(રીતુ શર્મા) ગુજરાતીઓમાં અમેરિકા, લંડન, યુકેમાં સેટલ થવાનો બહુ જ ક્રેઝ છે અને તેની માટે એજન્ટોને લાખો રૂપિયા આપીને ખોટી રીતે ત્યાં જવાનું સાહસ પણ ખેડે છે જો કે દરેક વ્યક્તિને તેમાં સફળતા મળતી નથી. અમેરિકામાં ખોટી રીતે ધુસણખોરી કરીને પ્રવેશવાની કોશિશ કરી રહેલા ગુજરાતીની મોતની ઘટનાથી ફરી ખળભળાટ મચ્યો છે. મેક્સિકોના મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાતના કલોલ વિસ્તારમાં રહેતા બ્રિજકુમાર યાદવનું ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માટે ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી 30 ફૂટ ઉંચી દિવાલ પાર કરતી વખતે તેમનું મોત થયું છે.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે ધૂષણખોરી કરનાર બ્રિજકુમાર વિશે 17 ડિસેમ્બરના રોજ છેલ્લા સમાચાર આવ્યા હતા. તે દિવસે તેની પત્ની પૂજાનો બપોરે 1.30 વાગ્યાની આસપાસ કલોક રહેતા તેમના પરિવાર ફોન આવ્યો અને જણાવ્યું કે “તેમનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.”
“ત્યારબાદ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. ત્યારથી, અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,” એવું ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલના છત્રાલ વિસ્તારમાં રહેતા બ્રિશકુમારના 33 વર્ષીય ભાભી સુશીલાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું.
તિજુઆના ન્યૂઝ વેબસાઇટે 15 ડિસેમ્બરના રોજ અહેવાલ આપ્યો હતો કે સરહદ પાર કરતી વખતે બ્રિજકુમાર યાદવ તેની પત્ની અને પુત્ર સાથે હતો. મેક્સિકો અને અમેરિકાની સરહદ પર બનેલી 30 ફૂટ ઉંચી ટ્રમ્પ વોલ પાર કરતી વખતે બ્રિજકુમાર અને તેનો પુત્ર મેક્સિકો બાજુની જમીન પર જ્યારે તેની પત્ની અમેરિકા બાજુની જમીન ધરતી દિવાલ પરથી પાંચ મીટરની ઉંચાઈ પરથી નીચે પટકાયા હતા. તિજુઆના વેબસાઈટના અહેવાલ અનુસાર “સગીર પહેલાથી જ અમેરિકામાં તેની માતા સાથે રહેતો હતો”.
બ્રિજકુમારના મોટા ભાઈ વિનોદ યાદવના જણાવ્યા અનુસાર, તેમને જાણવા મળ્યું કે પૂજાએ બોલાવતા જ દંપતી તેમના ત્રણ વર્ષના પુત્ર તન્મય સાથે ત્રણ સભ્યોનો પરિવાર મેક્સિકો પહોંચ્યો હતો. આ બંને ભાઈઓ તેમના પરિવાર અને માતા-પિતા સાથે ગાંધીનગર જિલ્લાના છત્રાલ-લુણાસણ રોડ પરના ત્રણ બેડરૂમના ફ્લેટમાં રહેતા હતા.
“મારા ભાઈને મુસાફરીનો ખૂબ શોખ હતો. વીકએન્ડમાં તે અમદાવાદ અને મહેસાણા જતો… વેકેશન અને તહેવારોમાં તે અન્ય શહેરોમાં ફરવા જતો હતો. તેઓ ત્રણ વર્ષ પહેલાં પ્રથમ વખત વિદેશ પ્રવાસે ગયા હતા, તન્મયના જન્મ પહેલાં, દોઢ મહિનાની રજા લઇને ઇન્ડોનેશિયા ગયા હતા,” એવું મૃતક બ્રિજકુમાર યાદવના 40 વર્ષીય મોટાભાઇ વિનોદ યાદવે જણાવ્યુ હતુ..
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, “જો કે તેણે ક્યારેય વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા વ્યક્ત કરી નથી. બ્રિજકુમાર એક ખાનગી ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે રૂ. 15,000ના માસિક પગારે અને પૂજા એક ખાનગી શાળામાં રૂ. 20,000 મહિને શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી.
કલોલના નાયબ પોલીસ અધિક્ષક પી ડી મણવરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યુ કે: “જ્યારે અમે પૂછપરછ કરી, ત્યારે પરિવારે અમને જણાવ્યું કે બ્રિજકુમાર પ્રવાસે જઈ રહ્યા છે અને એક મહિનામાં પાછા આવશે.”
કલોકની પોલીસને અમેરિકા અથવા મેક્સિકોના કોઈપણ સરકારી વિભાગ તરફથી આ ઘટના અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. બ્રિજકુમારને ગેરકાયદેસર અમેરિકામાં ઘુસાડવાનો પ્રયાસ કરનાર આવા કોઇ એજન્ટનીને પણ તેઓ ઓળખ કરી શક્યા નથી. પોલીસ એડીજી (સીઆઇડી ક્રાઇમ) આર. બી. બ્રહ્મભટ્ટ કહે છે, “અમારા માણસો નોકરી પર છે.
વિનોદ યાદવ જણાવે છે કે, ઉત્તર પ્રદેશના ગોંડાના પાઠક પુરવા ગામના વતની છે અને પાંચ દાયકા કરતાં વધારે સમય પહેલાં કલોલમાં સ્થાયી થયા હતા જ્યારે તેમના દાદા અહીંયા નોકરી માટે આવ્યા હતા. બ્રિજકુમારના 66 વર્ષના પિતા દક્ષિણીપ્રસાદ 2016માં BSNLમાંથી ટેકનિશિયન તરીકે નિવૃત્ત થયા ત્યારબાદ તેઓ આ એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. વિનોદ અને સુશીલાને 11 વર્ષનો પુત્ર છે. અને બ્રિજકુમાર અને વિનોદને એક બહેન છે જે ગોંડામાં રહે છે.
ઉત્તર ભારતીય વિકાસ પરિષદના જિલ્લા વિંગના વડા આર. પી. દુબે જણાવે છે કે, “ઉત્તર પ્રદેશમાંથી ગુજરાતમાં સ્થાયી થનારા લોકો આવી રીતે મધ્ય પૂર્વના દેશોમાં જતા હોવાના કિસ્સાઓ નોંધાયા છે, પરંતુ અહીંથી અમેરિકામાં જતા હોવાનો આ પ્રથમ કેસ છે.”
નોંધનિય છે કે, ગત જાન્યુઆરી માસમાં કલોલના ડીંગુચા ગામના બે સગીર સહિત ચાર સભ્યોના ગુજરાતી પરિવારનું ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકા જતી વખતે મોત નીપજ્યું હતું. પોલીસનું કહેવું છે કે આ કેસમાં હજુ તપાસ ચાલુ છે.
બ્રિજકુમારનો ભાઈ ઉત્તરપ્રદેશમાં તેમના સંબંધીઓને આ ઘટના વિશે કેવી રીતે જાણ કરવી તે વિશે મુશ્કેલી અનુભવી રહ્યો છે. પુત્રના મોતના સમાચાર સાંભળી તેની માતા ગુમસુમ થઇ ગઇ છે. બે હાથ જોડીને વિનોદ કહે છે કે, “અમે સમજીએ છીએ કે દરેક વ્યક્તિ બ્રિજ અને તેના પરિવાર વિશે ચિંતિત છે, પરંતુ અમે પણ લાચાર છીએ.”