ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : અમિત શાહ, પાટિલ, પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવી

ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માટે આજે ઉમેદવારી પત્ર ભરવાની છે્લ્લી તારીખ હતી, તો ભાજપ નેતા અમિત શાહ, સીઆર પાટીલ તથા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, નૈષધ દેસાઈ સહિતના નેતાઓએ ઉમેદવારી પત્ર સબમિટ કર્યા.

Written by Kiran Mehta
Updated : April 19, 2024 17:30 IST
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : અમિત શાહ, પાટિલ, પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવી
અમિત શાહ, સીઆર પાટીલ, નૈષધ દેસાઈ, પરેશ ધાનાણી સહિતના ગુજરાત લોકસભા ઉમેદવારોએ નામાંકન ભર્યું

Gujarat Lok Sabha Candidates Filed Nominations : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી ફોર્મ બરવાના અંતિમ દિવસે ઉમેદવારી નોંધીવી. આજે અમિત શાહે ગાંધીનગરથી, સીઆર પાટિલે નવસારીથી તો પરેશ ધાનાણીએ રાજકોટથી ઉમેદવારી નોંધાવી છે. આ સિવાય અન્ય નેતાઓએ પણ મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન ત્રીજા તબક્કામાં 7 મે 2024 ના રોજ થવાનું છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર, આવતીકાલે 20 એપ્રિલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ 2024 છે.

અમિત શાહે ગાંધીનગર ઉમેદવારી ફોર્મ ભર્યું

અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપાના ઉમેદવાર તરીકે નામાંકન ભર્યું. તેમણે ઉમેદવારી નોંધાવ્યા બાદ સોશિયલ મીડિયા માધ્યમથી કહ્યું કે, મોદીજીના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં આ ક્ષેત્રની જનતાની સેવા કરવાના મળેલા અવસરને જનતાના આશીર્વાદથી આગળ વધારવા ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે, ગાંધીનગરની જનતા આશીર્વાદ આપીને ‘ફરી એકવાર મોદી સરકાર” બનાવવામાં મોટું યોગદાન આપશે. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અમિત શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમિત શાહના પત્ની સોનલ શાહ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, સાબરમતી વિધાનસભા ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

સીઆર પાટીલે નવસારીથી નામાંકન નોંધાવ્યું

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નવસારી લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે કલેક્ટર કચેરી ખાતે નામાંકન ભર્યું હતુ. તેમણે જણાવ્યું કે, સાહેબનાં “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા, જન-જનની સુખાકારીમાં ઉમેરો કરવા, વિકાસની ગતિને હજી વધુ વેગવંતી બનાવવા, ભારત વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને-એ માટેનાં મોદી સાહેબનાં સફળ પ્રયાસોમાં આહુતિ આપવાનાં સંકલ્પ સાથે આજે નવસારી લોકસભાનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું. નવસારીની જનતાએ અપાર સ્નેહ અને હૂંફ આપ્યા છે. એમણે મૂકેલા વિશ્વાસે, એમનાં સાથ અને સહકારે મને હંમેશા અનેરી ઉર્જા પ્રદાન કરી છે. સૌનાં સહિયારા પ્રયાસોથી વીતેલા વર્ષોમાં નવસારીનાં વિકાસને નિતનવી પાંખો પહેરાવી છે, હવે આવનારા વર્ષોમાં નવસારીનો વિકાસ વધુ ગતિમાન બને અને દેશમાં, વિશ્વ ફલક પર નવસારીનું નામ વધુ મજબૂત બને એ માટે કટીબદ્ધ છું. આજે ઉમેદવારી પત્રક ભરવાની આ પળે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનો સ્નેહ સદાય પ્રાપ્ત થતો રહેશે-એનો મને વિશ્વાસ છે!.

નૈષધ દેસાઈએ નવસારીથી કોંગ્રેસ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું

નવસારી કોંગ્રેસ લોકસભા ઉમેદવાર નૈષધ દેસાઈએ પણ નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. નૈષધ દેસાઈ ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધી વેશભૂષામાં જોવા મળ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં ઉમેદવારો નવસારી કલેક્ટર કચેરી ઉમટ્યા હતા. નૈષધ દેસાઈએ કાર્યકરોના ઉત્સાહ અને જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવી.

પરેશ ધાનાણી એ રાજકોટથી નામાંકન ભર્યું

કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ રાજકોટથી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. પરેશ ધાનાણી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની સામે રાજકોટ બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પરેશ ધાનાણી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો તથા જિલ્લા સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી, ક્ષત્રિય સમાજને કરી આ અપીલ

આ સિવાય ભાજપ જામનગર ઉમેદવાર પૂનમબેન માડમ, મહેસાણા કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર, દમણ બેઠક કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ, દાદરાનગર હવેલી કોંગ્રેસ ઉમેદવાર અજિત માહલા, સહિતના ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ