Gujarat Police Raid On Visa Consultancy Firms : વિઝા મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો પર કાર્યવાહી કરતા ગુજરાત પોલીસે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 ઈમિગ્રેશન કન્સલ્ટન્સી ફર્મ પર દરોડા પાડ્યા હતા. ગુજરાત પોલીસે આ દરોડા દરમિયાન ઈમિગ્રેશન કન્સલ્ટન્સી ફર્મને ત્યારે રહેલા પાસપોર્ટ અને કમ્પ્યુટર હાર્ડવેર જપ્ત કર્યા છે, એવું એડિશનલ ડીજીપી (સીઆઈડી ક્રાઈમ) રાજકુમાર પાંડિયને શનિવારે જણાવ્યું હતું.
તેમમે માહિતી આપતા જણાવ્યું કે, આ દરોડા રાજ્ય CID ક્રાઈમના કર્મચારીઓ દ્વારા એક મહિનાની દેખરેખ બાદ પાડવામાં આવ્યા હતા. “વિઝા એજન્ટોની 17 ઓફિસો પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. અમે 27 પાસપોર્ટ, પાસપોર્ટની 182 નકલો, 53 કોમ્પ્યુટર અને હાર્ડ ડ્રાઈવ, 79 માર્કશીટ અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. શુક્રવારે 50 થી વધુ પોલીસ કર્મચારીઓ અને કમ્પ્યુટર એક્સપર્ટ્સ તેમજ એક એસપી અને ચાર ડેપ્યુટી એસપી સાથે 17 ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ”તેમણે ઉમેર્યું.
તેમણે ઉમેર્યુ કે, વિઝા મેળવવામાં મદદ કરવા માટે આ ઈમિગ્રેશન કન્સલ્ટન્સી કંપનીઓને મોટી રકમ ચૂકવવા છતાં વિદેશમાં – ખાસ કરીને યુએસએ, કેનેડા અને ઑસ્ટ્રેલિયા જતા લોકોને – વિદેશના એરપોર્ટ પરથી ભારત પાછા ફરવાની ફરજ પાડવામાં આવી હોવાની ફરિયાદો મળ્યા બાદ ઘણી વિઝા કન્સલ્ટન્ટ ફર્મ્સ શંકાના દાયરા હેઠળ આવી હતી.
તેમણે જણાવ્યું કે, આ દરોડા દરમિયાન જપ્ત કરાયેલી વસ્તુઓમાં અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓની માર્કશીટ, પાસપોર્ટ અને પાસપોર્ટની નકલો, સ્ટેમ્પ્સ, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને રૂ. 5.5 લાખ રોકડ સહિતના દસ્તાવેજો સામેલ છે. પાંડિયને જણાવ્યું હતું કે દરોડા પાડવામાં આવેલી બે કંપનીઓમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
આ દસ્તાવેજો અને વસ્તુઓની સત્યતા ચકાસવા માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા પછી આગામી પગલાં લેવામાં આવશે,” એવુ તેમણે ઉમેર્યું.
પાંડિયને જણાવ્યું કે, “આ કંપનીઓ મુખ્યત્વે અન્ય રાજ્યોમાં સ્થિત યુનિવર્સિટીઓની નકલી માર્કશીટનો ઉપયોગ કરતી હતી અને અમુક દેશોના વિઝા માટે જરૂરી એવા IELTS અને આવા અન્ય પરીક્ષણોના સ્કોર્સમાં પણ ફેરફાર કર્યા હતા.”





