્કની પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ તેની પાસેથી મળી આવી છે. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી તેની પુછપરછ હાથ ધરી છે.

આ ઘટનાના અહેવાલ મળ્યા બાદ પંચાયત સેવા પંસદગી મંડળે 29 જાન્યુઆરી, 2023ના રોજ યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષા ‘મૌકુફ’ રાખવાનો નિર્ણય લીધો અને પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાના સીલબંધ મટિરિયલ્સને સુરક્ષિત રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં કુલ 42 જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવ્યા હતા. તેમાં ફરીવાર સરકારી નોકરીની પરીક્ષાનું પેપર ફુટ્યું છે. આ ઘટના બાદ પરીક્ષાઓમાં નિરાશાની સાથે સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. સરકારી નોકરી માટેનું પેપર ફૂટ્યુ હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ પણ ગુજરાતમાં પેપર લીક થવાના કારણે ઘણી બધી સરકારી નોકરીઓની પરીક્ષા રદ કરવામાં આવી છે.