પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે, ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની અદાલતે બુધવારે તેમને 1996ના ડ્રગ-પ્લાન્ટિંગના કેસના ગુનાઓમાં દોષિત ઠેરવ્યા છે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત પટેલે જણાવ્યું હતું કે, એડિશનલ સેશન્સ જજ જે.એન. ઠક્કરની કોર્ટે સજાની માત્રા અંગે ફરિયાદ તેમજ બચાવ પક્ષની સુનાવણી કરી હતી અને ગુરુવારે (આવતીકાલે) આ મામલે ચુકાદો સંભળાવવાની અપેક્ષા છે.
ફરિયાદ પક્ષે વધુમાં વધુ 20 વર્ષની સજાની દલીલ કરી
ભટ્ટ પર NDPS એક્ટ, 58 (1) હેઠળ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 27A (ગેરકાયદેસર હેરફેર અને ગુનેગારોને ધિરાણ આપવા માટેની સજા), 29 (ગુના અને ગુનાહિત ષડયંત્ર માટે ઉશ્કેરણી) ની કલમ 21(c) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, આ સિવાય ભારતીય દંડ સંહિતાની કલમ 465 (બનાવટી), 471 (બનાવટી દસ્તાવેજનો ઉપયોગ), 167 (જાહેર સેવક દ્વારા ખોટા દસ્તાવેજ બનાવવા, નુકસાન પહોંચાડવાના હેતુથી), 204 (કોઈપણ દસ્તાવેજ છુપાવવા અથવા નાશ કરવા), 343 (ખોટા દસ્તાવેજ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તો, 120B (ગુનાહિત કાવતરું) અને 34 (સામાન્ય ઇરાદાને આગળ વધારવા માટે અનેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ કૃત્યો) સહતની કલમો નોંધવામાં આવી છે.
ભટ્ટ એક કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા હતા, જ્યાં 1996 માં પાલનપુરની એક હોટલમાં રાજસ્થાનના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની 1.15 કિલો અફીણ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ભટ્ટ તે સમયે જિલ્લા પોલીસ અધિક્ષક હતા અને આઈબી વ્યાસ ઈન્સ્પેક્ટર હતા. તે સમયે તે પાલનપુરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં સહઆરોપી હતા. વ્યાસને 2021 માં સરકારી ગવાહ બનાવવામાં આવ્યા હતા.
પ્રોસિક્યુશનનો આરોપ છે કે, ભટ્ટે “અન્ય સહ-આરોપીઓ” સાથે મળીને રાજસ્થાનના પાલીના રહેવાસી રાજપુરોહિતને NDPS એક્ટ હેઠળ સજાપાત્ર અફીણ રાખવાના ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.
પોલીસે ભૂલ સ્વીકારી
જપ્તી બાદ, વ્યાસ દ્વારા રાજપુરોહિત સામે પાલનપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 17 હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. જો કે, આખરે વ્યાસ દ્વારા સીઆરપીસીની કલમ 169 (પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ છોડી દેવા) હેઠળ એક અહેવાલ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સ્વીકારવામાં આવ્યુ હતુ કે, હોટલના રૂમમાં રહેનાર વ્યક્તિ રાજપુરોહિત ન હતો. તે મુજબ રાજપુરોહિતને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. પોલીસે આ કેસમાં ‘એ’ સમરી રિપોર્ટ પણ દાખલ કર્યો હતો.
ઓક્ટોબર 1996 માં રાજપુરોહિતે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ રજૂ કરી ભટ્ટ, વ્યાસ, પાલનપુરના અન્ય પોલીસ અધિકારીઓ, તથા જે હોટેલમાંથી અફીણ જપ્ત કરવામાં આવ્યું હતું તે હોટલના માલિક અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ આરઆર જૈન પર રાજપુરોહિતને ખોટી રીતે ફસાવવાનો આરોપ મૂક્યો હતો.
રાજપુરોહિતે દાવો કર્યો હતો કે, ભટ્ટે તેમને પાલીના વર્ધમાન માર્કેટમાં એક દુકાનને લઈ પૂર્વ ન્યાયાધીશના આદેશ પર તેને આ કેસમાં ફસાવ્યો હતો, જે તેમને અને અન્ય વ્યક્તિને ભાડે આપવામાં આવી હતી અને જજના સંબંધીની માલિકીની હતી. આ મામલે નવેમ્બર 1996માં, પાલીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં 17 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
આ મામલો 2018 સુધી સ્થગિત હતો
ગુજરાત હાઈકોર્ટે એપ્રિલ 2018 માં પાલનપુર એફઆઈઆરની તપાસ ગુજરાત સીઆઈડી અધિકારીઓની વિશેષ તપાસ ટીમ દ્વારા કરાવવાનો આદેશ આપ્યો ત્યાં સુધી આ કેસ લગભગ 20 વર્ષ સુધી સ્થગિત રહ્યો.
આ કેસમાં ભટ્ટની સપ્ટેમ્બર 2018 માં ધરપકડ કરવામાં આવી હતી. વીરેન્દ્ર સિંહ યાદવ (હવે ગાંધીનગર રેન્જ ડીઆઈજી) ની આગેવાની હેઠળની SIT તપાસ પૂર્ણ થઈ હતી અને 2 નવેમ્બર, 2018 ના રોજ પાલનપુરની NDPS કોર્ટમાં ભટ્ટ અને વ્યાસ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.





