Gujarat Politics: ગુજરાતના ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સત્તાધારી ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભામાં ધવલસિંહ ઝાલા, માવજીભાઈ દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ સામે બળવો કરીને ચૂંટણી લડી હતી. તેમના બળવા બાદ ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
શાળાના શિક્ષક ધવલસિંહ ઝાલા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાના બાયડ મતવિસ્તારમાંથી ચૂંટાયેલા 47 વર્ષીય ધવલસિંહ ઝાલા રાજકીય રીતે પ્રભાવશાળી ઠાકોર-ક્ષત્રિય સમુદાયના છે. ધવલસિંહ ઝાલાએ ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમારને 5,818 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી પંચ (EC) સમક્ષ તેમની એફિડેવિટ મુજબ, ધવલસિંહ ઝાલા શાળાના આચાર્ય હતા. તેમણે ખેતીને પોતાની આવકનું સાધન પણ જણાવ્યું હતું.
તેઓ પ્રથમ વખત INC ઉમેદવાર તરીકે 2017માં ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. ત્યારે ઠાકોર યુવા નેતા અલ્પેશ ઠાકોરના નજીકના સાથી ગણાતા ધવલસિંહ ઝાલાએ રાજ્યમાં ક્રોસ વોટિંગ બાદ ઠાકોરની સાથે 2019માં વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. તે પછી તે ભાજપમાં જોડાયા, જેમને તરત જ તે જ મતવિસ્તારની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા. પરંતુ કોંગ્રેસના જશુભાઈ પટેલે સામે તેમને પરાજય થયો હતો. ત્યારપછી પણ ધવલસિંહ ઝાલા ભાજપ સાથે જ રહ્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, પાર્ટીએ તેમની ટિકિટ કાપી નાખી, ત્યારબાદ તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા.
માવજીભાઈ દેસાઈ, સહકારી કેન્દ્રીય બેંકથી રાજકારણ સુધીની સફર
50 વર્ષીય માવજીભાઈ દેસાઈએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાયવાડા ગામના સરપંચ તરીકે 2002-03માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 2017માં ભાજપની ટિકિટ પર ધાનેરાથી તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ INC ના નાથાભાઈ પટેલ (ચૌધરી) સામે હારી ગયા હતા. દેસાઈ બનાસકાંઠા જિલ્લા સહકારી મધ્યસ્થ બેંકના ડિરેક્ટર હતા.
તેઓ 2015 થી 2020 વચ્ચે બનાસ ડેરીના વાઇસ ચેરમેન પણ હતા. તેમના નજીકના મિત્રોનું કહેવું છે કે, 2012માં પણ તેમણે ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાંથી અને બાદમાં લોકસભાની ચૂંટણી પછી 2015ની પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ માંગી હતી. આ વખતે ભાજપ દ્વારા તેમને ટિકિટની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તેમની જગ્યાએ ભગવાનજીભાઈ પટેલ (ચૌધરી)ની પસંદગી કરવામાં આવી હતી.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે બાપુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 55 વર્ષીય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે બાપુ વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના બળવાખોર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. વાઘેલાએ 2017માં વાઘોડિયાથી ભાજપના બળવાખોર તરીકે ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. જે બાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વાઘેલા 2000ના દાયકાની શરૂઆતથી જ ભાજપ સાથે છે.
આ પણ વાંચો – Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
2002માં ચુડાસમા ધારાસભ્ય બન્યા બાદ વાઘેલાને વડોદરામાં પાર્ટીના બિઝનેસમેન સેલના કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વ્યવસાયે વેપારી અને ખેડૂત, વાઘેલાએ 111 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.