Gujarat Rain Forecast : ગુજરાતમાં મેઘરાજાએ આજે દક્ષિણ ગુજરાતને ઘમરોળી દીધુ છે, સુરત શહેર તથા સુરતના તાલુકાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવી 6 ઈંચથી વધુ વરસાદ વરસાવતા ઠેર ઠેર રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસ માટે પણ વરસાદની આગાહી કરી છે, તો જોઈએ હજુ આજે અને આવતીકાલે ક્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસુ સક્રિય હતુ, આજે સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 204 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 153 મીમી વરસાદ નોંધાયો છે.
તો હવામાન વિભાગ કહે છે કે, એક ટ્રફ ઉત્તર પૂર્વ સમુદ્રથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ઉત્તર પશ્ચિમ બિહાર થઈને મધ્ય પ્રદેશ સુધી સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર ચક્રવાતી પરિભ્રમણ પાર કરે છે.
તો એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર ગુજરાત અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે આવેલુ છે. આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છને અડીને આવેલા ઉત્તર પૂર્વ સમુદ્ર પરનું ચક્રવાતી પરિભ્રમણ હવે દરિયાની સપાટીથી સરેરાશ 1.5 કિમી ઉપર કચ્છને અડીને આવેલા દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પર છે.
ક્યાં અતિભારે વરસાદની આગાહી?
રવિવાર દક્ષિણ ગુજરાત માટે ભારે બની ગયો, હવામાન વિભાગની આગાહી અનુસાર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, અને બોટાદ જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
તો સોમવારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, અને દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ક્યાં ભારે વરસાદની સંભાવના?
રવિવારે સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે તો, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, તો કચ્છ-સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તો સોમવાર માટે ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને નવસારી, સહિત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
મધ્યમથી હળવા વરસાદની આગાહીની વાત કરીએ તો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે.
આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સવાર 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, સૌથી વધુ સુરતના પલસાણામાં 153 મીમી (6 ઈંચથી વધુ) વરસાદ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, 6 તાલુકા પલસાણા, બારડોલી, મહુવા, સુરત શહેર, મુંદ્રા તથા કામરેજમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો પાંચ તાલુકા વાપી, ઓલપાડ, વલસાડ, દ્વારકા અને ભરૂચમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ બાજુ, કપરાડા, ખેરગામ, ધરમપુર અને મોરબીમાં 3 ઈંચથી વધુ વરસાદ તો ઉમરપાડા, અમદાવાદ શહેર, હાંસોટ, જલાલપોર, ડોલવાણ, ધનસુરા, ગણદેવી, ભૂજ, સાણંદ, અંકલેશ્વર, વ્યારા, સતલાસણા અને નવસારીમાં 2.50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો – ગુજરાતમાં વરસાદ : સુરતમાં 6 ઈંચ, આઠ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, ઠેર ઠેર જળબંબાકાર, ક્યાં કેવો વરસાદ?
આ બાજુ માંડવી, કડી, વાલોદ, સોનગઢ, ખંભાળિયા, ચીખલી, માંડલ, ઈડર, ગાંધીનગર, વાગરા, સંખેડા, અને માંગરોળમાં 2 ઈંચથી વધુ વરસાદ, તો દસાડા, ગાંધીધામ, વઘઈ, વાંસદા, માંડવી(કચ્છ), મેઘરજ, નાંદોદ, બોડેલી, માતર, વાલિયા, અંજાર, વલ્લભીપુર, ડાંગ-આહવા, જોટાણા, સુબીર, પારડી, પાદરા, ઝગડીયા, ધોરાજી, ઉમરાળા અને ટંકારામાં 1.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ બાજુ, જામકંડોરણા, ધોલેરા, ઉમરગામ, દેહગામ, જોડિયા, માળિયા હાટિના, વડનગર, જાંબુઘોડા, ચોરાસી, કલ્યાણપુર, જેતપુર, ડભોઈ, નેત્રંગ, તિલકવાડા, બરવાળા, ભિલોડા, રાણાવાવ, દેત્રોજ, અને પેટલાદમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય 132 તાલુકામાં 1 મીમી થી 24 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.





