Gujarat Monsoon Rain IMD Forecast Update: ચોમાસાના વરસાદની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ઉનાળાના ભયંકર તડકા અને ગરમીથી લોકો પરેશાન છે. હાલ ઉત્તર અને મધ્ય ભારતમાં ભયંકર ગરમી પડી રહી છે તો દક્ષિણ ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ચોમાસા વરસાદ વરસી રહ્યો છે. ગત દિવસે એટલે કે રવિવાર, 2 જૂને કેરળને અડીને આવેલા બેંગલુરુમાં રેકોર્ડ બ્રેક ચોમાસાનો વરસાદ પડ્યો હતો. ચોમાસાનો વરસાદ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્ય છે. જાણો ગુજરાત સહિતના ઉત્તર ભારતમાં ચોમાસું ક્યારે બેસશે, ઉનાળાની ગરમીથી ક્યારે રાહત મળશે
ચોમાસું ધીમે ધીમે દક્ષિણ ભારતથી ઉત્તર ભારત તરફ આગળ વધશે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, યુપી, બિહાર અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં લોકો હાલ ઉનાળાની ભયંકર ગરમીથી ત્રસ્ત છે. આ દરમિયાન હવામાન વિભાગે તેની સત્તાવાર વેબસાઇટ પર ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ચોમાસાના વરસાદના આગમનનો સંપૂર્ણ સમયપત્રક આપ્યો છે. તમારા રાજ્યમાં કઈ તારીખે વરસાદ પડશે તેની વિગતો આપવામાં આવી છે.
કેરળ અને કર્ણાટકમાં ચોમાસાનો વરસાદ શરૂ
આ વર્ષે દેશમાં ચોમાસું અપેક્ષા કરતા વહેલું આવી ગયું. હવામાન વિભાગે 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. પરંતુ તે એક દિવસ પહેલા એટલે કે ગુરુવાર, 30 મેના રોજ ભારતમાં પ્રવેશ્યું હતું. બેંગલુરુમાં પાછલા બે દિવસથી રેકોર્ડ બ્રેક ચોમાસાનો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વરસાદે છેલ્લા 133 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જૂનમાં કોઈપણ એક દિવસનો 133 વર્ષ જૂનો રેકોર્ડ 101.6 મીમીનો છે, પરંતુ છેલ્લા બે દિવસમાં બેંગ્લોરમાં સતત 140.7 મીમી વરસાદ નોંધાયો છે. આનાથી જૂન મહિનામાં એક દિવસમાં સરેરાશ 110.3 મીમી વરસાદનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે બેંગલુરુ સહિત કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

5 જૂન – ક્યાં વરસાદ પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5-6 જૂને ગોવાના પણજી, કર્ણાટકના બેલગામ, ઉત્તરા કન્નડ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. અનંતપુર, તિરુપતિ સહિત આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં પણ તેની અસર જોવા મળશે.
મહારાષ્ટ્રમાં ક્યારે ચોમાસું બેસશે
હવામાન વિભાગ અનુસાર 10 થી 11 જૂનના રોજ મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ચોમાસું આવી શકે છે. ઉપરાંત અમરાવતી, ગુંટુર, ગોદાવરી સહિત આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે
હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન આસપાસ ચોમાસું દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં પહોંચી શકે છે.

આઈએમડી અનુસાર 20 થી 25 જૂન વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થઇ શકે છે. આ દરમિયાન, મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ અને લદ્દાખમાં ચોમાસાના વરસાદની સંભાવના છે. 25 જૂન સુધીમાં ગુજરાત, રાજસ્થાન, ઉત્તરી એમપી, પશ્ચિમ યુપી, હિમાચલ, જમ્મુ અને લદ્દાખના વિસ્તારોમાં ચોમાસું બેસી શકે છે.
આ પણ વાંચો | ચોમાસું કેરળ પહોંચ્યું, આ સિઝનમાં કયા રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે
30 જૂન સુધી દિલ્હી, પંજાબમાં વરસાદ શરૂ થશે
30 જૂન સુધીમાં ચોમાસું રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં પ્રવેશ કરશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને જમ્મુના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડશે. અને 5 જુલાઇ સુધીમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લેશે.





