Gujarat Rain and weather news today 01 august 2024 : ગુજરાતમાં ચોમાસાનો ધીમે ધીમે માહોલ જામી રહ્યો છે. અમદાવાદમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના બોડકદેવ, એસજી હાઈવે, મકરબા, સેટેલાઈટ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરાસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના લગભગ તમામ વિસ્તારમાં છૂટો છવાયા ઝાપટા પડી રહ્યા છે. ત્યારે આજે સાંજે ચાર વાગ્યા બાદ બોડકદેવ, એસજી હાઈવે, સેટેલાઈટ, જજીસ બંગ્લો, જોધપુર ચાર રસ્તા, શિવરંજની સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અચાનક વરસાદ શરૂ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટુ વ્હીલર ચાલકો રસ્તા પર રેઈન કોટ પહેરતા પહેરતા જ પલડી જતા જોવા મળ્યા હતા.
ધમાકેદાર વરસાદથી એસજી હાઈવે પર સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા છે, તો અનેક નિચાણવાળા રોડ પર ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જો આ સ્પીડ સાથે વરસાદ થોડો સમય વધુ ચાલુ રહ્યો તો, જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની ભીતી સેવાઈ રહી છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘરાજા મેઘ મહેર વરસાવી રહ્યા છ. તો મધ્યાંતરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે આજે પાંચ દિવસ માટેની આગાહી જાહેર કરી છે, જેમાં ગુરૂવાર, શુક્રવારે અને શનિવારે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે.
શુક્રવારે ક્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે શુક્રવારે માટે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પાંચ જિલ્લામાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શનિવારે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
જો શનિવારની આગાહીની વાત કરીએ તો, હવામાન વિભાગે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ભાવનગર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 84 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધુ, નવસારીના ખેરગામમાં 43 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ડાંગના વઘાઈ 38 મીમી અને આહવામાં 33 મીમી, વલસાડ શહેરમાં 33 મીમી, નવસારીના વાંસદામાં 32 મીમી અને તાપીના વ્યારામાં 23 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 78 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ જોવા મળ્યો છે.





