Election Commission Announces Bypolls On 5 Seats In Gujarat, Kerala, West Bengal, Punjab : ચૂંટણી પંચ દ્વારા ગુજરાત અને કેરળ સહિત 4 રાજ્યોની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જેમા ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણી માટે 19 જૂન મતદાન થશે અને 23 જૂને મતદાનના પરિણામ જાહેર થશે. ગુજરાતમાં બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર સીટ માટે પેટાચૂંટણી યોજાવાની છે.
4 રાજ્યોની 5 વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની તારીખો જાહેર કરી દીધી છે. જેમા ગુજરાતની કડી અને વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી યોજવાની છે. તમને જણાવી દઇયે કે, વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી એ આપ પાર્ટીના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વિસાવદર બેઠક ખાલી થઇ હતી. નોંધનિય છે કે, ચાલુ વર્ષે માર્ચ મહિનામાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ગુજરાતના વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. તો કડીના ધારાસભ્ય કરસનભાઇ સોલંકીનું અવસાન થયા બાદ આ વિધાનસભા બેઠક ખાલી પડી છે.
કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં પેટાચૂંટણી
ગુજરાત ઉપરાંત કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં 1 -1 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવાની છે. જેમા કેરળની નિલામ્બર બેઠક, પશ્ચિમ બંગાળની કાલિગંજ બેઠક અને પંજાબમાં લુધિયાણા વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજવાની છે.
પેટાચૂંટણી માટે 19 જૂન મતદાન અને 23 જૂન પરિણામ
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 19 જૂને મતદાન થશે અને 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવે છે. પેટાચૂંટણી માટે 26 જૂને ગેઝેટ નોટિફિકેશન જાહેર થશે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન છે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂન છે. ત્યારબાદ 19 જૂને મતદાન થશે અને 23 જૂને વોટિંગના પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યાર પછી છેલ્લે 25 જૂને પેટાચૂંટણી સમાપ્ત થયેલી જાહેર કરવામાં આવશે.