Gujarat lok Sabha Election 2024 | ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ કે દેશના પીએમ ન હતા ત્યારે પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ હંમેશા કોંગ્રેસ પર વિજયી રહી છે. 1989 થી દરેક લોકસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ કરતા વધુ બેઠકો જીતી છે. 2004 થી 2014 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હતી ત્યારે પણ ભાજપે કોંગ્રેસ કરતા વધુ બેઠકો જીતી હતી.
2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હતી. એટલું જ નહીં, 2019માં ભાજપના ઉમેદવારોએ ગુજરાતમાં 26માંથી 18 બેઠકો તો 2.5 લાખથી વધુ મતોના માર્જિન સાથે જીતી હતી.
આ વખતે ભાજપે ગુજરાતની દરેક બેઠક 5 લાખથી વધુ મતોથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. જો કે, ભાજપે ચૂંટણી વિના જ એક બેઠક તો જીતી લીધી છે. તાજેતરમાં, સુરત લોકસભા બેઠક સમાચારોમાં હતી જ્યાંથી કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા.
લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં 15 બેઠકો એવી હતી, જ્યાં ભાજપને 60 ટકાથી વધુ વોટ મળ્યા હતા
વર્ષ ભાજપને મળેલી બેઠક કોંગ્રેસને મળેલી બેઠક અન્યોને મળેલી બેઠક મળી 1989 12 3 11 1991 20 5 1 1996 16 10 0 1998 19 7 0 1999 20 6 0 2004 14 12 0 2009 15 11 0 2014 26 0 0 2019 26 0 0
ગુજરાતમાં છેલ્લી કેટલીક લોકસભા ચૂંટણીમાં બેઠકોની સાથે કોંગ્રેસનો વોટ શેર પણ સતત ઘટી રહ્યો છે.
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપ 1998 થી સતત જીતી રહ્યું છે
ભાજપ ગુજરાતમાં 1998થી સતત વિધાનસભા ચૂંટણી જીતી રહ્યું છે અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી જીત હાંસલ કરી છે. 182 બેઠકોની વિધાનસભામાં તેણે 156 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર જ અટકી હતી. 2017 ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનું આ ખૂબ જ ખરાબ પ્રદર્શન હતું કારણ કે, તે સમયે કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. કોંગ્રેસ સામે ભાજપની સરેરાશ જીતનો આંકડો 20% આસપાસ છે પરંતુ, ગુજરાતમાં તે 30% છે.
કોંગ્રેસને KHAM થીયરીથી આશા છે
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન પર થયેલા વિવાદ બાદ કોંગ્રેસને આશા છે કે, તેને KHAM થિયરીનો ફાયદો થશે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમુદાયને જોડીને KHAM ફોર્મ્યુલા તૈયાર કરી હતી. આ કારણે કોંગ્રેસે ભાજપને લાંબા સમય સુધી સત્તાથી દૂર રાખ્યો હતો.
પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પર નારાજગી બાદ કોંગ્રેસને આશા છે કે, ક્ષત્રિય મતદારો તેની તરફ આવશે.
BJP Congress Reservation 2024: કોંગ્રેસે અનામતને મુદ્દો બનાવ્યો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં તેમની ચૂંટણી રેલીમાં જનતાને બંધારણની નકલ બતાવતા કહ્યું કે, ભાજપ બંધારણ બદલવા માંગે છે. કોંગ્રેસે કહ્યું છે કે, જો ભાજપ 400 સીટો જીતશે તો બંધારણે આપેલી અનામત પણ ખતમ થઈ જશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસની KHAM થિયરીમાં આદિવાસી અને હરિજન મતદારો પણ સામેલ છે.
પરંતુ ભાજપે જવાબ આપતા કહ્યું છે કે, કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી મુસ્લિમોને આપશે.
ગુજરાત કોંગ્રેસ: નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે
ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન ઉપરાંત અનેક મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. આ વર્ષે માર્ચમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. અર્જુન મોઢવાડિયા ગુજરાતમાં કોંગ્રેસનો સૌથી મોટો OBC ચહેરો હતો અને લાંબા સમયથી રાજ્યમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું હતું.
2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન માટે પ્રખ્યાત બનેલા હાર્દિક પટેલ અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024: મંગળવારે મતાધિકારનો અવસર, વહીવટીતંત્ર સજ્જ, જુઓ ગાઈડલાઈન
સવાલ એ છે કે, શું કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીઓમાં તેના ખરાબ પ્રદર્શનમાંથી બહાર આવશે અને લોકસભામાં પોતાનું ખાતું ખોલાવી શકશે?