રાજકોટ આગકાંડ બાદ ગુજરાતમાં વધુ એક ગોઝારી દુર્ઘટના બની છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગતાં થયેલ જાનહાનીમાં 21 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પાંચ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. આ સમગ્ર પ્રકરણમાં કસુરવારોને ઝડપી લેવા માટે પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ગેરકાયદે ફટાકડા ફેક્ટરી માલિક દિપક મોહનાનીની ઈડરથી ધરપકડ કરાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસાની ફટાકડા ફેક્ટરીની દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. સાથે મૃતકોના પરિવારજનોને PMNRFમાંથી 2 લાખ રુપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. બીજી તરફ ગેરકાયદે ફટાકડા ફેક્ટરી કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ ટીમમાં સી.એલ.સોલંકી (DySP ડીસા), વી.જી. પ્રજાપતિ (પીઆઇ, ડીસા રુરલ પોલીસ સ્ટેશન), એ.જી. રબારી (પીઆઇ, એસ.ઓ.જી. બનાસકાંઠા), એસ.બી.રાજગોર (PSI, LCB, બનાસકાંઠા) અને એન.વી. રહેવર (PSI, પેરોલ સ્ક્વોડ બનાસકાંઠા)નો સમાવેશ થાય છે.
ડીસાના ઢુંવા રોડ ઉપર આવેલી ફટાકડા ગોડાઉનમાં આજે મંગળવારે વહેલી સવારે બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઇને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટના ઘટી ત્યારે અંદાજે બાળકો સહિત 20થી વધુ લોકો ઘટના સ્થળે હાજર હોવાની માહિતી સામે આવી રહી છે. કહેવાતા આ ગોડાઉનમાં વગર મંજૂરીએ ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હોવાની તેમજ બોઇલર ફાટ્યું હોવાની ચર્ચાઓ પણ ઉઠી હતી. જોકે એ સાચી હકીકત ન હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ મીડિયાને વિગતો આપતાં જણાવ્યું કે, અહીં એફએસએલની ટીમ હાજર છે. અહીં ફટાકડા બનાવાતા હોય એવા કોઇ પુરાવા નથી. અહીં કોઇ ભીષણ આગ લાગી નથી, પરંતુ કોઇ અજ્ઞાત કારણોસર બ્લાસ્ટ થયો છે. પ્રોપર વેક્યૂમ ન થવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું માની શકાય છે. જેમાં શ્રમિકો દટાયા હોઇ શકે છે. કસૂરવારોને છોડવામાં નહીં આવે તેમજ અહીં કોઇ પ્રકારનું બોઇલર ફાટ્યું હોય એવા કોઇ પુરાવા નથી.
પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધી લીધી છે. દિપક ટ્રેડર્સ નામે ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું. જે દિપક સિંધી અને એમના પિતાના નામે આ હતું. પોલીસે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં જાન ગુમાવનારા શ્રમિકોના પરિવારજનોને 4 લાખ રુપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રુપિયા આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આ દુર્ઘટનાને પગલે જિલ્લા કલેકટર સહિત વહીવટીતંત્રએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
આ ઘટના આજે સવારે બની હતી. ગોડાઉનમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસનો વિસ્તાર જાણે હચમચી ગયો હતો. ઘટનાને પગલે જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્ર પણ દોડી આવ્યું હતું. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે અને મૃતકોની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઇ જવાઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે એમનું પોસ્ટમોર્ટમ કરવું અને ઓળખ કરવી પણ મુશ્કેલ બન્યું છે.
માલિકોના લોભે લીધો શ્રમિકોનો ભોગ
ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે આ ગોઝારી ઘટના અંગે કહ્યું કે, દિપક ટ્રેડર્સ નામે આ ગોડાઉનમાં ફટાકડા સ્ટોરેજ કરવા માટે લાયસન્સ લીધું હતું. જે 31 ડિસેમ્બરે પૂર્ણ થયું હતું જે રિન્યૂ કરવા માટે અરજી કરવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે 12 માર્ચે સ્થળ મુલાકાત લીધી હતી. જોકે સુરક્ષાને લગતી પુરતી વ્યવસ્થા ન જણાતાં નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. જેને લીધે લાયસન્સ રિન્યૂ થયું ન હતું. પરંતુ લોભ લાલચે ગોડાઉન શરુ કરાયુ હતું. જ્યાં ગોઝારી ઘટનામાં શ્રમિકોના મોત નીપજ્યાં છે.
આગ કેવી રીતે લાગી?
મળતી માહિતી મુજબ આ ફટાકડા ગોડાઉનમાં કોઇ કારણોસર વિસ્ફોટ થયો હતો. જેને પગલે ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું, આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે અહીંની દિવાલ પણ ધરાશાયી થવા પામી છે. ફટાકડાના ગોડાઉનમાં બોઇલર હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જોકે બાદમાં પોલીસે આ મામલે ખુલાસો કર્યો હતો કે અહીં બોઇલર હોવાના પુરાવા નથી.
શ્રમિકો બે દિવસ પહેલા જ આવ્યા
મળતી માહિતી મુજબ આ ગોડાઉનમાં કામ અર્થે શ્રમિકો બે પૂર્વે જ અહીં આવ્યા હતા. આ શ્રમિકો મધ્ય પ્રદેશના હાન્ડાના વતની હતા. શ્રમિકોની સાથે અહીં એમના પરિવારના લોકો પણ રહેતા હતા. આ દુર્ઘટનામાં શ્રમિકોની સાથે એમના પરિવારજનો પણ ભોગ બન્યા છે.
લાયસન્સ વગર ગેરપ્રવૃત્તિ
જિલ્લા કલેકટર મિહિર પટેલે આ ઘટના અંગે જણાવ્યું કે, પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી મુજબ દિપક ટ્રેડર્સ ના નામે છે. ફટાકડા સ્ટોરેજ માટે આ લાયસન્સ અપાયું હતું. જે 31 ડિસેમ્બરે પૂર્ણ થયું છે. એમણે અરજી કરી હતી. પરંતુ પુરતી વ્યવસ્થા ન હોવાથી લાયસન્સ અપાયું ન હતું. આમ છતાં આ શખ્સોએ ગેરકાયદેસર રીતે અહીં ફટાકડા સ્ટોરેજ કર્યા હોવાનું લાગે છે.
ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી
જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઇએ – સાંસદ ગેની બેન ઠાકોર
સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં આ ઘટના અંગે સરકારને જવાબદાર ઠેરવતાં કહ્યું કે, નિર્દોષ લોકોને શાંતિ મળે એવી પ્રાર્થના કરુ છું. રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી વખતે શું ધ્યાન રાખ્યું એ પણ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ. રાજ્ય સરકારે જો રાજકોટ બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. હું અપેક્ષા રાખું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આરસીસી સ્લેબ તૂટી પડ્યો
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે એએનઆઇ સાથે વાત કરતાં જણાવ્યું કે, આજે સવારે અંદાજે પોણા દસ વાગ્યાના અરસામાં ડીસાના ઢૂવામાં એક પ્રચંડ વિસ્ફોટ થયાના સમાચાર મળ્યા તો તરત જ ફાયર ફાઇટર ટીમને રવાના કરી એમણે આગને કાબુમાં લીધી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનો આરસીસી સ્લેબ તૂટી નીચે પડી ગયો હતો. નીચે કોઇ દટાયેલું છે કેમ એ માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.