Gujarat Rain: ગુજરાતમાં શુક્રવારના રોજ વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે 26 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપીના ઉચ્છલમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. શુક્રવારે ફક્ત ત્રણ તાલુકામાં જ એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપીના ઉચ્છલમાં 55 મીમી, કુકરમુંડામાં 36 મીમી, નિઝરમાં 25 મીમી, શુબીર 24 મીમી, સોનગઢ 20 મીમી, શેહરા 18 મીમી, ધંધુકા અને લુણાવાડામાં 16 મીમી, નડીયાદ અને સાગબારામાં 13 મીમી, વાસોમાં 12 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 64 તાલુકામાં 1 થી લઇને 8 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન 14,552 નાગરિકોને સ્થળાંતરીત કરાયા
રાજ્યભરમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચી છે. જેને ધ્યાને લઈ છેલ્લા બે દિવસમાં કુલ 14,552 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. જેમાં સુરત જિલ્લામાં 3,707 નાગરિકો, નવસારીમાં 2,978, વડોદરામાં 1,877, પોરબંદરમાં 1,650 જુનાગઢમાં 1,364, ભરૂચમાં 1,017, તાપીમાં 918, આણંદમાં 604, દેવભુમિ દ્વારકામાં 304, વલસાડમાં 150, પંચમહાલમાં 56 જ્યારે નર્મદા જિલ્લામાં 17 નાગરિકોને સ્થળાંતરીત કરાયા છે.
આ પણ વાંચો – હવે મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા, બોરસદમાં 14 ઇંચ, વડોદરામાં 8.5 ઇંચ વરસાદ
1,617 નાગરિકોનું રેસ્ક્યું કરાયું
આ ઉપરાંત ભારે વરસાદના કારણે પોતાના વિસ્તારમાં ફસાઈ ગયેલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કુલ 1,617 નાગરિકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે. જેમાં આણંદ જિલ્લામાં 540 નાગરિકો, સુરતમાં 353, વડોદરામાં 262, જામનગરમાં 151, પોરબંદરમાં 121, તાપીમાં 106, દેવભુમિ દ્વારકામાં 59, ભરૂચમાં 11 તથા નવસારી અને કચ્છમાં 7 નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.





