Gujarat Rain: ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જોરદાર જમાવટ પછી હવે મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારે 24 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 229 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બોરસદમાં 14 ઇંચ અને વડોદરામાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 22 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. આણંદના બોરસદમાં 354 મીમી, વડોદરા અને તિલકવાડામાં 213 મીમી, પાદરા 206 મીમી, ભરૂચ 156 મીમી, નાંદોદ 146 મીમી, શિનોર 141 મીમી, ઝઘડિયા અને અંકલેશ્વર 135 મીમી, હાંસોટમાં 130 મીમી, મહુવા 120, સંખેડા 117 મીમી, હાલોલ 114 મીમી, વાગરા 113 મીમી, ડભોઈ 111 મીમી, માંગરોળ 110 મીમી, કરજણ 108 મીમી, બારડોલી 106 મીમી, વાલીયા 103 મીમી, ખંભાત 102 મીમી અને પલાસણમાં 101 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત ડાંગ આહવા 49 મીમી, રાણાવાવ, મહેમદાબાદ 48 મીમી, દેવગઢબારિયા અને વાપી 47 મીમી, કુકરમુંડા 46 મીમી, માંડવી અને સુરતના ચોયાર્સીમાં 45 મીમી, જામુઘોડા 43 મીમી, જલાલપોર અને ધરમપુરમાં 42 મીમી, માણસા, રાજુલા, કામરેજ, સુરત શહેર અને કપરાડામાં 41 મીમી, સાવલી અને શુબીરમાં 40 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 150 તાલુકામાં 1 થી લઇને 38 મીમી સુધી વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં વરસાદે જમાવટ કરી છે. અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બપોરે બે વાગ્યાથી શરૂ થયેલો ધીમીધારનો વરસાદ મોડી રાત સુધી વિવિધ વિસ્તારોમાં પડ્યો છે. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં મણિનગર અને વટવામાં બે ઇંચ જેટલો પડ્યો છે. જ્યારે રખિયાલ, ગોમતીપુર, ઓઢવ, રામોલ સહિતના વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. પશ્ચિમ અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
આ પણ વાંચો – સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર, દ્વારકા અને માંડવીમાં 6-6 ઇંચ વરસાદ
ચોમાસાની સિઝન દરમિયાન અત્યારસુધીમા રાજ્યના 7 જિલ્લાઓમાંથી કુલ 4238 નાગરિકોનું સ્થળાંતર તથા 535 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમો તૈનાત કરાઇ છે તથા એનડીઆરએફની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
રાજ્યના 206 ડેમ પૈકી 51 ડેમ હાઇ એલર્ટ પર
રાજ્યના વિવિધ ડેમમાં પાણીની સ્થિતિ અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એ જણાવ્યું હતુ કે હાલ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા લિ. હેઠળ 182444 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના 54.61 ટકા છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 2,36,849 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 42.28 ટકા છે.
કુલ ક્ષમતાના 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 46 , 70 થી 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 25, 50 થી 70 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 41, 25 ટકા થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા 69 છે. રાજ્યના 206 ડેમ પૈકી 51 ડેમને હાઇ એલર્ટ પર 8 ડેમને એલર્ટ અને 12 જેટલા ડેમને વોર્નીંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે.





