Gujarat Polls: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રચારમાં, ભાજપે તેના દિગ્ગજોને ઉતાર્યા હતા. બીજેપીના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાતમાં પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે કેટલાક અગ્રણી ચહેરાઓને જોડ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ સામેલ હતા. જો કે, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સમગ્ર પ્રચાર દ્રશ્યમાંથી ગેરહાજર રહ્યા હતા.
બોમાઈ દક્ષિણમાંથી ભાજપના એકમાત્ર મુખ્યમંત્રી છે
ભાજપના નેતાઓના જૂથે જણાવ્યું હતું કે, સારૂ હિન્દી બોલી શકનારા અને દક્ષિણના ભાજપના એકમાત્ર મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈની ગેરહાજરી આશ્ચર્યજનક હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કર્ણાટક (કન્નડ) માંથી પણ મોટી સંખ્યામાં સ્થળાંતર કરનારાઓ છે. કર્ણાટકના લોકો 1920 ના દાયકામાં ગુજરાતમાં સ્થાયી થવા લાગ્યા અને મિત્ર કુટા નામના સંગઠનની રચના કરી. પાછળથી તે કર્ણાટક સંઘ બન્યું. આ એસોસિએશન 1932 માં કન્નડ ભાષી લોકોને તેમની સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવા માટે તેમની વચ્ચે સંગઠિત કરવા માટે રજિસ્ટર કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં સોમવારે (5 ડિસેમ્બર) બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે, જ્યારે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓના ભાગ્યનો ફેસલો મતદારો કરશે.
પ્રથમ તબક્કામાં લગભગ 64 ટકા મતદાન થયું હતું
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત પ્રદેશોની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. રાજ્ય ચૂંટણી સંસ્થાના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષોનો પણ સમાવેશ થાય છે. ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. અન્ય પક્ષોમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ 12 ઉમેદવારો અને બહુજન સમાજ પાર્ટી (BSP) એ 44 ઉમેદવારો ઉભા રાખ્યા છે. સોમવારે જે 93 વિધાનસભા મતવિસ્તારો માટે મતદાન થઈ રહ્યું છે તે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને અન્ય જિલ્લાઓમાં ફેલાયેલ છે.





