Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટીંગ કરી છે. પ્રથમ રાઉન્ડમાં ગીર સોમનાથ, બીજા રાઉન્ડમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર અને ત્રીજા રાઉન્ડમાં જુનાગઢ અને નવસારીમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું. જેને પગલે કેટલાએ તાલુકામાં પુરની સ્થિતિ સર્જાઈ હતી, અને જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ હતુ. તો આજે ફરી હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો જોઈએ ક્યા જિલ્લામાં મેઘરાજા મહેર કરશે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, શીયર ઝોન પગલે 2 દિવસ ફરી વરસાદ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે. દરિયાકાંઠા વિસ્તારમાં 45થી 60ની ઝડપે પવન ફૂકાઈ શકે છે. આ સિવાય હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આશા વ્યક્ત કરી છે.
આજે ક્યાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગ અનુસાર, આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં ભારે વરસાદ થવાની પુરી સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, જેને પગલે આજે આ જિલ્લાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે ક્યાં અતિભારે વરસાદની સંભાવના
આજે વેબસાઈટ અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં ત્રણ સ્થળોએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવમાન વિભાગે વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
શુક્રવારે ભારે વરસાદની સંભાવના
શુક્રવારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શુક્રવારે અતિભારે વરસાદની સંભાવના
આવતીકાલે શુક્રવારે અતિભારે સંભાવના પણ દક્ષિણ જિલ્લાના ચાર સ્થળો માટે વ્યક્ત કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – Junagadh Heavy Rain : જુનાગઢ ભારે વરસાદથી જળબંબાકાર | રસ્તા નદીમાં ફેરવાયા, વાહનો-પશુઓ તણાયા – VIDEO
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા જુનાગઢમાં અતિભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરમાં અનેક વાહનો, લોકોના ઢોર પણ તણાઈ જવાના વીડિયો સામે આવ્યા હતા. જયાં જુઓ ત્યાં પંથકમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. રોડ રસ્તા નદીઓ બની ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું, ખેતરો બેટ બની ગયા હતા. કેટલાએ ગામ સંપર્ક વિહોણા બની ગયા હતા, જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.