મનોજ સીજી, કમલ સૈયદ | Gujarat Loksabha Election 2024 Surat BJP Binharif : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન પૂર્વે જ પરિણામ આવી ગયું અને સુરત બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા બન્યા છે. તમને જણાવી દઈએ કે, મુકેશ દલાલે ભાજપના પ્રથમ એવા નેતા બનવાનો ઈતિહાસ રચ્યો જે લોકસભા ઉમેદવાર તરીકે બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે.
સુરતમાંથી કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નામંજૂર થયાના એક દિવસ બાદ બાકીના આઠ ઉમેદવારોએ પણ એક પછી એક પાછા ખેંચાતા લોકસભા બેઠક પરથી ભાજપના મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
આમાંથી ત્રણ અપક્ષ હતા, ચાર ઓછા જાણીતા પક્ષોના હતા અને એક BSP ઉમેદવાર હતો. સુરત શહેર BSP પ્રમુખ સતીશ સોનાવણેએ તેના ઉમેદવાર પ્યારેલાલ ભારતીનું નામ પાછું ખેંચવામાં ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. સોમવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી.
સુરત ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર, ભાજપે ઈતિહાસ રચ્યો
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ, ઉમેદવારો માટે લોકસભા ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવવી દુર્લભ છે, આઝાદી પછી (પેટાચૂંટણીઓ સિવાય) પહેલા આવા માત્ર 23 કિસ્સાઓ જ જાણીતા છે. જેમાં 10 લોકો આઝાદી સમયની પ્રથમ બે ચૂંટણીઓ, 1951-1952 અને 1957 માં જીત્યા હતા, જ્યારે ઉમેદવારો અને પાર્ટીઓની સંખ્યા ઓછી હતી. મુકેશ દલાલ બિનહરીફ જીતનારા ભાજપના પ્રથમ નેતા છે.
સુરત ભાજપ લોકસભા ઉમેદવાર બિનહરીફ કેવી રીતે થયા – ઘટનાક્રમ
- સુરત લોકસભા ચૂંટણી માટે કુલ 24 ફોર્મ ભરાયા, 12 રદ થયા, 8 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા, એક વિજેતા
- 20 એપ્રિલે ફોર્મની ચકાસણી
- ચૂંટણી એજન્ટ જોધાણી દ્વારા ખુલાસો કોંગ્રેસ ઉમેદવાર અને ચાર ડમી ઉમેદવારના ટેકેદારો જેન્યુઅન નથી
- નિલેશ કુંભાણી તથા ડમી ઉમેદવારોના ટેકેદારોએ ચૂંટણી પંચ અધિકારીને એફિડેવિટ કરી આપી કે ફોર્મમાં તેમની સહી નથી
- ચૂંટણી પંચે કોંગ્રેસ ઉમેદવારને નોટિસ ફટકારી જવાબ આપવા તેડાવ્યા
- ત્યારબાદ ટેકેદારો પણ બધા ગાયબ
- કોંગ્રેસની દલિલ ટેકેદારોનું અપહરણ કરાયું
- ત્યાંથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી રવાના થઈ ગયા
- કોંગ્રેસના વકિલે અરજી કરી સમય માંગ્યો
- ચૂંટણી પંચે રવિવારે 9 વાગ્યે સુનાવણી રાખી, ઉમેદવારોને તેમના ટેકેદારો સાથે હાજર રહેવા સમય આપ્યો
- કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ચૂંટણી પંચ સમક્ષ સુનાવણીમાં વકીલો સાથે પહોંચ્યા
- થોડા સમય પછી પાછલા દરવાજેથી કોંગ્રેસ ઉમેદવાર ગાયબ થઈ ગયા
- કોંગ્રેસના વકીલ અને ભાજપના વકીલ રાહ જોતા ચૂંટણી અધિકારીની ઓફિસે બેસી રહ્યા
- બપોરે 1.30 કલાકે ચૂંટણી અધિકારીએ સહિઓમાં વિસંગતતાના આધારે કોંગ્રેસ ઉમેદવાર અને ચાર ડમી ઉમેદવારના ફોર્મ રદ કરતો હુકમ કર્યો
- બસપા, અન્ય 4 નાના પક્ષ તથા ત્રણ અપક્ષ સહિત આઠ ઉમેદવાર હવે ભાજપ સામે મેદાનમાં હતા
- સૌપ્રથમ ત્રણ અપક્ષ ઉમેદવારો 1 – રમેશ બારૈયા, 2 – કિશોર ડાયાણી અને 3 – ભરત પ્રજાપતિ પહોંચ્યા અને ફોર્મ પાછા ખેંચ્યા
- ત્યારબાદ નાની પાર્ટીઓ – (1) સરદાર વલ્લભભાઈ પાર્ટીના અબ્દુલ હમિદ શેખ, (2) અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અજીતસિંહ ઉમટ (3) લોગ પાર્ટીના સોહેલ સલિમ શેખ અને (4) ગ્લોબલ રીપબ્લીક પાર્ટીના જયેશ મેવાડાએ ફોર્મ પાછા ખેંચી લીધા
- બપોરે 2.15 કલાકે બસપાના ઉમેદવાર પ્યારેલાલ બુદ્ધુરામ ભારતી પહોંચ્યા અને તેમણે પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી
- ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બીન હરિફ વિજેતા જાહેર કરાયા
કોંગ્રેસે શું કહ્યું?
ભાજપ ઉમેદવાર દલાલને વિજેતા જાહેર કરવામાં આવે તે પહેલાં, કોંગ્રેસે ચૂંટણી પંચમાં જઈને આ બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી હતી. તેણે ચૂંટણી પંચને આર્ટિકલ 324 હેઠળ સત્તાનો ઉપયોગ કરવા વિનંતી કરી “નિલેશ કુંભાણીનું નામાંકન રદ કરવાના રિટર્નિંગ ઓફિસરના આદેશને રદ કરવા, સુરત લોકસભા મતવિસ્તારમાંથી તેમની ઉમેદવારી પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ; અથવા વૈકલ્પિક રીતે, કોંગ્રેસના બેકઅપ ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન સ્વિકારવા વિનંતી કરી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર હિન્દીમાં પોસ્ટ કર્યું: “સરમુખત્યારશાહીની અસલી ‘સુરત’ (સુરત) ફરી દેશની સામે છે. લોકોનો તેમના નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણને તોડવા તરફનું બીજું પગલું છે.
કોંગ્રેસના સંચાર પ્રભારી જયરામ રમેશે ટ્વિટર પર પોસ્ટ કર્યું: “તમે ઘટનાક્રમ સમજો : સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ ‘ત્રણ ટેકેદારોની સહીઓની ચકાસણીમાં વિસંગતતાઓ’ માટે સુરત લોકસભા માટે @INCIndia ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન ફગાવી કાઢ્યું છે. સમાન આધારો પર, અધિકારીઓએ સુરતમાંથી કોંગ્રેસના બદલીના ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન પણ નકારી કાઢ્યું હતું. કોંગ્રેસ પક્ષ ઉમેદવાર વગર રહી ગયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સિવાય અન્ય તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા. 7 મે, 2024 ના રોજ મતદાનના લગભગ બે અઠવાડિયા પહેલા ભાજપના ઉમેદવારને ‘બિનહરીફ ચૂંટાયેલા’ જાહેર કરવામાં આવ્યા હતા.
રમેશે કહ્યું કે, ભાજપ એટલી “ડરેલી” છે કે, તે 1984 થી અહી સતત બેઠક જીતવા છતાં સુરત લોકસભા ચૂંટણીમાં “મેચ ફિક્સિંગ”નો આશરો લઈ રહી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી, જેમણે ચૂંટણી પંચને મળવા માટે પક્ષના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું, તેમણે પત્રકારોને કહ્યું: “જેમ્સ બોન્ડની ભાષામાં, પ્રથમ વખત ઘટના છે, બીજી વખત સંયોગ છે અને ત્રીજી વખત દુશ્મનની કાર્યવાહી છે. સુરતમાં, કોંગ્રેસના ઉમેદવાર કે જેને ચાર ડમી દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. અચાનક ચારેય ઊભા થયા અને તેમની સહી કરવાનો ઇનકાર કર્યો, તે પણ ચારેય એક સાથે, આ કોઈ સંયોગ નથી. ઉમેદવાર કેટલાય કલાકોથી ગુમ છે. તે આગળ આવ્યા ત્યાં સુધીમાં, અમને જાણવા મળ્યું કે, દરેક અન્ય ઉમેદવારે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.”
સિંઘવીએ કહ્યું: “જો તમારે આ દેશમાં ચૂંટણી નથી જોઈતી અને જો તમારે સુરતને થાળી પર સોંપવું હોય, તો પછી ચૂંટણીનો ડોળ શા માટે કરો છો?. આ સંપૂર્ણ આધીનતામાં ચૂંટણી ન હોવાનો મામલો છે.” ઘણા સ્પર્ધકો અને ઘણા સમર્થકોની લોકશાહી ઇચ્છા.”
કોણ છે મુકેશ દલાલ?
ભાજપે ત્રણ વખત સાંસદ અને કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશના સ્થાને 62 વર્ષીય દલાલને સુરતથી તેના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. તેઓ OBC મોઢવાણિક સમુદાયના દલાલ સુરત શહેર ભાજપના મહામંત્રી અને સુરત મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર પણ છે.
ડીઇઓ પારઘીએ જણાવ્યું હતું કે, તમામ આઠ લોકો ઓફિસમાં આવ્યા હતા અને તેઓને ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. “અમે તેમના વિડિયો નિવેદનો અને તેમની અરજીઓ લેખિતમાં ઉતારી લીધી છે. સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જ બાકી હતા, તેથી નિયમ મુજબ, અમે તેમને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.”
તો સુરત શહેર BSP પ્રમુખ સતીશ સોનાવણેએ તેના ઉમેદવાર પ્યારેલાલ ભારતીનું નામ પાછું ખેંચવામાં ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. સોમવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી.
બીએસપીના સોનાવણેએ દાવો કર્યો હતો કે, પાર્ટીને ત્યારે ખબર પડી જ્યારે તેમના ઉમેદવાર ભારતીએ DEO ને પોતાનો ઉપાડનો પત્ર સુપરત કર્યો. તેણીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું: “ભાજપે ઉમેદવારો પર તેમના ફોર્મ પાછા ખેંચવા માટે દબાણ કરવા માટે તમામ માધ્યમોનો ઉપયોગ કર્યો અને સફળ થઈ.”
તેમણે કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નકારી કાઢવામાં આવ્યા બાદ બસપાને પણ કંઈક એવો જ ડર હતો અને તેથી ભારતીને તેના બાળકો સાથે વડોદરા ખસેડવામાં આવ્યા હતા, તેમને નવો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો અને તેમને તેમનો નિયમિત નંબર સ્વિચ ઓફ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તે ટ્રેક ન કરી શકે. “અમે માનીએ છીએ કે, તેઓએ અમારો મોબાઇલ ફોન ટ્રેક કર્યો અને તેનો નંબર મેળવ્યો.”કોંગ્રેસના નેતાની ઉમેદવારી નકારી કાઢવામાં આવ્યા બાદ બસપાને આમ આદમી પાર્ટીનું સમર્થન મળ્યું હોવાનો દાવો – AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગુજરાતમાં બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે – સોનાવણેએ કહ્યું: “મેં સોમવારે પ્યારેલાલ સાથે છેલ્લે વાત કરી હતી. સવારે 4.30 વાગે અને તેમણે કહ્યું કે, વડોદરામાં તેને જ્યાં રાખવામાં આવ્યો હતો તે જગ્યાએ ઘણા લોકોથી ઘેરાયેલા હતા.
સોનવણેએ જણાવ્યું હતું કે, સોમવારે સવારથી તેઓ ભારતીનો સંપર્ક કરી શક્યા ન હતા ત્યારે તેમની શંકા વધી હતી. “અમે તેમને બધે શોધ્યા. પાછળથી, અમને જાણવા મળ્યું કે પ્યારેલાલ સુરત પહોંચી ગયા હતા, તેમણે સુરતના ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી અને અરજી આપી હતી કે, તેઓ ચૂંટણી લડવા માંગતા નથી, અને તેઓ કોઈ દબાણ હેઠળ નથી.
ભાજપે શું કહ્યું?
ભાજપના દલાલને બાદ કરતાં આઠ ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને લેખિતમાં જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી લડવા માંગતા નથી. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી (DEO) અને જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ પાછળથી દલાલને બિનહરીક્ષ વિજેતા જાહેર કર્યા હતા. ત્યાર બાદ તરત જ ગુજરાત બીજેપીના પ્રમુખ સીઆર પાટીલે પોસ્ટ કર્યું: “સુરતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલું કમળ આપ્યું.”
સુરત બેઠક માટે કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચારના પેપર અગાઉ નામંજૂર થયા હતા. રવિવારે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી વિશેષ સુનાવણીમાં, કોંગ્રેસના ઉમેદવાર અને પક્ષના વિકલ્પના પેપર પણ તેમના દરખાસ્તોની “સહીઓની ચકાસણીમાં વિસંગતતા” ને કારણે નામંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ નવ લોકો મેદાનમાં રહ્યા હતા.
હવે પ્રશ્ન શું થાય છે?
- તો કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારોના ટેકેદારોમાં સહિઓ કોની હતી?
- કોંગ્રેસે શનિવારે હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કેમ ન કરી?
- કલેક્ટર સમક્ષ કેમ કોંગ્રેસ મુકપ્રેક્ષક બની રહી?
- કોંગ્રેસની વાત અલગ મુકીએ તો, અપક્ષ, અન્ય નાના પક્ષ, અને બસપાના ઉમેદવારે કેમ ઉમેદવારી પાછીખેંચી લીધી?
- કોંગ્રેસના ઉમેદવાર બે વખત કેમ કલેક્ટર કચેરીથી અચાનક પાછલા દરવાજેથી ભાગી ગયા?
- કોંગ્રેસ ઉમેદવારે કેમ પોતાના વફાદાર કાર્યકર્તાઓના બદલે સગા, સંબંધી, મિત્રોને ટેકેદાર બનાવ્યા?
- કોંગ્રેસ ઉમેદવારને આવી સલાહ કોને આપી?
- શું આ બધા નાટકીય ખેલ પાછળ ભાજપની રણનીતિ કે પછી કોંગ્રેસનો અંદરનો જૂથવાદ જવાબદાર?





