/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/heavy-rain-in-gujarat.jpg)
ગુજરાતમાં ભારે વરસાદ - Express photo
Gujarat Monsoon Rain Update News: ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. સાતમ આઠમના તહેવાર પર રાજ્યભરમાં ભારે વરસાદ અને અમુક સ્થળે પુર જેવી સ્થિતિના પગલે લોકો ઘરમાં પુરાઇ રહેવા મજબૂર છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.
ગુજરાત માં વરસાદ વિશે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મ્યુન્સિપલ કમિશ્નરોને આદેશ આપતા જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.
તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરશ્રીઓને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું.
ગુજરાતમાં 17827 લોકોનું સ્થળાંતર, 1653 લોકોનું રેસ્ક્યુ
ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આજે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી એ પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવા ની બાબત પણ અગ્રતા આપવા સૂચના આપી હતી. આ હેતુસર NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-Rainfall-33.jpg)
રાજ્યમાં અત્યાર સુધીમાં 17827 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.
24 કલાકમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ વરસાદ
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ મેળવી હતી. તદ અનુસાર સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૪૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ ૬૩.૩૬ મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે. આ ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં ૩૫૬ મીમી નોંધાયો છે.સોમવારે, ૨૬ ઓગસ્ટના સવારે ૬ થી ૧૨ વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ ૧૫૭ મિ.મી. વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં સીઝનનો સરેરાશ 91.88 વરસાદ પડ્યો
ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં એકંદરે સારો વરસાદ પડ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ ૯૧.૮૮ ટકા વરસાદ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી.
રાજ્યમાં 72 જળાશયો હાઈ એલર્ટ પર, 7 નદીઓ ઓવરફ્લો
ભારે વરસાદથી રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૧૦૦% ભરાઈ ગયા હોય તેવા ૫૯ જળાશયો છે. ૭૨ જળાશયો હાઈ એલર્ટ પર અને ૨૨ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા ૯ માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને ૭ નદીઓ ઓવરફ્લો થઈ છે.
સરદાર સરોવર ડેમ 88.74 ટકા ભરાયો
ગુજરાત સહિત અને ઉપરવાસમાં સારા વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પણ પાણીની જંગી આવક થઇ છે. સારા વરસાદથી સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૮૮.૭૪% એટલે કે ૨,૯૬,૪૫૯ MCFT પાણીનો જથ્થો છે.
યુદ્ધના ધોરણે કામગીરી કરવા CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ
મુખ્યમંત્રીશ્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
સમગ્ર રાજ્યમાં ૭૦૦૯ ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી ૬૯૭૭ ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. એટલું જ નહીં ૬૦૯૦ વીજ પોલને થયેલા નુકસાનમાંથી ૫૯૬૧ રીપેર કરી દેવાયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Monsoon-2024.jpg)
મુખ્યમંત્રીરીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.
રાજ્યમા 523 રોડ રસ્તા બંધ
ગુરજરાતમાં ભારે વરસાદથી નદી તળાળની જળ સપાટી વધી છે. પરિણામ વાહન વ્યવહારને અસર થઇ છે. ભારે વરસાદ અને પુરથી રોડ રસ્તાને નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં હાલ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને કુલ 523 માર્ગો બંધ છે.
ગુજરાત માટે 2 - 3 દિવસ ભારે, વરસાદ વિશે રેડ એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 - 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી.
હવામાન વિભાગે અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપ્યું છે. તદનુસાર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરો ને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી , વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકો ના કરવામાં આવેલા સ્થળાંતર ની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો |આણંદના બોરસદમાં આભ ફાટ્યું, બે કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો, બે વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ
સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સુચનાઓ આપી હતી. તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો NDRF હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us