Gujarat Lok Sabha Election Result 2024 Winner List: ગુજરાત લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થયા છે. ગુજરાતની 26 બેઠક માંથી 4 બેઠક પર મહિલા ઉમેદવારે ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. લોકસભા ચૂંટણી 2024માં વિજેતા કુલ 4 મહિલા ઉમેદવારમાંથી એક મહિલા ઉમેદવાર કોંગ્રેસના છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ વિજેતા મહિલા ઉમેદવાર જ કોંગ્રેસના એક માત્ર વિજેતા નેતા છે. ચાલો જાણીયે ગુજરાત લોકસભા ચૂંટણી 2024માં કઇ બેઠક પર કોણ મહિલા ઉમેદવારે જીત હાંસલ કરી
પૂનમ માડમ, ભાજપ – જામનગર લોકસભા બેઠક (Poonamben Madam, Jamnagar)
ગુજરાતની જામનગર લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પૂનમ માડમ સતત ત્રીજી વખત આ બેઠક પરથી વિજેતા થયા છે. જામનગર બેઠક પર પૂનમ માડમે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયા સામે 238008 મતોથી સરસાઇ હાંસલ કરી છે. પૂનમ માડમને 620049 મત મળ્યા છે, જે જામનગર બેઠકના કુલ મતદાનના 58.98 મત છે. તો કોંગ્રેસના જેપી મારવિયાને 382041 મત એટલ કે 36.34 ટકા વોટ મળ્યા છે. જામનગર બેઠક પર 10972 નોટા મત પડ્યા છે, જે કુલ મતદાનના 1.05 ટકા બરાબર છે. જામનગર બેઠક પર કુલ 14 ઉમેદવાર હતા જેમા 9 અપક્ષ ઉમેદવાર હતા.
નિમુબેન બાંભણિયા – ભાજપ, ભાવનગર લોકસભા બેઠક (Nimuben Bambhaniya – BJP, Bhavnagar)
ગુજરાતની ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ નેતા નિમુબેન બાંભણિયા આપ ઉમેદવાર ઉમેશ મકવાણા સામે 455289 મત માર્જિનથી ચૂંટણી જીત્યા છે. નિમુબેન બાંણણિયાને 716883 મત મળ્યા છે, જે કુલ મતદાનના 68.46 મત ટકા છે. તો આપ ઉમેદવાર ઉમેશ મકવાણાને કુલ 261594 મત એટલે કે 24.98 ટકા મળ્યા છે. ભાવનગર બેઠક પર કુલ 13 માંથી 5 અપક્ષ ઉમેદવાર હતા. જેમા ભગવતીબેન બ્રહ્મક્ષત્રિય અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા હતા, જેમને 1824 મત મળ્યા છે. ભાવનગર બેઠક પર 18765 નોટા મત પડ્યા છે, જે કુલ મતદાનના 1.79 ટકા વોટ બરાબર છે.
શોભના બારૈયા – ભાજપ, સાબરકાંઠા લોકસભા બેઠક (Shobhna Bariya – BJP, Sabarkantha)
ગુજરાતની સાબરકાંઠા બેઠક પર ભાજપ નેતા શોભના બારૈયા કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી સામે 155682 મત માર્જિનથી જીત્યા છે. સાબરકાંઠા બેઠક પર શોભના બારૈયા 677318 મત (53.36 ટકા) સાથે વિજેતા થયા છે. કોંગ્રેસના તુષાર ચૌધરીને 521636 મત (41.09 ટકા) મળ્યા છે. સાબરકાંઠા બેઠક પર 14 ઉમેદવાર હતા, જેમા 7 અપક્ષ ઉમેદવાર હતા. જેમા અપક્ષ ઉમેદવાર ભાવનાબા પરમારને 5459 અને ઇન્સાનિયત પાર્ટીના ઉમેદવાર ઇન્દિરાબેન ઠાકોરને 1436 મત મળ્યા છે. આ બંને મહિલા ઉમેદવારની હાર થઇ છે. આ બેઠક પર નોટા વિકલ્પ પર 21076 મત પડ્યા છે, જે કુલ મતદાનના 1.66 ટકા બરાબર વોટ છે.
ગેનીબેન ઠાકોર – કોંગ્રેસ, બનાસકાંઠા લોકસભા બેઠક (Geniben Thakor – Congress, Banaskantha)
ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી માત્ર 1 બનાસકાંઠા બેઠક પર જ કોંગ્રેસ ઉમેદવારની જીત થઇ છે, તે મહિલા ઉમેદવાર છે. આ કોંગ્રેસ મહિલા ઉમેદવારનું નામ છે ગેની બેન ઠાકોર. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે 30406 મતોની સરસાઇથી ભાજપ નેતા રેખાબેન ચૌધરી સામે જ્વલંત વિજય મેળવ્યો છે. ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર શરૂઆતથી કોંગ્રેસના મક્કમ ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા.
આ પણ વાંચો | ભાજપના ‘વંટોળ’ સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ‘અડખીમ’, 1962 ની ચૂંટણીનું કર્યું પુનરાવર્તન
લોકસભા ચૂંટણી 2024 માં બનાસકાંઠા બેઠક પર ગેની બેન ઠાકોરને કુલ 671883 મત એટલ કે 48.83 ટકા વોટ મળ્યા છે. તો ભાજપના રેખાબેન ચૌધરીને 641477 મત એટલે કે 46.62 ટકા મત મળ્યા છે. બનાસકાંઠા બેઠક પર કુલ 12 ઉમેદવાર હતા, જેમાં 6 અપક્ષ હતા. બનાસકાંઠા બેઠક પર કુલ 1375903 મત પડ્યા છે, જેમા નોટ 22167 વોટ છે, જે કુલ વોટિંગના 1.61 ટકા બરાબર છે.