Gujarat Rain Forecast : ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ મંગળવારે થોડી રાહત બાદ બુધવારે અને ગુરુવારે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે, ચોમાસાની વિલંબિત શરૂઆત હોવા છતાં, રાજ્યમાં ગયા વર્ષની સરખામણીમાં પહેલાથી જ વધુ વરસાદ થયો છે. પાણી ભરાયેલા રસ્તાઓ અને નાગરિક સમસ્યાઓના વિઝ્યુઅલ વ્યાપકપણે શેર કરવામાં આવ્યા છે, જે લોકોની દુર્દશાને છતી કરે છે.
સોમવારે સાબરકાંઠાના ઇડરમાં પાણી ભરાઈ ગયું હતું કારણ કે, સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં સૌથી વધુ 146 મીમી વરસાદ નોંધાયો હતો. સત્તાવાર માહિતી મુજબ સોમવારે રાજ્યભરના 183 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
મંગળવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી, જ્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ફરીથી 12 જુલાઈ (બુધવાર) અને 14 જુલાઈ (શુક્રવાર) વચ્ચે ભારે વરસાદ થવાની સંભાવના છે.
સોમવારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠાના જિલ્લાઓમાં તથા મહીસાગર, રાજકોટ અને જૂનાગઢમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. આ જિલ્લાઓમાં 100 મીમીના આંકને પાર કરનાર તાલુકાઓમાં તલોદ (139 મીમી), લુણાવાડા (129 મીમી), વિરપુર (127 મીમી), ઉપલેટા (118 મીમી), ધનસુરા (110 મીમી), દાંતા (104 મીમી), વિસાવદરનો અને વિસનગર (103 મીમી) નો સમાવેશ થાય છે.
વરસાદ આગાહી અપડેટ
12 જુલાઈ 2023
IMDની 12 જુલાઈની ચેતવણીમાં જણાવાયું છે કે, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા છે, તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં બારે વરસાદ પડી શકે છે.
13 જુલાઈ 2023
એ જ રીતે, 13 જુલાઇ માટે જણાવ્યું છે કે, “દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદ (સંભવ છે); અને સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં એટલે કે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે.
14 જુલાઈ 2023
તો જુલાઈ 14 ના રોજ, તેમાં કહેવામાં આવ્યું હતું કે, “ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની સંભાવના છે, તો સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ કેટલાક સ્થળે ભારે વરસાદ થઈ શકે છે.
15 જુલાઈ 2023
15 જુલાઈએ દમણ, દાદરાનગર હવેલીમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લામાં કેટલાક છૂટા છવાયા સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે. આ બાજુ સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને જૂનાગઢ કચ્છ તથા દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો – Gondal Murder : પુત્રી સાથે થયેલ જાતીય સતામણીનો એક વર્ષ બાદ બદલો? પિતાએ યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો
16 જુલાઈ 2023
તો 16 જુલાઈ માટે પણ દમણ, દાદરાનગર હવેલીમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પણ કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.