Gujarat Monsoon 2024 | ગુજરાત ચોમાસું 2024 : રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કેટલો વરસાદ પડ્યો? જળાશયોની સ્થિતિ શું છે?

Gujarat Monsoon 2024 : ગુજરાતમાં ચોમાસુ 2024 ની સિઝનનો 55 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે સાત તાલુકામાં ખુબ ઓછો વરસાદ પડ્યો છે. તો જોઈએ હાલમાં રાજ્યના ડેમ જળાશયોની સ્થિતિ કેવી છે.

Written by Kiran Mehta
July 29, 2024 15:47 IST
Gujarat Monsoon 2024 | ગુજરાત ચોમાસું 2024 : રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કેટલો વરસાદ પડ્યો? જળાશયોની સ્થિતિ શું છે?
ગુજરાત ચોમાસુ સિઝન 2024 સ્થિતિ

Gujarat Monsoon 2024 : ગુજરાતમાં ચોમાસું 2024 જામેલુ છે. રાજ્યમાં તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 7 તાલુકાઓ જ માત્ર એવા છે જ્યાં 50 મીમી થી ઓછો વરસાદ નોંધાયો છે. આ સિવાયના તમામ તાલુકાઓમાં સારો વરસાદ જોવા મળ્યો છે. તો જોઈએ રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. અને જળાશયોની સ્થિતિ કેવી છે.

ગુજરાત ચોમાસું 2024 : રાજ્યમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો?

ગુજરાતમાં ચોમાસુ 2024 આજે સવાર 6 વાગ્યા સુધીમાં નો સરેરાશ કુલ 493.82 મીમી વરસાદ નોંધાયો. એટલે કે 55.93 ટકા વરસાદ પડી ચુક્યો છે. જો છેલ્લા 3 વર્ષના વરસાદના આંકડાની વાત કરીએ તો, 2021 માં ચોમાસાની સિઝનનો 827.27 મીમી કુલ 98.48 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2022 માં 1037.88 મીમી કુલ 122.09 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે 2023 માં 948.06 મીમી 108.16 ટકા સિઝનનો વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસુ 2024 ના તાલુકા પ્રમાણે વરસાદની વાત કરીએ તો, 51 થી 125 મીમી જ વરસાદ નોંધાયો હોય તેવા 7 તાલુકાઓ છે, જ્યારે 126 થી 250 મીમી વરસાદ નોંધાયો હોય તેવા 76 તાલુકા, 251-500 મીમી વરસાદ નોંધાયો હોય તેવા 91 તાલુકા, તો 501 થી 1000 મીમી વરસાદ નોંધાયો હોય તેવા 43 તાલુકાઓ છે, જ્યારે 1000 મીમી થી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 34 તાલુકાઓનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો, 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 110 તાલુકામાં 1 થી 50 મીમી, 05 તાલુકામાં 51 થી 100 મીમી, 01 તાલુકામાં 101 થી 150 મીમી વરસાદ જોવા મળ્યો છે.

રાજ્યમાં ડેમની સ્થિતિ કેવી? 52 જળાશયો હાઈએલર્ટ પર

રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,78,286 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64,362 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં 23,486 ક્યુસેક, ઉકાઈમાં 36,307 ક્યુસેક, દમણગંગામાં 7,018 ક્યુસેક, કડાણામાં 6,674 ક્યુસેક, પાનમમાં 6,648 ક્યુસેક અને હડફમાં 5500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 30 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 36 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141 માં 50.88 ટકા, કચ્છના 20 માં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17 માં 37.29 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

આજે ઉત્તર ગુજરાતમાં ભારે મેઘ મહેર

રાજ્યમાં આજે મેઘરાજાની ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર પધરામણી જોવા મળી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ના બપોર 2 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, સૌથી વધુ સાબરકાંઠાના પ્રાતિંજમાં 165 મીમી એટલે કે, સાડા છ ઈંચ વરસાદ જોવા મળ્યો છે. આ સિવાય મહેસાણાના વિસનગરમાં 154 મીમી, મહેસાણા શહેરમાં 138 મીમી, વિજાપુરમાં 124 મીમી વરસાદ નોંધાયો છે. તો મહિસાગરના લુણાવાડામાં 118 મીમી, બનાસકાંઠાના વડગામમાં 115 મીમી, સાબરકાંઠાના હિંમતનગરમાં 114 મીમી, તલોદમાં 109 મીમી, અરવલ્લીના મોડાસામાં 107 મીમી,

આ પણ વાંચોભારત હવામાન : મહારાષ્ટ્રમાં ભારે વરસાદની જનજીવન અસ્તવ્યસ્ત, કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં ભારે ગરમી, જુઓ – ક્યાં કેવી સ્થિતિ?

તો મહેસાણાના જોટાણામાં 97 મીમી, ગાંધીનગરના માણસામાં 94 મીમી, અરવલ્લીના મેઘરજમાં 92 મીમી, મહેસાણાના વડનગરમાં 75 મીમી, ઊંઝામાં 71 મીમી, પાટણના સાંતલપુરમાં 63 મીમી, મહેસાણાના બેચરાજીમાં 62 મીમી, વલસાડના કપરાડામાં 61 મીમી, બનાસકાંઠાના પાલનપુરમાં 59 મીમી, મહિસાગરના ખાનપુરમાં 58 મીમી, અરવલ્લીનાબાયડ અને ભીલોડામાં 57-56 મીમી, વડોદરામાં 51 મીમી, ગાંધીનગરના દહેગામમાં 49 મીમી, તો આ સિવાય 169 તાલુકામાં 2 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો – Gujarat Weather Update : આજે રાજ્યમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 193 તાલુકામાં વરસાદ, ઉત્તર ગુજરાતના મેઘાની તોફાનિ બેટિંગ

અમદાવાદ અને રાજકોટમાં ખુબ જ ઓછો વરસાદ

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પરંતુ રાજ્યના બે મુખ્ય શહેરમાં ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં ચાલુ વર્ષે સરેરાશ 50% ઓછો વરસાદ નોંધાયો છે. જો અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈના અંત સુધીમાં 20 થી 22 ઇંચ વરસાદ નોંધાતો હોય છે પરંતુ આ વખતે માત્ર 12 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં દર વર્ષે સિઝનનો સરેરાશ 40 ઇંચ વરસાદ નોંધાય છે પણ ચાલુ વર્ષે સિઝનનો ઓછો વરસાદ નોંધાય તેવી સિથિતિ સર્જાઈ છે. આ બાજુ રાજકોટની વાત કરીએ તો, રાજકોટમાં પણ માત્ર 15 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં સીઝનનો 40-45 ઇંચ થી પણ વધુ વરસાદ નોંધાતો હોય છે પણ આ વખતે ઓછા વરસાદથી ચિંતા નો માહોલ સર્જાયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ