Gujarat Loksabha Election 2024 | ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ ભાજપે એક લોકસભા સીટ જીતી લીધી છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન સૌપ્રથમ રદ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુરત લોકસભામાંથી આઠ અપક્ષોએ પણ ઉમેદવારી પાછી ખેંચી હતી. આ પછી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા હતા. હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આ અઠવાડિયે ભાજપમાં જોડાઈ શકે છે.
હસ્તાક્ષરમાં ભૂલ જોવા મળી હતી
નિલેશ કુંભાણીને ટેકો આપનાર ટેકેદારોની સહીમાં ભૂલ જોવા મળી હતી. તેને ટાંકીને ચૂંટણી પંચે તેમનું નામાંકન રદ કર્યું હતું. ત્યારબાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને પણ વિજયનું પ્રમાણપત્ર મળ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે પોતાના પ્રભાવથી જોડ તોડ સાથે મુકેશ દલાલને ચૂંટણી જીતાડ્યા છે. કોંગ્રેસે આ બેઠક પર નવેસરથી ચૂંટણીની માંગ કરી છે. આ ઘટનાને લઈને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી છે.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે
ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. ગુજરાતમાં, નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી અને નામાંકન પાછું ખેંચવાની તારીખ 22 એપ્રિલ હતી. સુરત લોકસભા ચૂંટણી માટે કુલ 24 ફોર્મ ભરાયા હતા, 12 રદ થયા હતા, તો 8 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા, અને ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.
આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024: સુરત બેઠક મતદાન પૂર્વે જ ભાજપે જીતી, કોણે ખેલ પાડ્યો? જાણો પૂરો ઘટનાક્રમ
કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ ના શરણે
કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને મળ્યું હતું. અહીં તેમણે માંગણી કરી છે કે, સુરત બેઠક પર ફરીથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે મુખ્ય ચૂંટણી કમિશનરને સુરત બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવા વિનંતી કરી છે.





