Gujarat Lok Sabha Election 2024 Voter Turnout: ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માટે 7 મે ને મંગળવારના રોજ સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે. આકરા ઉનાળા વચ્ચે મતદારોનો એકંદરે મોળો પ્રતિસાદ જોવા મળ્યો છે. 2019 કરતાં એકંદરે 5 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું છે. હવે રસપ્રદ બાબત એ છે કે ઓછું મતદાન ભાજપ કે કોંગ્રેસ કોના માટે ફાયદારુપ છે? મુંબઇથી અલગ થયેલા ગુજરાતમાં લોકસભા ચૂંટણી શરુ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી વોટર ટર્ન આઉટ પરિણામ ઈતિહાસ જાણવા જેવો છે.
લોકસભા ચૂંટણી 2024 દેશમાં વિવિધ સાત તબક્કામાં યોજાઇ રહી છે. ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન સંપન્ન થયું છે. ઉનાળાની ગરમી વચ્ચે ગત વખત કરતાં ઠંડુ મતદાન થયું છે. સવારથી મતદાન મથકોએ મતદારો મતદાન માટે કતારમાં હતા. રાજ્યમાં સરેરાશ 60.13 ટકા મતદાન નોંધાયું છે. ગુજરાતમાં 26 બેઠકો પૈકી સુરત બેઠક ભાજપે મતદાન પૂર્વે જ જીતી લઇ જીતના શ્રીગણેશ કરી લીધા છે. છેલ્લી બે ટર્મથી ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપ જીતતું આવ્યું છે. આ વખતે ભાજપ હેટ્રીક કરવાના મૂડમાં છે તો સામે કોંગ્રેસ પોતાનો ઓસરી રહેલો જનાદેશ પરત મેળવવા મથી રહ્યું છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 ત્રીજા તબક્કાનું મતદાન, જાણો લાઈવ અપડેટ
બૃહદ મુંબઇથી અલગ થયા બાદ ગુજરાતમાં પ્રથમ ચૂંટણી 1962 માં યોજાઇ હતી. ગુજરાત લોકસભા પ્રથમ ચૂંટણી 22 બેઠકો માટે યોજાઇ હતી. સમય સાથે બેઠકોમાં વધારો થતાં હાલ 26 બેઠકો છે. ગુજરાત લોકસભા ચૂંટણીમાં મતદાનની વિગતો જોઇએ તો પ્રથમ ચૂંટણીમાં 57.96 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન વર્ષ 2019 માં 64.51 ટકા નોંધાયું છે. લોકસભા ચૂંટણી 2024 માં વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. જોકે આકરો ઉનાળો નડે છે કે કેમ એ તો મતદાન પૂર્ણ થયા બાદ આવનાર આંકડા જ બતાવશે.
ગુજરાત લોકસભા ચૂંટણી વોટર ટર્ન આઉટ – 1962 થી 2024 સુધી મતદાન ટકાવારી
ચૂંટણી વર્ષ કુલ બેઠક કુલ મતદાર ઉમેદવાર મતદાન % 1962 22 95,34,974 68 57.96 1967 24 1,06,92,948 80 63.77 1971 24 1,15,35,312 118 55.49 1977 26 1,41,09,708 112 59.21 1980 26 1,64,94,141 169 55.42 1984 26 1,88,43,760 229 57.93 1989 26 2,43,34,172 261 54.70 1991 26 2,48,82,508 420 44.01 1996 26 2,85,29,094 577 35.92 1998 26 2,87,74,443 139 59.30 1999 26 2,95,12,402 159 47.03 2004 26 3,36,75,062 162 45.16 2009 26 3,64,84,281 359 47.89 2014 26 4,06,03,104 334 63.66 2019 26 4,51,52,373 371 64.51 2024 26 (એક બિનહરીફ) 4,80,68,677 266 60.13
ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક મુજબ મતદાન ટકાવારી
ગુજરાતમાં યોજાયેલ લોકસભા ચૂંટણી મતદાન અને પરિણામ પર એક નજર નાંખીએ વર્ષ 2009 થી 2019 સુધી મતદાનમાં સરેરાશ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2009 માં સરેરાશ મતદાન 47.89 હતું જે વધીને વર્ષ 2014 માં 63.66 ટકા થયું અને વર્ષ 2019 માં વધીને 64.51 ટકા થયું હતું. જોકે બેઠકોમાં સરેરાશ વધ ઘટ જોવા મળી છે. જોકે આ વખતે લોકસભા ચૂંટણી 2024 સરેરાશ મતદાન 60.13 ટકા થયું છે. જે ગત વર્ષ કરતાં ઓછું છે.
આ પણ વાંચો – દેશના ઈતિહાસમાં મહેસાણા બેઠક છે ખાસ
શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તાર સમાવતી લોકસભા બેઠક મત વિસ્તારમાં સરેરાશ મતદાનમાં વધારો નોંધાયો છે. ત્રણ ચૂંટણીમાં મતદાનમાં વધારો થયેલી બેઠકની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર, આમંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ બેઠકમાં સરેરાશ મતદાનમાં વધારો થયો છે. જ્યારે કચ્છ, મહેસાણા, અમદાવાદ પશ્વિમ, રાજકોટ, જૂનાગઢ, વડોદરા, ભરુચ અને બારડોલી બેઠક પર સરેરાશ મતદાનમાં ઘટાડો નોંધાયો છે.
ક્રમ બેઠક 2009 2014 2019 2024 (અંદાજે) વધ-ઘટ 1 કચ્છ 42.54 61.78 58.71 56.14 – 2.57 2 બનાસકાંઠા 49.83 58.54 65.03 69.62 4.59 3 પાટણ 44.67 58.74 62.45 58.56 – 3.89 4 મહેસાણા 49.73 67.03 65.78 59.86 – 5.92 5 સાબરકાંઠા 49.41 67.82 67.77 63.56 – 4.21 6 ગાંધીનગર 50.80 65.57 66.08 59.80 – 6.28 7 અમદાવાદ પૂર્વ 42.34 61.59 61.76 54.72 – 7.04 8 અમદાવાદ પશ્વિમ 48.22 62.93 60.81 55.45 – 5.36 9 સુરેન્દ્રનગર 39.73 57.07 58.41 55.09 – 3.32 10 રાજકોટ 44.63 63.89 63.49 59.69 – 3.80 11 પોરબંદર 47.66 52.62 57.21 51.83 – 5.38 12 જામનગર 45.79 57.99 61.03 57.67 – 3.36 13 જૂનાગઢ 57.88 63.43 61.31 58.91 – 2.40 14 અમરેલી 39.97 54.47 55.97 50.29 – 5.68 15 ભાવનગર 45.15 57.58 59.05 53.92 – 5.13 16 આણંદ 48.41 64.89 67.04 65.04 – 2.00 17 ખેડા 41.59 59.86 61.04 58.52 – 3.28 18 પંચમહાલ 42.64 59.30 62.23 58.85 – 3.38 19 દાહોદ 44.73 63.85 66.57 59.31 – 7.26 20 વડોદરા 49.02 70.94 68.18 61.59 – 6.59 21 છોટા ઉદેપુર 54.19 71.71 73.90 69.15 – 4.75 22 ભરુચ 57.14 74.85 73.55 69.16 – 4.39 23 બારડોલી 57.80 74.94 73.89 64.81 – 9.08 24 સુરત 49.01 63.90 64.58 25 નવસારી 46.66 65.82 66.40 59.66 – 6.74 26 વલસાડ 56.11 74.28 75.48 72.71 – 2.77 47.89 63.66 64.51 60.13 – 4.38
ગુજરાત લોકસભા ચૂંટણી – વધુ મતદાન ભાજપ ને ફળ્યું છે
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ ઈતિહાસ તપાસીએ તો વધુ મતદાન ભાજપ માટે ફાયદારુપ સાબિત થયું છે. છેલ્લી બે ટર્મથી તમામે તમામ 26 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. વર્ષ 2014 અને 2019 ચૂંટણીમાં ભાજપે બધી બેઠકો જીતી કોંગ્રેસને જાણે મરણતોલ ફટકો આપ્યો છે. પરંતું અહીં નોંધનિય બાબત છે કે આ અગાઉની વર્ષ 2009 ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર હતી. ભાજપ 15 અને કોંગ્રેસ 11 બેઠકો પર જીત્યું હતું. વોટશેરમાં પણ નજીવો ચાર ટકા જેટલો જ તફાવત હતો. પરંતુ એ બાદ વર્ષ 2014 ચૂંટણીમાં વધુ મતદાનના વાવાઝોડામાં કોંગ્રેસ દુર ફંગોળાઇ ગયું. અગાઉની ટર્મમાં જીતેલી તમામ બેઠકો પર મતદાનમાં નોંધપાત્ર વધારો થયો અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો.
કયા ઉમેદવારો છે?
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ભાજપના ઉમેદવાર અમિત શાહ, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રુપાલા સહિત અન્ય દિગ્ગજ નેતાઓને લઇને ખાસ છે. અમિત શાહ ગાંધીનગર ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે. એમની સામે સોનલબેન પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે. રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રુપાલા ક્ષત્રિય વિવાદને લઇને ચર્ચામાં છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી એમને ટક્કર આપી રહ્યા છે. પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા વચ્ચે ટક્કર છે. બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ ભાજપના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વચ્ચે ફાઈટ છે.
મતગણતરી ક્યારે થશે?
લોકસભા ચૂંટણી 2024 મતગણતરી 4 જૂને કરાશે. દેશમાં વિવિધ સાત તબક્કામાં યોજાઇ રહેલી લોકસભા ચૂંટણી 2024 અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. ચૂંટણી મતદાનના સાત તબક્કાની વાત કરીએ તો 19 એપ્રિલે પ્રથમ તબક્કો, 26 એપ્રિલે બીજો તબક્કો, 7 મેએ ત્રીજા તબક્કાનું મતદાન, 13 મે એ ચોથા તબક્કાનું મતદાન, 20 મે એ પાંચમા તબક્કાનું મતદાન અને 25 મે એ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે.





