ગુજરાત લોકસભા ચૂંટણી 2024: મંગળવારે મતાધિકારનો અવસર, વહીવટીતંત્ર સજ્જ, જુઓ ગાઈડલાઈન

ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : 7 મે મંગળવારે મતદાન, મતદારોનો ઉત્સાહ વધારવા નામાંકિત હોટલો, મિઠાઈની દુકાનો દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર સહિત મતદારોએ શું ઓળખપત્ર સાથે લઈ જવું, મતદાન મથક પર કેવી વ્યવસ્થા જોઈએ બધુ જ

Written by Kiran Mehta
May 05, 2024 08:04 IST
ગુજરાત લોકસભા ચૂંટણી 2024: મંગળવારે મતાધિકારનો અવસર, વહીવટીતંત્ર સજ્જ, જુઓ ગાઈડલાઈન
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 - મતદારો માટે ગાઈડલાઈન

Gujarat Lok Sabha Election 2024 : ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી માટે મંગળવારે મતદાન યોજવામાં આવશે, આજે પ્રચારનો છેલ્લો દિવસ, ભાજપ, કોંગ્રેસ, આપ સહિત તમામ પાર્ટી ઉમેદવારોએ મતદારોને આકર્ષવા તમામ મરણિયા પ્રયાસ કર્યા છે, ત્યારે વહીવટીતંત્ર પણ વધુમાં વધુ લોકો મતદાન કરવા પહોંચે તે માટે પ્રયાસ કર્યા છે, સાથે કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

ચૂંટણી પંચ દ્વારા મહિલાઓ, પુરૂષો, યુવાનો, વયોવૃદ્ધ, દિવ્યાંગો અને થર્ડ જેન્ડર મતદારો વગેરે તમામ લોકો મતદાન કરી શકે તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મતદાનના દિવસે કોઈ પણ મતદારને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરુરી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે.

ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે ગાઈડલાઈન

ગુજરાત લોકસભા ચૂંટણી માટે તા.07,મે ના રોજ મતદાનના દિવસે સવારના 7.00 કલાક થી સાંજના 6.00 કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાતાએ આ માટે યોગ્ય પુરાવો સાથે રાખવાનો રહેશે. ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાર કાપલી એ ફક્ત માહિતી માટે છે, મતદાન કરવા માટે પુરાવા તરીકે માન્ય રહેશે નહિ.

મતદારે કયા ઓળખપત્ર સાથે રાખવા

મતદાનના દિવસે મતદારો ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ઉપરાંત આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ,ભારતીય પાસપોર્ટ ,ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર કે રાજય સરકાર અથવા જાહેર ક્ષેત્ર ઉપક્રમો તેમજ જાહેર લીમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, , સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવતા Unique Disability ID Card વગેરે વૈકલ્પિક ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ એક સાથે રાખીને મતદાન કરી શકશે.

ઉપરાંત દરેક વિધાનસભા મતદાર વિભાગમાં 07-સખી મતદાન મથકો રાખવામાં આવેલ છે. જેમાં તમામ મતદાન સ્ટાફ તરીકે મહિલાઓ ફરજ બજાવશે. 01-પી.ડબલ્યુ.ડી સંચાલિત મતદાન મથક ખાતે દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે તથા 01- યુવા મતદાન મથક રાખેલ છે, જેમાં યુવા કર્મચારીઓ ફરજ બજાવશે અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે.

7 મેના રોજ સરકારી કચેરીઓમાં રજા

ઉલેખ્ખનિય છે કે, 7મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન કરવા સરકારી કચેરીઓમાં રજા જાહેર થયેલ છે, તથા દુકાનો, સંસ્થાઓ અને કારખાનાઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિઓની રજા મંજુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

મતદાન મથકો વહીવટીતંત્ર દ્વારા મતદારો માટે વ્યવસ્થા

આ સિવાય મતદાનના દિવસે ગરમીને અનુલક્ષી ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં મતદાન મથકો ખાતે તડકો ન લાગે તે માટે મંડપ, પંખા, કુલર, પ્રતિક્ષા સમય દરમિયાન બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા ઉભી કરાશે. તથા ગરમીના કારણે મતદાન કરવા આવનાર મતદાતાઓ માટે મતદાન મથક ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓ.આર.એસ. તથા પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત જરૂરીયાત મુજબના મતદાન મથકો ખાતે પીવાનું પાણી, લીંબુ પાણી કે છાશની પણ સગવડ કરવાની સાથે ભીડ ન થાય તથા ઝડપી મતદાન પૂર્ણ થાય તે મુજબનું આયોજન કરવામાં આવનાર છે.

મતદારોને ચૂંટણી સયય દરમિયાન કોઈ પણ તકલીફ કે પ્રશ્નો ઉભા થાયતો તેના માટે મતદાર સહાયતા કેન્દ્રની સુવિધા પણ ઉભી કરવામાં આવેલ છે. જેમાં બી.એલ.ઓ. દ્વારા જરૂરી સહાયતા કરવામાં આવશે.અને દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ટ્રાન્સપોર્ટ, વ્હીલચેર તથા સહાયકની વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદારોનો ઉત્સાહ વધારવા નામાંકિત હોટલો, મિઠાઈની દુકાનો દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર

મતદાન કરનાર મતદારોનો ઉત્સાહ વધારવા માટે ગાંધીનગરની નામાંકિત એવી રાધે સ્વીટ, વૃન્દાવન સ્વીટ માર્ટ, અંબિકા સ્વીટ સેકટર-24, આનંદ સ્વીટ માર્ટ સેકટર-૧૬ દ્વારા પોતાની તમામ બ્રાન્ચ પરથી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઇ છે. તેની સાથે આ દિવસે વિવિધ હોટલ જેવી કે, હોટલ લીલા સેકટર-14, ફોરચ્યુન હોટલ સેકટર-11, અર્બનીયા રેસ્ટોરન્ટ કુડાસણ, ફુરાત રેસ્ટોરન્ટ કુડાસણ, ભાગ્યોદય રેસ્ટોરન્ટ સેકટર-૨૧, ટેકોબેલ રેસ્ટોરન્ટ કુડાસણ, લા ક્રેસ્ટ રેસ્ટોરન્ટ સરગાસણ, ઘ ગ્રાન્ટ વિનાયક રેસ્ટોરન્ટ સેકટર-21, હોટલ ઘુંઘટ રાંધેજા, રિવાજ ગુજરાત થાળી ભાઇજીપુરા, ઘ ફેમિલી જંકશન કુડાસણ, કેએફસી કુડાસણ, પીઝા હટ કુડાસણ સાથે સાથે ગાંધીનગરના હાર્દસમા સેકટર-16 માં આવેલી હોટલ ગોકુલ, તૃપ્તિ પાર્લર, ક્રિષ્ના ભાજીપાઉ, બ્લ્યુ બેરી રેસ્ટોરન્ટ, ગ્રીન એપલ રેસ્ટોરન્ટ, વેરાયટી ફાસ્ટ ફ્રુડ, ગુલાલવાડી પાઉભાજી, વૈષ્ણવ પાણીપુરી અને સેકટર-૧૭ની આલ્ફા રેસ્ટોરન્ટ દ્વારા મતદાન કરનાર નાગરિકોને પોતાના ત્યાંથી ફરસાણ, મીઠાઇ, ભોજન કે અન્ય ખાધ ચીજ વસ્તુઓ પર 7% ડિસ્કાઉન્ટ જાહેર કરેલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ