Gujarat rain forecast update : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થતા છેલ્લા ત્રણ દિવસથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બારે વરસાદ ખાબકી રહ્યો છે, સાથે મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે ગુજરાતની નર્મદા, તાપી, મહી સહિતની અનેક નદીઓ બે કાંઠે થઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. આ બાજુ નર્મદા નદી છલકાતા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અંકલેશ્વર, ભરૂચ અને વાગરા શહેર સહિત અનેક ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વરમાં તો 50 થી વધુ સોસાયટીમાં ઘરના એક માળ પણ ડુંબી ગયા છે. ભરૂચ શહેરની પણ આવી જ કઈક સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાંચ ફૂટ પાણી જોવા મળી રહ્યા છે.
વરસાદ સાથે પવન પણ ફૂંકાશે
હવામાન વિભાગે આજે ફરી વરસાદને લઈ આગાહી આપી છે. જેમાં ગુજરાતમાં હજુ પણ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, વરસાદની સિસ્ટમ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર તરફ આગળ વધી રહી છે. જેને પગલે હજુ આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય આવતીકાલે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂકાવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે.
તારીખ પ્રમાણે ત્રણ દિવસની આગાહી
18-09-2023
આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી અને જુનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે, આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર તથા ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં પણ છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. તો ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં યસલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદ થઈ શકે છે.
19-09-2023
હવામાન વિભાગે આવતીકાલ મંગળવારના દિવસ માટે પણ કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાંચો – Gujarat Rain Live Update : ગુજરાત વરસાદ લાઈવ અપડેટ : જુનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 11.50 ઈંચ વરસાદ ખાબક્યો
20-09-2023
હવામાન વિભાગે બુધવારના દિવસે વરસાદ ધીમે ધીમે તેનું જોર ઘટાડશે તેવી આગાહી કરી છે, પરંતુ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.





