Gujarat Rain Forecast : રાજ્યમાં મેઘરાજા આવતીકાલથી કેટલાક જિલ્લામાં મેઘ તાંડવ મચાવી શકે છે. આ પહેલા બે રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું વધારે જોર જોવા મળ્યું હતું. હવામાન વિભાગ અનુસાર, 17 તારીખથી 21 તારીખ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે અનુસાર કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.
19 તારીખ આ જિલ્લાઓ માટે ભારે
હવામાન વિભાગ અનુસાર, 19 તારીખ માટે સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે મેઘરાજા ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં મેઘ તાંડવ મચાવી શકે છે. તો આ સિવાય 20 અને 21 તારીખ માટે પણ કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો જોઈએ કઈ તારીખે કયા વિસ્તારમાં મેઘરાજાનું જોર વધારે રહેશે.
તારીખ પ્રમાણે વરસાદની આગાહી
17 જુલાઈ 2023
આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ, તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
18 જુલાઈ 2023
18 તારીખે નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની સંભાવના છે. તો નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી જિલ્લામાં, તથા ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર અને દમણ, દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના.
19 જુલાઈ 2023
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, તો ખેડા આણંદ, અમદાવાદ, વડોદરા જિલ્લામાં, તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
20 જુલાઈ 2023
હવામાન વિભાગની આગાહી મુજબ 20 તારીખે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સહિત અન્ય જિલ્લામાં છૂટાછવાયા સ્થળો અને સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તથા સૌરાષ્ટ્રના બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
21 જુલાઈ 2023
શુક્રવારે કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.





