Gujarat Mantri Mandal 2025: ગુજરાતમાં દિવાળી પૂર્વે મંત્રી મંડળની સાફ સફાઈ કરવામાં આવી છે અને નવું મંત્રી મંડળ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત માત્ર છ મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે અને 10 મંત્રીઓને પડતા મુકાયા છે. જાહેર કરાયેલા નવા મંત્રી મંડળમાં 19 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ બે વર્ષ બાકી છે ત્યારે મંત્રી મંડળમાં કરાયેલ ફેરફાર સરકાર અને સંગઠન જનતામાં પોતાની પકડ ઢીલી પડી રહી છે. અધ વચ્ચે ગુજરાત મંત્રી મંડળનું વિસ્તરણ કેમ કરવું પડ્યું એ વિશેના કારણો અને વિશ્વેષણ જાણીએ.
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ કેમ કરવું પડ્યું? મુખ્ય રાજકીય કારણો
ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ જે રીત થયું છે તેના મૂળમાં આગામી રાજકીય લક્ષ્યો અને વિપક્ષના વધતા પડકારો રહેલા છે. આ ફેરબદલ પાછળના મુખ્ય રાજકીય કારણો.
ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી જાતિવાદ વધતો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વર્તમાન સરકારમાં સેટ કરાયેલા સમીકરણમાં ફેરબદલને ઘણો અવકાશ હોવાથી એનું યોગ્ય સંતુલન કરવા માટે મંત્રીમંડળ વિસ્તરણ કરવામાં આવ્યું હોઇ શકે છે. રાજ્યમાં સૌથી મોટો વોટ શેર ધરાવતા ઓબીસી સાથે અન્યાય થઇ રહ્યો હોવા અંગે ઉઠી રહેલા સૂર સાથે તાલ મિલાવવાનો આ પ્રયાસ છે.
સૌરાષ્ટ્રનું મહત્ત્વ: સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો છે. આ વિસ્તારના મજબૂત નેતાઓને સ્થાન આપીને પ્રાદેશિક અસંતોષને દૂર કરવાનો આ પ્રયાસ. જેને પગલે નવા મંત્રી મંડળમાં કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારના નવ મંત્રીઓને સમાવાયા છે.
વિસ્તાર નવા મંત્રી ઉત્તર ગુજરાત 04 મધ્ય ગુજરાત 07 દક્ષિણ ગુજરાત 06 કચ્છ સૌરાષ્ટ્ર 09
જાતિગત સમીકરણ: પાટીદાર, ઓ.બી.સી. (ઠાકોર, કોળી) અને આદિવાસી સમુદાયોમાંથી અસરકારક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા પ્રયાસ કરાયો છે. આગામી ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાતિગત સમીકરણો બેસાડાયા છે. જેમાં ગુજરાત નવા મંત્રી મંડળમાં ઓબીસીને વધુ પ્રાધાન્ય અપાયું છે. બીજા ક્રમે પાટીદારનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાય છે.
મંત્રી સંખ્યા ઓબીસી 08 પાટીદાર 07 ST 04 SC 03 ક્ષત્રિય 02 અન્ય 02
આપ અને કોંગ્રેસ ફેક્ટર (AAP & Congress Effect): રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સક્રિય થઇ રહ્યા છે એ જોતાં એની અસરને ડામવા માટે અને જનતામાં સરકારની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયાસ.
ચૂંટણી અને ગુડ ગવર્નન્સ
- મંત્રીમંડળનું વિસ્તરણ એ આગામી ચૂંટણી પહેલાં સંગઠનને ‘ફાઇટિંગ મોડ’ માં લાવવાનો એક પ્રયાસ છે. નબળા પ્રદર્શનવાળા વિસ્તારો પર ફોકસ કરાયું છે.
- ગુડ ગવર્નન્સનો સંદેશ આપવા પ્રયાસ પણ કહી શકાય. નબળો વહીવટ અથવા ભ્રષ્ટાચારના આરોપો ધરાવતા મંત્રીઓને દૂર કરીને, સરકાર ‘સ્વચ્છ અને સક્ષમ શાસન’ નો મજબૂત રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ.
વિપક્ષને સંદેશ: કોંગ્રેસમાંથી આવેલા અને મજબૂત જનાધાર ધરાવતા અર્જુન મોઢવડિયાને મંત્રીપદ આપવામાં આવ્યું છે. જેનો સીધો અર્થ વિપક્ષી પાર્ટીના અસંતુષ્ટ નેતાઓ માટે છે કે જો તમે બહોળો જનાધાર ધરાવતા હશો તો અહીં તમે મોટું પદ મેળવી શકો છો.
આંતરિક અસંતોષ અને ડેમેજ કંટ્રોલ
- ભારતીય જનતા પાર્ટી શિસ્ત સાથે વણાયેલી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના મેન્ડેટ ચીંથરેહાલ જોવા મળ્યાના કિસ્સા છે.
- પક્ષમાં આંતરિક અસંતોષ અને જૂથબંધી સપાટી પર ઉપસી રહી છે જેને ડામવાના ભાગરુપે મંત્રી મંડળનું વિસ્તરણ એક મહત્વનું પગલું છે.
- વરિષ્ઠ નેતાઓ અને વર્ચસ્વ ધરાવતા નેતાઓને એમના કદ મુજબ સમાવી એક રીતે ડેમેજ કંટ્રોલ કરાયું છે.
આપ (AAP) પડકાર: સુરત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના ઉદયને ધ્યાનમાં રાખીને, તે વિસ્તારોમાંથી નવા અને સક્ષમ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન અપાયું.
રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસનું વર્ચસ્વ ક્યાં વધી રહ્યું છે?
ગુજરાતમાં મુખ્ય વિપક્ષી દળો – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ, અસર આ ક્ષેત્રોમાં જોવા મળી છે:
આમ આદમી પાર્ટી (AAP)નું વર્ચસ્વ:
સુરત અને દક્ષિણ ગુજરાત (સ્થાનિક ચૂંટણી): 2021 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAP એ 27 બેઠકો જીતીને વિપક્ષનું સ્થાન મેળવ્યું, જે ભાજપ માટે મોટો આંચકો હતો.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો: 2022 ની વિધાનસભા ચૂંટણીમાં AAP એ સૌરાષ્ટ્રના ગ્રામ્ય અને આદિવાસી બેલ્ટમાં જેતપુર, ગારિયાધાર અને આસપાસના વિસ્તારોમાં સારી એવી પકડ.
આદિવાસી બેલ્ટ: AAP એ આદિવાસી બેઠકોમાં (ડેડીયાપાડા) અસરકારક પ્રવેશ કર્યો, જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો.
કોંગ્રેસનું વર્ચસ્વ:
ઉત્તર ગુજરાત: ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો પરંપરાગત મજબૂત આધાર રહ્યો છે, બનાસકાંઠા વિસ્તારમાં કોંગ્રેસી નેતા ગેનીબેન ઠાકોરનું ઘણું પ્રભુત્વ છે.
આંતરિક સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો: કોંગ્રેસ હજુ પણ આંતરિક સૌરાષ્ટ્રના અમુક ગ્રામીણ અને ખેડૂત બહુલ વિસ્તારોમાં પોતાનો મજબૂત રાજકીય આધાર જાળવી રાખે છે.
ગઠબંધન: ગત લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ અને AAP એ ગુજરાતની ભરૂચ અને ભાવનગર જેવી બે બેઠકો પર ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધન એ સૂચવે છે કે વિપક્ષ ભાજપને પડકાર આપવા માટે ચોક્કસ બેઠકો પર પોતાની તાકાત કેન્દ્રિત કરી શકે છે.
મંત્રીમંડળનું વિસ્તરણ એ સત્તાધારી પક્ષ દ્વારા આંતરિક ડાયનેમિક્સ અને બાહ્ય પડકારોને પહોંચી વળવા માટે લેવાયેલું એક વ્યૂહાત્મક પગલું છે. ખાસ કરીને જ્યાં વિપક્ષી પક્ષોએ થોડી પણ અસર બતાવી છે, તેવા વિસ્તારોના નેતાઓને મંત્રીપદ આપીને પોતાનો જનાધાર મજબૂત કરવા ભાજપનો પ્રયાસ છે.
આ પણ વાંચો: ગુજરાત નવા મંત્રી મંડળના મંત્રીઓ કેટલું ભણેલા છે? વિગતો જાણો