Gujarat Weather : ગુજરાતમાં એક અઠવાડીયાથી મેઘરાજા તોફાની બેટીંગ કરી રહયા છે. મેઘરાજાએ પહેલા ગીર સોમનાથ, ત્યારબાદ દ્વારકા અને પછી જુનાગઢ તથા નવસારીમાં કહેર વરસાવ્યો. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે મેઘરાજા સૌરાષ્ટ્રના બે જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતના 3 જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ક્યા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની 24-07-2023ની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. જો જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો આ બાજુ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની વેબસાઈટ અનુસાર, આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં અલગ અલગ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.
આગામી ત્રણ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલ મંગળવારથી વરસાદનું જોર થોડુ ધીમુ પડશે, 25 જૂને નવસાર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં કેટલાક સ્થળે ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય અન્ય વિસ્તારમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. તો 26, 27, અને 28 તારીખે પણ કોઈ જિલ્લામાં અતિભારે કે ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી.
આ પણ વાંચો – ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી વરસાદનો કહેર, દિલ્હીમાં યમુના ખતરાના નિશાનથી ઉપર, આઇએમડીનું આ રાજ્યો માટે રેડ એલર્ટ
રવિવારે ક્યાં કેવો વરસાદ પડ્યો
રવિવારે મેઘરાજાએ ભાવનગર અને રાજકોટ જિલ્લામાં સારી બેટીંગ કરી છે. જો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો, ભાવનગરમાં 4.50 ઈંચ વરસાદ, રાજકોટના કોટડા સાંગણીમાં 3.50 ઈંચથી વધુ, જામનગરના લાલપુર અને અમરેલીના બાબરામાં, કચ્છના ગાંધીધામમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો રાજકોટના લોધિકા, ભાવનગરના શિહોર, સુરતના ઉમરપાડા, બોટાદના ગઢડામાં 2.50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ બાજુ, ગીર સોમનાથના વેરાવળ, સુરત શહેર, કચ્છના અંજાર, તાપીના વ્યારા, નર્મદાના નાંદોદ, ભાનગરના ઉમરાળા અને રાજકોટ શહેરમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય, 19 તાલુકા શહેરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.





